Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

પાંચ મહિના પહેલા સગીરાને ભગાડી જનારને કુવાડવા પોલીસે પકડી લીધો

અમદાવાદના બારેજડી ગામેથી સગીરાને મુકત કરાવાઇઃ એએસઆઇ હિતેન્દ્રસિંહ ઝાલા, દેવેન્દ્રસિંહ અને મુકેશભાઇની બાતમી પરથી કાર્યવાહી

રાજકોટ તા. ૨૬: કુવાડવા પોલીસ મથક હેઠળના સણોસરામાંથી પાંચ મહિના પહેલા મુળ દાહોદના ગરબાડા તાબેના જાંબુઆ કાળીતળાઇ ગામનો મહતો ઉર્ફ મેનથન ભારતાભાઇ પારઘી (ઉ.વ.૨૨) નામનો શખ્સ એક સગીરાને લલચાવી ફોસલાવી લગ્ન બાહ્ય સંબંધો રાખવાના ઇરાદે ભગાડી ગયો હતો. અપહરણના આ ગુનાનો ભેદ કુવાડવા રોડ પોલીસે ઉકેલી આરોપી મહતો ઉર્ફ મેથનને અમદાવાદના બારેજડી ગામે તે મજૂરી કામે રહી ગયો હોવાની માહિતી પરથી પકડી લીધો છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગત તા. ૫/૨/૨૧ના રોજ સગીરાનું અપહરણ થઇ જતાં કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધ્યો હતો. આ ગુનાનો ભેદ ઉકેલવા ટીમે મહેનત આદરી હતી. દરમિયાન એએસઆઇ હિતેન્દ્રસિંહ ઝાલા અને કોન્સ. દવેન્દ્રસિંહ જાડેજા તથા મુકેશભાઇ સબાડને માહિતી મળી હતી કે સગીરા અને તેને ભગાડી જનાર બંને અમદાવાદના બારેજડી ગામે ઝૂપડુ વાળીને રહે છે અને રોડ પેવરનું મજૂરી કામ કરે છે.

આ બાતમી પરથી પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એસ. આર. ટંડેલની સુચના અને પીઆઇ એન. એન. ચુડાસમાની રાહબરીમાં એએસઆઇ હિતેન્દ્રસિંહ ઝાલા, હેડકોન્સ. હિતેષભાઇ ગઢવી, અરવિંદભાઇ મકવાણા, કોન્સ. દેવેન્દ્રસિંહ જાડેજા, મુકેશભાઇ સબાડ, વિરેન્દ્રસિંહ જાડેજા અને હરેશભાઇ સારદીયાએ બારેજડી પહોંચી આરોપીને ઝડપી લઇ સગીરાને તેના વાલીને સોંપી છે.

(1:00 pm IST)