Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

માલીયાસણના સગીર બાળકની હત્યાના કેસમાં પકડાયેલ આધેડ બંગાળી મહિલાનો શંકાના લાભ સાથે છુટકારો

પીરની દરગાહે સુટકેશમાં બાળકની લાશ લઇને આવતાં ભાંડો ફુટતા મહિલા ઝડપાઇ ગઇ હતી

રાજકોટ,તા. ૨૬: સગીરા બાળકની કથિત હત્યા કરી અને માલીયાસણ પાસે સુટકેશમાં લાશ મુકી પુરાવાનો નાશ કરવાના ચકચારી કેસમાં આધેડ બંગાળી સ્ત્રીને છોડી મુકવાનો અધિક સેસન્સ જજ એસ.એમ.પવારે હુકમ કર્યો હતો.

અત્ર. માલીયાસણના રહીશ ઇબ્રાહીમ ઇશાભાઇ જુણેજાએ સને ૨૦૧૫માં માલીયાસણ ગામના આઇ.ઓ.સી. પેટ્રોલ પંપ પાસે આવેલ જબાબશા પીરની દરગાહ પાસે પોતાની પાન અને અગરબત્તીની દુકાન ખાતે હાજર હોય તે સમય દરમ્યાન આરોપી બંગાળી સ્ત્રી ત્યાં પોતાની સાથે સુટકેશ લઇ દરગાહમાં દર્શન કરવા આવ્યાનું જણાવતા તે સમયે તેને શંકા જણાતા આરોપી સ્ત્રીની પુછપરછ કરી સુટકેશ ખોલીને જોતા તેમાંથી સગીર બાળકની લાશ મળતા તેને કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફોન કરીને પોલીસને જાણ કરેલ. ત્યારબાદ, કુવાડવા પોલીસ દ્વારા ખુનનો ગુન્હો દાખલ કરી વિશેષ તપાસ કરતા ગુન્હો 'બી' ડીવીઝન પોલીસ સ્ટેશનની હદમાં બનેલ હોવાનું માલુમ પડતા આ બનાવની આગળની તપાસ 'બી' ડીવીઝન પોલીસ સ્ટેશનને સોંપાયેલ હતી. અને તપાસના અંતે કોર્ટમાં ચાર્જશીટ કરાયું હતું.

આ કેસમાં અધિક સેશન્સ કોર્ટ દ્વારા ક્રિમીનલ મેન્યુઅલ પારા-૧૨૫ અને ૧૨૬ મુજબ આરોપી બંગાળી સ્ત્રીના બચાવ માટે વકીલ તરીકે રાજન આર. કોટેચાની નિમણુક કરવામાં હતી. સદર કેસ ચાલી જતા પ્રોસીકયુશન તરફે ચાર્જશીટમાં પોલીસ દ્વારા દર્શાવેલ ૩૭ સાહેદો પૈકી ૨૩ સાહેદોને તપાસવામાં આવેલ હતા. જેમાં કોર્ટ સમક્ષની તેઓની જુબાનીમાં ખુબ જ વિરોધાભાસ રેકર્ડ પર આવેલ. સદર કેસ સાંયોગિક પુરાવા આધારિત હોય, પ્રોસીકયુશન પોતાનો કેસ સાબિત કરવા માટે પુરાવાઓની તમામ કડીઓ જોડી તેની સાંકળ પુરવાર કરી શકવામાં સદંતર નિષ્ફળ નીવડેલ જે આરોપીને તકસીરવાન ઠેરવી શકે. બચાવપક્ષના વકીલ દ્વારા પ્રોસીકયુશન સાહેદોની ઉલટ તપાસ તેમજ વિગતવાર દલીલો દરમ્યાન પણ કોર્ટ સમક્ષ સફળ અને સચોટ રજુઆતો કરેલ હતી. અને વિવિધ હાઇકોર્ટસ અને સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ રજુ રાખેલ હતા.

અધિક સેસન્સ કોર્ટ દ્વારા બચાવપક્ષના વકીલશ્રીની તમામ રજુઆતો ધ્યાને લઇ મહત્વના છ મુદ્દાઓને લક્ષમાં લીધેલ જેમાં : (૧) લાશ આરોપીના કબજાની સુટકેશમાંથી મળેલ છે કે બિનવારસી તે હકીકત ફરિયાદીના પુરાવાથી સ્પષ્ટ થતી નથી. (૨) ગુજરનાર સગીર બાળકના પિતાના જણાવ્યા પ્રમાણે તેના બીજા સગીર પુત્રએ બનાવ નજરે જોયેલ હોય તેમ જણાવેલ છે. પરંતુ તે સગીર પુત્રએ આવી કોઇ હકીકતને સમર્થન આપેલ નથી. (૩) બનાવમાં વપરાયેલ હથિયાર લાકડાના ધોકાની પોલીસ તપાસ દરમ્યાન રીકવરી શંકાસ્પદ બની રહે છે. (૪) પોલીસ તપાસ મુજબ ગુજરનાર સગીરના ભાઇએ બનાવ નજરે જોયેલ છે. પરંતુ સદર હકીકત રેકર્ડ પર પ્રસ્થાપિત થતી નથી. (૫) બનાવના દિવસે કે તેની આગલી રાત્રે મરણ જનાર કયાં હતા. છેલ્લે તેને આરોપી સાથે તેના ઘરમાં જોયેલ કે કેમ ? તે હકીકત પણ રેકર્ડ પર સ્પષ્ટ થતી નથી. (૬) આરોપી વિરૂધ્ધ સાંયોગિક પુરાવાની તમામ કડીઓ અને તેની સાંકળ પુરવાર થતી નથી.

ઉપરોકત બાબતો ધ્યાનમાં લઇ રાજકોટના અધિક સેશન્સ જજ સાહેબશ્રી એચ.એમ.પવાર મેડમે પ્રોસીકયુશન પોતાનો કેસ નિઃશંકપણે સાબિત કરી શકેલ ન હોય આરોપી બંગાળી સ્ત્રીને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે. આ કામમાં આરોપી આધેડ બંગાળી સ્ત્રી તરફે રાજકોટના એડવોકેટ રાજન.આર.કોટેચા રોકાયેલ હતા.

(3:20 pm IST)