Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

જેતપુર પંથકના કરોડો રૂપિયાની છેતરપીંડી કરવાના ગુનામાં આરોપીની જામીન અરજી મંજુર

રાજકોટ તા. ર૬: જેતપુરમાં દિપ ગ્રુપના નામથી અલગ અલગ ઇનામી યોજનાઓ બહાર પાડી આજુબાજુના ગામના અઢી હજાર જેટલા લોકો પાસેથી પૈસા ઉઘરાવી સ્કીમ બંધ કરી કરોડો રૂપિયા ઓળવી જવાના ગુન્હામાં પકડાયેલ મુખ્ય આરોપી યશ અનીલભાઇ ટાંકના જામીન રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, જેતપુરના (૧) કિશોર પરસોતમભાઇ ઠુંમર (ર) યશ અનીલભાઇ ટાંક તથા (૩) પંકજ વિનોદભાઇ રાદડીયાનાઓએ જેતપુરના ફુલવાડી સ્ટેશન રોડ, દિપ ગ્રુપ નામથી પેઢી શરૂ કરેલ અને તે પેઢીમાં રપ જેટલી અલગ અલગ યોજનાઓ બહાર પાડી યોજનામાં જોડાવવા માટે સભ્ય દીઠ ફી ઉઘરાવી ઇનામી ડ્રો સ્કીમ બહાર પાડેલ અને સભ્ય ફી ઉપરાંત દરેક વ્યકિત પાસેથી માસિક ફી લઇ ડ્રોમાં વિજેતા થનાર વ્યકિતને સ્કુટર સહીત અલગ અલગ ગીફટ મળશે તેવી લોભામણી વાતો કરી દરેક સભ્યએ પોતાની નીચે બીજા વિશેષ સભ્ય બનાવે તેઓને કમીશન આપવા પણ ખાત્રીઓ આપેલ હતી. આમ અલગ અલગ યોજનાઓ બહાર પાડી જેતપુર તથા આસપાસના વિસ્તારમાંથી એક કરોડ ત્રીસ લાખ જેટલી રકમ ભેગી કરી લીધા બાદ ઓફીસને તાળા મારી રફુચકકર થવાની ફરીયાદ જેતપુર વેપારી વિજયભાઇ ભુરાભાઇ ગજેરા સહીતના અસંખ્ય લોકોએ આપતા આરોપીઓ વિરૂધ્ધ જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ-૪૦૬, ૪ર૦, ૧ર૦-બી, ૧૧૪ મુજબ જી.પી.આઇ.ડી. એકટની કલમ-૩ મુજબ તથા પ્રાઇઝ ચીટ એન્ડ મની સરકયુલેશન સ્કીમ-૧૯૭૮ કલમો ૪,પ,૬ મુજબ ગુન્હો નોંધાયેલ હતો. આરોપીઓ વિરૂધ્ધ ગુન્હો નોંધાતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કરેલ હતા. આરોપીઓ સામે થાપણદારોને રક્ષણ માટેનો કાયદો (જી.પી.આઇ.ડી.) હેઠળ ગુન્હો નોંધાતા આરોપી યશ અનીલભાઇ ટાંકે તેમના એડવોકેટ તુષાર ગોકાણી મારફત સ્પેશીયલ સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરેલ હતી.

કોર્ટે બન્ને પક્ષકારોની વિસ્તૃત દલીલોના અંતે અદાલતે આરોપી પક્ષે તરફે થયેલ દલીલોને માન્ય રાખી વડી અદાલતોના ચુકાદાઓના સિધ્ધાંતો મુજબ યશ અનીલભાઇ ટાંકને પાસપોર્ટ પોલીસ અધિકારી પાસે જમા કરાવ ી તથા ભારત દેશ ન છોડવાની શરતે જામીન મુકત કરતો હુકમ કરેલ હતો.

આ કામમાં આરોપી યશ અનીલભાઇ ટાંક વતી રાજકોટના જાણીતા યુવા એડવોકેટશ્રી તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, ગૌરાંગ ગોકાણી, હાર્દિક શેઠ, ક્રિષ્ના ગોર, અંશ ભારદ્વાજ, હર્ષ ભીમાણી રોકાયેલ હતા.

(3:18 pm IST)