Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

રાધાકૃષ્ણ સોસાયટીના યુવાન રવિએ પોલીસ સ્ટેશને પહોંચી શરીરે કેરોસીન રેડ્યું: તેના ભાઇએ ભીંતમાં માથું અથડાવ્યું

રાધેકૃષ્ણ સોસાયટીમાં જરી-કાગળ ઉડે તેવો ફટાકડો ફોડવા મામલે ડખ્ખોઃ મહિલાઓ માસીયાઇ ભાઇઓ વિરૂધ્ધ રજૂઆત કરવા જતાં રવિ કેરોસીન લઇ યુનિવર્સિટી પોલીસ સ્ટેશને પહોંચ્યો, પાછળ માસીયાઇ ભાઇ જયદિપ પણ ગયો : રવિ જ્યાં રહે છે એ મકાન ખાલી કરાવવા મામલે હેરાનગતિ થઇ રહ્યાનો આક્ષેપઃ પોલીસમેન સામે પણ આંગળી ચીંધાઇઃ અરજી લેવાઇ

રાજકોટ તા. ૨૬: યુનિવર્સિટી રોડ પર કિડની હોસ્પિટલ પાછળ આવેલી રાધાકૃષ્ણ સુચિત સોસાયટીમાં રહેતાં મુળ કોડીનારના યુવાન રવિ સોમાભાઇ વાઢેર (ઉ.વ.૨૩) નામના યુવાને રાતે યુનિવર્સિટી પોલીસ સ્ટેશને પહોંચી શરીરે કેરોસીન રેડી સળગવાનો પ્રયાસ કરી પોલીસમેન અને વિસ્તારના મહિલાઓ વિરૂધ્ધ આક્ષેપો કરતાં દોડધામ મચી ગઇ હતી. બીજી તરફ આ યુવાનનો માસીયાઇ ભાઇ કોડીનારથી આવેલો જયદિપ વજુભાઇ વાઢેર (ઉ.વ.૧૯) પણ પોલીસ સ્ટેશને આવી ભીંતમાં માથા પછાડવા માંડતાં તેને હોસ્પિટલે ખસેડાયો હતો. વિસ્તારના લોકો પોતે જ્યાં રહે છે એ મકાન ખાલી કરાવવા અવાર-નવાર હેરાન કરી ખોટી અરજી, ફરિયાદો કરતાં હોવાની અને કોન્સ્ટેબલ પણ તેને મદદ કરતાં હોવાનો આક્ષેપ રવિ વાઢેરે કરતાં અરજી નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.

પોલીસ સ્ટેશનમાં ભીંતમાં માથા પછાડતાં મુંઢ ઇજા પામનાર જયદિપ વાઢેર કોડીનાર રહે છે અને કોલેજમાં ભણે છે. તેણે હોસ્પિટલના બિછાનેથી કહ્યું હતું કે મારો માસીયાઇ ભાઇ રવિ વાઢેર વર્ષોથી રાધાકૃષ્ણ સોસાયટીના મકાનમાં રહે છે. પોતે થોડા દિવસથી અહિ ભાઇને ત્યાં રહેવા આવ્યો છે. ગઇકાલે પોતાની પાસે જુનો પડતર ફટાકડો   કે જે બર્થડે સહિતના ફંકશનમાં ફોડાય છે તે ફળીયામાં ફોડતા જરી અને રંગબેરંગી કાગળના ટૂકડા ઉડ્યા હતાં. આ ટૂકડા બાજુમાં રહેતાં મહિલાના ફળીયામાં જતાં માથાકુટ થઇ હતી. એ પછી અમારા વિરૂધ્ધ અમે છેડતીઓ કરીએ છીએ તેવા આક્ષેપો સાથે ખોટી ફરિયાદ કરવા લત્તાની મહિલાઓ પોલીસ કમિશનર કચેરીએ જતાં મારો માસીયાઇ ભાઇ રવિ વાઢેર અમારી જાણ બહાર કેરોસીન લઇ યુનિવર્સિટી પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને ખોટી રીતે હેરાનગતિ થઇ રહ્યાની ફરિયાદ સાથે તેણે કેરોસીન છાંટી લીધું હતું. તેણે પોલીસમેન યુવરાજસિંહ વિરૂધ્ધ પણ આક્ષેપ કર્યો હતો.

અમને બનાવની જાણ થતાં હું અને મિત્ર પણ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતાં અને ખોટી ફરિયાદમાં ફસાવી દેવા અમારા વિરૂધ્ધ રજૂઆતો થઇ રહી હોઇ જેથી મેં પણ ભીંતમાં માથુ અથડાવ્યું હતું. પોલીસે આ મામલે રવિની અરજી લઇ ખરેખર સાચુ શું? તે અંગે તપાસ શરૂ કરી છે.

બીજી તરફ લત્તાવાસીઓએ પણ પોતે ૬ મહિના અગાઉ કરેલી અરજી-ફરિયાદનો નિકાલ ન આવ્યાની અને છોકરાઓ વારંવાર ત્રાસ ફેલાવતાં હોવાની રજૂઆત કરી હતી. તેમજ પોલીસ બંદોબસ્ત મુકવાની માંગણી કરી હતી. જો કે અગાઉ માથાકુટ થઇ હતી ત્યારથી અહિ એસઆરપીના બે જવાનો બંદોબસ્તમાં હોય છે.

(1:20 pm IST)