Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

કાલે આવાસ યોજનાના લોકાર્પણ સહિતના મુખ્યમંત્રીના કાર્યક્રમો રદ

વિજયભાઇ રૂપાણી આવતીકાલે રાજકોટમાં અંદાજે ૮૦૦ કરોડનાં વિકાસ કામોનું ઇ-લોકાર્પણ કરવાનાં હતાં પરંતુ તેઓ સમય ફાળવી શકે તેમ નહિં હોવાથી એકાએક કાર્યક્રમ રદ કરાયાનું સતાવાર કારણ દર્શાવાયું: આવાસનાં ''ડ્રો''ની રાહ જોતા લાભાર્થીઓ નિરાશઃ નવી તારીખ હવે જાહેર થશે

રાજકોટ તા. રપઃ આવતીકાલે તા. ર૭ ને ગુરૂવારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનાં હસ્તે મ્યુ. કોર્પોરેશનનાં કુલ ૬૪૦૪ આવાસોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત સહિત અંદાજે કુલ ૮૦૦ કરોડનાં વિકાસકામો પ્રજાને અર્પણ થનાર હતાં પરંતુ આ કાર્યક્રમ રાતોરાત રદ કરવો પડયો હોવાનું મ્યુ. કોર્પોરેશનનાં સતાવાહકોએ જાહેર કર્યું છે.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ વિવિધ વિસ્તારમાં મ્યુ.કોર્પોરેશન દ્વારા ૧, ૨ અને ૩  બી.એચ.કેનાં કુલ ૩૦૭૮ આવાસોનું નિમાર્ણ થયેલ આવાસોનું લોકાપર્ણ અને આગામી સમયમાં ઇ.ડબલ્યુ.એસ- ૧ અને ૨નાં ૩૩૨૬ આવાસો બનાવવામાં આવનાર છે તેનું ખાતમુહૂર્ત કાલે ગુરૂવારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ગાંધીનગરથી વિડીયો કોન્ફરનસ દ્વારા કરવામાં આવનાર હતું. પરંતુ મુખ્યમંત્રીશ્રીને એકાએક અન્ય જરૂરી કાર્યક્રમમાં હાજરી આપવી જરૂરી હોઇ તેઓએ ગુરૂવારે સમય ફાળવી શકે તેમ નહીં હોવાથી આ કાર્યક્રમ રદ કરવો પડયો છે અને હવે પછી નવી તારીખ ફાળવવામાં આવે ત્યારે લોકાર્પણ વગેરે કાર્યક્રમ યોજાશે. તેવી સત્તાવાર જાહેર થયું છે.

૩૦૭૮ ફલેટનો ડ્રો અટકયો

મ્યુ.કોર્પોરેશન દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૧ બી.એચ.કેનાં સ્પીડવેલ   પાર્ટી પ્લોટની સામે -૧૪૪, શિલ્પન સ્કાયલાઇફ સામે-૨૧૦ અને ૧૮૮ સહિત કુલ ૫૪૨ આવાસો તથા ૨ બી.એચ.કેનાં રાણી ટાવરની પાછળ -૧૮૦, ૧૫૦ ફુટ રીંગ રોડ, દ્રારિકા હાઇટસની સામે-૧૮૦ , મવડસ થી પાળ ગામ તરફ -૮૬૪ સહિત કુલ ૧૨૬૮ તેમજ ૩ બી.એચ.કેનાં હેવલોક એપાર્ટમેન્ટ સામે-૨૬૦ , શિવધામ સોસાયટી સામે, વિમલ નગર મેઇન રોડ- ૨૮૮, ૧૫૦ ફુટ રીંગ રોડ, દ્રારિકા હાઇટસની સામ-૪૪૮ સહિત કુલ ૧૨૬૮ આવાસો બનાવવામાં આવ્યા છે. જેનું લોકાપર્ણ અને ડ્રો થનાર હતો. પરંતુ હવે કાર્યક્રમ રદ થતાં આ યોજનાનાં હજારો લાભાર્થી નિરાશ થયા હતાં.

(3:18 pm IST)