Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

કુલપતિ સહિત ૨૫ અધિકારી - કર્મચારીઓ કોરોનાગ્રસ્ત... સારવારમાં છતાં...

કાલથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અનુસ્નાતક કક્ષાની પરીક્ષાનો પ્રારંભ : ૧૬૪૫૯ પરીક્ષાર્થીઓ

રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી, મોરબી, જૂનાગઢના ૧૩૪ કેન્દ્રો ઉપર પરીક્ષા લેવાશેઃ સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક સહિત જોગવાઈનું પાલન કરાવાશે : ૫ ખાસ અધિકારીઓ મૂકાયા : ઉત્તરવહીઓનું મૂલ્યાંકન મોકૂફ

રાજકોટ, તા. ૨૬ : છેલ્લા ત્રણ દિવસમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોવિડ-૧૯ના પોઝીટીવ કેસમાં ચોંકાવનારો વધારો થયો છે. કુલપતિ પેથાણી - ડે.રજીસ્ટ્રાર પરમાર, જોષી સહિત ૨૫થી વધુ કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે ત્યારે આવતીકાલથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ત્રીજા તબક્કાની પરીક્ષાનો નિર્ધારીત કાર્યક્રમ મુજબ લેવાનો નિર્ણય થયો છે.

તા.૨૭ ઓગષ્ટથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પોસ્ટ ગ્રેજ્યુએશનની પરીક્ષા લેવાશે. ૧૩૪ સેન્ટરો ઉપર પી.જી. કક્ષાના ૧૬૪૫૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જામનગર, રાજકોટ, અમરેલી, મોરબી, સુરેન્દ્રનગર ઉપરાંત પ્રથમવાર કોરોનાની સ્થિતિમાં વિદ્યાર્થીઓનાં હિતમાં જૂનાગઢ અને વેરાવળમાં પણ પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે.

દરેક પરીક્ષા કેન્દ્રો ઉપર સેનેટાઈઝર, માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાના નિયમોનો પાલન કરવા માટે ખાસ સુચના આપવામાં આવી છે. પરીક્ષામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ નોડલ ઓફીસરોને જિલ્લા માટે જવાબદારી સોંપવામાં આવે છે. જેમાં ડો.ભાવિન કોઠારી, અનિરૂદ્ધસિંહ પઢીયાર, પ્રો.વિમલ પરમાર, પ્રવિણસિંહ ચૌહાણ, ભરત વેકરીયાનો સમાવેશ થાય છે.

પરીક્ષા વિભાગના સૂત્રોના મુજબ ત્રીજા તબક્કાની પરીક્ષાઓ સીસીટીવી કેમેરા હેઠળ લેવાશે. જો કેન્દ્રમાં સીસીટીવી ન હોય તો તેનું વિડીયો રેકોર્ડીંગ પરીક્ષા વિભાગને મોકલવાની જરૂરી સુચના આપવામાં આવી છે.

તા.૨૭ ઓગષ્ટથી શરૂ થતી અનુસ્નાતક કક્ષાની સેમે-૨ની પરીક્ષાઓ માટે તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરવામાં આવી છે.

જયારે અનુસ્નાતક કક્ષાના સેમે-૪ની પરીક્ષાઓની ઉત્તરવહી ચકાસણીનું કામ યુનિવર્સિટીમાં કોરોનાના કહેર વચ્ચે મોકૂફ રાખવાની સુચના આપવામાં આવી છે.

(11:09 am IST)