Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોરોનાનો ફફડાટ : વધુ ૬ કર્મચારીઓ સંક્રમિત : કેમ્પસ વિભાગો સુમસામ

ગઈકાલે ૧૬ સહિત ૨૫ કર્મચારીઓ કોરોના પોઝીટીવ થયા બાદ

રાજકોટ, તા. ૨૬ : કોવિડ-૧૯નો કહેર છેલ્લા કેટલાક સમયથી રાજકોટમાં વધી રહ્યો છે. કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ચોંકાવનારો વધારો થઈ રહ્યો છે. કોરોનાથી મૃત્યુઆંક પણ આંચકારૂપ બહાર આવી રહ્યો છે. મોટાભાગના વિભાગોમાં કોરોનાએ ઉપાડો લીધો હોય તેવી સ્થિતિ સર્જાય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જાણે કોરોનાનો વિસ્ફોટ ન થયો તેમ ગઈકાલે ૧૬ કર્મચારીઓનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આજે વધુ ૬ કર્મચારીઓનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

૩ દિવસ પૂર્વે કુલપતિ નીતિનભાઈ પેથાણી કોરોનાથી સંક્રમિત થયા હતા બાદમાં ડે. રજીસ્ટાર રમેશભાઈ પરમાર, જી.કે. જોષી, પ્લાનીંગ ઓફીસર મનીષભાઈ ધામેચા, પરીક્ષા વિભાગના અધિકારી સિદ્ધરાજસિંહનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આ સંજોગોમાં યુનિવસિટીના કર્મચારીઓ વધુ કોરોનાનો શિકાર તો નથી થયા ને? તે જાણવા ગઈકાલે ૧૦૦ કર્મચારીઓનું પરીક્ષણ હાથ ધરવામાં આવ્યુ હતું. જેમાં પરીક્ષા વિભાગ, પી.જી. વિભાગ, જોડાણ વિભાગ અને મહેકમ વિભાગમાં ૧૬ કર્મચારીઓ પોઝીટીવ આવ્યા હતા.

આજે વધુ ૧૫૯ કર્મચારીઓના કોવિડ-૧૯ના રીપોર્ટ કરાવવામાં આવ્યા હતા. જેમાં સીન્ડીકેટ સભ્ય ગીરીશ ભીમાણી સહિત ૬ કર્મચારીઓ સંક્રમિત માલૂમ પડડ્યા હતા.

અત્રે એ ઉલ્લેખનીય છે કે ભાજપ અગ્રણી ગીરીશભાઈ ભીમાણીએ કોરોનાનો ટેસ્ટ બે દિવસ પૂર્વે સોમવારે કરાવેલ. જે નેગેટીવ આવેલ. છતા આજે ફરીથી સેમ્પલ લેવડાવતા રીપોર્ટ પોઝીટીવ આવેલ.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જાણે કોરોનાનો બોમ્બ ફૂટ્યો ન હોય તેમ રીતસરનો ફફડાટ વ્યાપી ગયો છે. કુલ ૪૫૦ કર્મચારી - અધિકારીઓ ધરાવતી યુનિવર્સિટીમાં આજેે માત્ર ૬ કર્મચારીઓ ફરજ પર હાજર થયાનું જાણવા મળે છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંક્રમિત થયેલા કર્મચારીઓને હોમ કવોરન્ટાઈન કરવામાં આવ્યા છે. જયાં જરૂરી સારવાર આપવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.

(3:14 pm IST)