Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

બેડીના ૧૭ વર્ષના જયરાજનું જુના પ્રેમ પ્રકરણને લીધે અપહરણઃ લાલપરીએ લઇ જઇ બેફામ ધોલાઇઃ તક મળતાં બચીને ભાગ્યો

જયરાજ અને મોટો ભાઇ વનરાજ રાજકોટથી એકટીવા પર બેડી આવતા'તા ત્યારે બેડી ચોકડી પાસેથી મોટા ભાઇ વનરાજને ધક્કો દઇ પછાડી તેનો મોબાઇલ ફોન ઝૂંટવી નાના ભાઇ જયરાજને કારમાં ઉઠાવી જવાયોઃ ત્રણેક કલાકે પત્તો મળ્યોઃ બેડીના વિપુલ અજાણી, રવિ અજાણી, સની અજાણીને શોધતી પોલીસ

રાજકોટ તા. ૨૬: મોરબી રોડ પર આવેલા બેડી ગામમાં રહેતાં ૧૭ વર્ષ ૧૧ માસની વય ધરાવતાં જયરાજ કેશુભાઇ છગનભાઇ દાડોદરા (કોળી)નું ગઇકાલે તેના મોટા ભાઇની નજર સામે જ બેડીના ત્રણ પટેલ યુવાનોએ સ્કોર્પિયો કારમાં અપહરણ કરી લાલપરી પાસે લઇ જઇ ધોકા-લાકડી-ઢીકાપાટુનો બેફામ માર મારતાં મામલો પોલીસમાં પહોંચ્યો છે. જુના પ્રેમ પ્રકરણના મનદુઃખ આ ડખ્ખા પાછળ કારણભુત હોવાનું ખુલ્યું છે. જયરાજ માંડ માંડ જીવ બચાવીને વાડી-વગડામાં થઇ ભાગ્યો હતો અને રાહદારીના ફોનમાંથી પિતાને જાણ કરતાં તેને હોસ્પિટલે ખસેડાયો હતો. પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

બનાવ અંગે બી-ડિવીઝન પોલીસે બેડી રહેતાં અને પિતા સાથે ખેતી કામ કરતાં જયરાજ દાડોદરાની ફરિયાદ પરથી બેડી યાર્ડની બાજુમાં રહેતાં પટેલ વિપુલ પોલુભાઇ  અજાણી, રવિ બાવજીભાઇ અજાણી તથા સની રમેશભાઇ અજાણી સામે આઇપીસી ૩૬૫, ૩૨૩, ૩૮૪, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪, ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે.

પોલીસ ફરિયાદમાં જણાવાયા મુજબ જયરાજ અને તેનો મોટો ભાઇ રવિરાજ (ઉ.વ.૨૦) ગઇકાલે રાજકોટ એકટીવામાં કામ માટે આવ્યા હતાં. બંને પાછા પોતાના ઘર તરફ જઇ રહ્યા હતાં ત્યારે બેડી ચોકડીથી બેડી ગામ તરફ જવાના રસ્તા પર તેના એકટીવાને રવિ અને સની અજાણીએ પોતાની કાળા રંગની સ્કોર્પિયોથી આંતરી હતી અને વિપુલ ટુવ્હીલર પર આવ્યો હતો. ત્રણેયે ગાળાગાળી શરૂ કરી હતી. આ વખતે વનરાજ પોતાના પિતાને ફોન જોડતો હતો ત્યારે ત્રણેયે તેનો ફોન ઝુંટવી લીધો હતો અને ધક્કો દઇ પછાડી દીધો હતો. એ પછી જયરાજને ખેંચી સ્કોર્પિયોમાં નાંખી સ્કોર્પિયો ભગાવી મુકી હતી.

પોતાની નજર સામે જ નાના ભાઇને ઉઠાવી જતાં વનરાજ ભયભીત થઇ ગયો હતો. તેણે પરિવારજનોને જાણ કરતાં બધા તાકીદે બી-ડિવીઝન પોલીસ સ્ટેશને પહોંચ્યા હતાં અને જાણ કરતાં પીઆઇ એમ. બી. ઓૈસુરા, પીએસઆઇ ડામોર, વિરમભાઇ ધગલ સહિતની ટીમે અપહૃત અને તેને ઉઠાવી જનારા શખ્સોને શોધવા દોડધામ આદરી હતી. પરંતુ અઢી-ત્રણ કલાક સુધી પત્તો મળ્યો નહોતો. છેલ્લે અપહૃત જયરાજ લાલપરી નજીક કોઇની વાડીમાં હોવાનો ફોન આવતાં બધા ત્યાં પહોંચ્યા હતાં.

જયરાજે કહ્યું હતું કે પોતાને લાલપરી નજીક લઇ જવાયો હતો અને વારાફરતી બે જણા પકડી રાખતા હતાં અને એક જણો ધોકા-લાકડાથી માર મારતો હતો અને ઢીકા-પાટુ પણ મારતાં હતાં. પોતે બચવા માટે પ્રયાસ કરતો હોઇ તક મળી જતાં દોટ મુકી ઝાડીમાં થઇ ખેતરો, વગડા ખુંદતો લાલપરીના છેડે પહોંચ્યો હતો અને ત્યાંથી એક ભાઇનો ફોન લઇ પિતા સાથે વાત કરી હતી.

પોલીસે આ માથાકુટ પાછળનું કારણ પુછતાં જયરાજે જણાવ્યું હતું કે અગાઉ પોતાને આરોપીની કોૈટુંબીક સગામાં થતી છોકરી સાથે પ્રેમ સંબંધ હતો. જો કે ત્રણેક મહિના પહેલા આ બધુ પુરૂ થઇ ગયું હતું. તે વખતે પોતે માફી માંગી હતી અને ત્યારે પણ પોતાને રવિએ લાફો મારી લીધો હતો. હવે પોતાને છોકરી સાથે કોઇ સંપર્ક પણ ન હોઇ આમ છતાં જુનુ મનદુઃખ રાખી સ્કોર્પિયોમાં ઉઠાવી જવાયો હતો અને બેફામ માર મારી ધમકી અપાઇ હતી. પીઆઇ બી.એમ. ઓૈસુરા અને ટીમે વધુ તપાસ હાથ ધરી છે.

આરોપીઓમાં વિપુલ યાર્ડમાં કામ કરે છે. રવિ ખેતી કરે છે અને સની ટ્રક ટ્રાન્સપોર્ટનું કામ કરે છે. ત્રણેયને શોધવા દોડધામ થઇ રહી છે.

(10:35 am IST)