Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

આજે સૌરાષ્‍ટ્રભરમાં પ્રખ્યાત અેવા રાજકોટના મલ્હાર લોકમેળાનો છેલ્લો દિવસઃ પાંચ દિવસમાં ૧૦ લાખ લોકોઅે મેળાને મન ભરીને માણ્યો

રાજકોટ: રાજકોટનાં રેસકોર્ષ મેદાનમાં ચાલી રહેલા મલ્હાર લોકમેળાનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે સૌરાષ્ટ્રભરમાંથી આજે માનવ મહેરામણ મેળાની મોજ માણવા માટે ઉમટી રહ્યું છે. પાંચ દિવસ દરમિયાન આશરે 10 લાખ લોકોએ મેળાને મહાલ્યો હતો. વિવિધ રાઇડોમાં લોકોની કિલકારીઓ ગુંજતી જોવા મળી હતી. તો બીજી તરફ પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત રાખીને મેળાને સફળ બનાવ્યો હતો.  

સૌરાષ્ટ્રની પરંપરાગત લોકસંસ્કૃતિમાં મેળાનું વિશિષ્ટ સ્થાન રહ્યું છે. ત્યારે રાજકોટનાં રેસકોર્ષ મેદાનમાં યોજાતા લોકમેળાનો આજે છેલ્લો દિવસ છે. પાંચ દિવસ દરમિયાન આશરે 10 લાખ લોકોએ મલ્હાર લોકમેળાની મોજ માણી છે. વિવિધ રાઇડો જેવી કે, આકાશે આંબતા ચકડોળ, ટોરાટોરા, ચકરડી, મોતનાં કુવા સહિતની રાઇડોમાં લોકોની કિલકારીઓ જોવા મળતી હોઇ છે. તો બીજી તરફ રાજકોટ પોલીસે પાંચ દિવસ સુધી લોકો મેળાનો આનંદ ઉઠાવી શકે તે માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે કહ્યું હતું કે, 3 હજાર પોલીસ જવાનોની મહેનતથી સામાન્ય લોકોએ પાંચ દિવસ સુધી મેળાની મોજ માણી છે. પાંચ દિવસ દરમિયાન લોકમેળામાં 12000 જેટલા બાળકોને આઇકાર્ડ આપવામાં આવ્યા હતા. જેને કારણે 104 બાળકો જે માતા પિતા થી વિખુટા પડ્યા હતા તેને શોધીને  પોલીસે પરત કર્યા હતા. જ્યારે 178 જેટલા મોબાઇલ ચોરી થવાનું સામે આવ્યું છે જેમાંથી 4 મોબાઇલ શોધીને પોલીસે પરત કર્યા છે. 70થી વધુ લોકો પોકેટીંગ કરતા પોલીસનાં હાથે લાગ્યા છે. જ્યારે 20થી વધુ શખ્સો લોકમેળામાં મહિલાઓ અને યુવતીઓની છેડતી કરતા પકડાયા હતા જેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

આજે છેલ્લા દિવસે મોડી રાત સુધી વિવિધ રાઇડોમાં સૌરાષ્ટ્રવાસીઓ મેળાની મોજ માણતા નજરે પડશે. જોકે પાંચ દિવસ દરમિયાન 10 લાખ લોકોએ લોકમેળાને મહાલ્યો હતો. ચકરડી અને ફજતફારકામાં લોકોની ભીડ જોવા મળી રહી છે. ત્યારે સૌરાષ્ટ્રવાસીઓએ જન્માષ્ટમીની ધામધુમ થી ઉજવણીની સાથે મેળાની પણ મોજ માણી હતી.

(6:40 pm IST)