Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ ખાતે ગામ માલગઢ , તા. કડી જી. બનાસકાંઠાના દેવચંદભાઈનું વિનામૂલ્યે સફળ ઓપરેશન કરવામાં આવ્યું

રાજકોટ,તા.૨૬: 'દિલ વિધાઉટ બીલ'ના નામે જાણીતી શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ છેલ્લાં ૨૦ વર્ષથી સ્વાસ્થ્ય ક્ષેત્રે સેવાની અનોખી સુવાસ ફેલાવી રહી છે હૃદયરોગના ગરીબ દર્દીઓને  વિનામૂલ્યે નવજીવન આપીને આ હોસ્પિટલે સેવા ક્ષેત્રે અનન્ય ઉદાહરણ પુરૂ પાડ્યું છે. આ હોસ્પિટલમાં પુખ્ત અને બાળકોના તમામ પ્રકારના હૃદયના ઓપરેશન વિનામૂલ્યે થાય છે. જેનો લાભ ભારતના તમામ રાજયોના ગરીબ હૃદય રોગના દર્દીઓ છેલ્લા ૨૦ વર્ષ થી મેળવી રહ્યા છે.અત્યાર સુધીમાં ૧૦,૦૦,૦૦૦ થી વધારે દર્દીઓની ઓપીડીમાં સારવાર કરવામાં આવી છે , અને ૨૦,૦૦૦થી વધારે હૃદય રોગના ઓપરેશનો નિઃશુલ્ક કરવામાં આવ્યા છે.

શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ (કાલાવડરોડ) આર્થીક રીતે નબળા વર્ગના લોકો માટે વિનામુલ્યે ઓપરેશન થાય છે આસાથે મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજનામાં યોજના તથા આયુષ્માન ભારત યોજનાનો લાભ પણ હૃદયરોગના દર્દીઓને આપવામાં આવે છે .

આવાજ એક દર્દી દેવચંદભાઈ ગોવિંદભાઇ પઢીયાર ઉં. વર્ષ ૨૩, ગામ માલગઢ , તા. કડી જી. બનાસકાંઠા. છેલ્લા ઘણાં વર્ષોથી હૃદય રોગથી પીડાતા હતા. આ દર્દીના કુટુંબમાં ૮ વ્યકિતઓ છેં. દર્દીના પિતા અને ભાઈઓ ખેત મજૂરી કરે છે અને મુશ્કેલીથી મહિને ૧૨ થી ૧૩ હજાર રૂપિયાની આવક ધરાવે છે. આ દર્દીને ઘણાં વર્ષોથી હૃદયની બીમારી હોવાથી તેઓએ પાલનપુર, અમદાવાદ વિગેરે સ્થળોએ હોસ્પિટલોમાં બતાવેલું હતું. જયાં તેઓએ હૃદયનું બહુ મોટું ઓપેરશન કરાવવું પડશે અને જેનો ખર્ચ પણ વધારે આવશે તેવી જાણકારી આપવામાં આવી હતી. આર્થિક મુશ્કેલીને હિસાબે દર્દી દેવચંદભાઈ ઓપરેશન કરાવી શકે તેમ ન હતા.

આ દરમ્યાન તેમના પરિચિત મારફત શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ વિશેની માહિતી આપવામાં આવી. આથી આ દર્દી નિદાન માટે શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ ખાતે આવેલ હતા. તેમના જરૂરી તમામ રિપોર્ટસ બાદ હૃદયની BENTAL સર્જરી માટે દાખલ કરવામાં આવેલ હતા. 

દર્દી ને જન્મ થી જ મહાધમની (મુખ્ય નસ)નો વાલ્વ ખરાબ હતો અને લીક કરતો હતો. જેની સમયસર સારવાર ન થતા મહાધમની (મુખ્ય નસ) ખુબ જ પહોળી થઇ ગઈ હતી. જો આ ફૂલેલી મહાધમની સમયસર સારવાર ન કરવામાં આવે તો મહાધમની ફાટવાથી દર્દીનું મૃત્યું પણ થઇ શકે છે. જેથી તેમને મહાધમની (મુખ્ય નસ)નો વાલ્વ અને મહાધમની (મુખ્ય નસ) બદલવા માં આવી હતી. આ ખુબ જટિલ ઓપરેશન સફળતા પૂર્વક વિનામૂલ્યે કરવામાં આવેલ હતું અને દર્દી સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ તા. ૨૦/૦૮/૨૦૨૦ના રોજ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

આમ બાબાનાં આશીર્વાદથી ગંભીર હૃદય રોગથી પીડિત એક માનવ જિંદગી બચાવી અને તેઓને નવજીવન પ્રાપ્ત થયું છે.

(11:35 am IST)