Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

ખેડૂતોના પ્રશ્ને રાજકોટ જીલ્લા કિસાન સંઘના આગેવાન-કાર્યકરોના રેસકોર્ષ ચોકમાં સુત્રોચ્ચારઃ ૧૪ની અટકાયત

કૃષિ ધીરાણ ઓટો કન્વર્ઝન સાથે ધીરાણ ભરવાની સમય મર્યાદા લંબાવવા સહિતના પ્રશ્નોની કલેકટરને રજૂઆતઃ પ્રમુખ દિલીપ સખીયા સહિતે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને હારતોરા બાદ સુત્રોચ્ચાર કર્યા ત્યાં જ પોલીસ પહોંચી ગઇ

ભારતીય કિસાન સંઘ રાજકોટના દિલીપભાઇ સખીયા, રમેશભાઇ ચોવટીયા સહિત ૧૪ ખેડૂતોએ રેસકોર્ષ ચોકમાં સુત્રોચ્ચાર કરતાં પોલીસે અટકાયત કરી હતી. લસણનો કોથળો પણ કબ્જે કરાયો હતો. (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૬: ખેડુતોના વિવિધ પ્રશ્નોને વાચા આપવા ભારતીય કિસાન સંઘ રાજકોટ જીલ્લાના પ્રમુખ દિલીપ સખીયા સહિત ૧૪ આગેવાનો-કાર્યકરો આજે કલેકટરને રજૂઆત કરવા નીકળ્યા હતાં. એ પહેલા રેસકોર્ષ ચોક બહુમાળી ભવન પાસે   સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને હારતોરા કરી સુત્રોચ્ચાર કર્યા હતાં. ત્યાં જ પોલીસ આવી ગઇ હતી અને તમામને અટકાયત કરી પોલીસ સ્ટેશને લઇ જવાયા હતાં.

કિસાન સંઘે રજૂઆત કરી જણાવ્યું છે લોકડાઉનની પરિસ્થિતિમાં કિસાનોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અગાઉ કિસાન સંઘના પ્રદેશ પ્રમુખ વિઠ્ઠલભાઇ દુધાત્રા અને મહામંત્રી બી. કે. પટેલે રાજ્યભરના દરેક જીલ્લામાં ખેડૂતોના પ્રશ્ને આવેદન આપવાનું નક્કી કર્યુ હતું. જેમાં વિવિધ પ્રશ્નોનો સમાવેશ કરાયો છે. કિસાનોને આપવામાં આવતું વાર્ષિક ત્રણ લાખ રૂપિયાનું ઝીરો ટકા વ્યાજનું ધિરાણ ભરવાની મુદ્દત ઓટો કન્વર્ઝ કરી આપવી, મર્યાદા વધારીને ૩૦-૦૬ કરવી. કપાસ, ઘઉં, ચણા, ડુંગળી, રાયડા ટેકાના ભાવે ખરીદીમાં ઝડપલાવવી, રજીસ્ટ્રેશન થયેલા તમામ ખેડુતોનો માલ લેવા જરૂર પડ્યે કેન્દ્ર સરકારે મંજુરી આપવી.  ટેકાના ભાવની અનેકવાર રજૂઆત છતાં નક્કી થયા નથી તેવા પાકો દિવેલા, ડુંગળી, જીરૂ, વરીયાળી, બટાટા, શાકભાજીમાં ખેડુતોને મોટુ નુકસાન થઇ રહ્યું હોઇ ટેકાનાભ ાવો નક્કી કરવા જરૂરી છે.

વધુમાં જણાવાયું છે કે આગામી સિઝનમાં  ટેકાના ભાવો નક્કી કરવા અને હાલ કિસાનોને બોનસ કે વેંચાણ પર સહાય જાહેર કરવી, યાર્ડમાં મર્યાદિત ખેડુતોને બોલાવવામાં આવે છે તે નિતી દૂર કરવી અને સંપુર્ણ છુટ આપવી. મનરેગા યોજનાને કૃષિ સંલગ્ન કરવી, જળસંચના કામોને પણ ચેકડેમ ડિસીલટીંગ અને ગ્રામ્ય તળાવોને જોડવા, જેથી બેરોજગારીની સમસ્યા પણ નહિ રહે. વર્તમાન સમયમાં આગોતરા વાવેતર માટે ખેતીવાડીને ૧૪ કલાક થ્રી ફેઇઝમાં વિજળી આપવી, ખેડૂતોને દિવસની લાઇટ આપવી. ચેકડેમ તળાવો રીપેર કરાવવા ઉંડા કરવા.  ખેતી પ્રધાન દેશમાં ખેડૂતોને સંપુર્ણ સુવિધા મળે તે માટે યોગ્ય કરવા અને પ્રશ્નોનું તાકીદે નિરાકરણ લાવવા અમારી માંગણી છે. તેમ વધુમાં જણાવાયું છે.

પ્ર.નગર પીઆઇ વી. એસ. વણઝારાની રાહબરીમાં પીએસઆઇ પટેલ, પીએસઆઇ બોરીસાગર, અરવિંદભાઇ મકવાણા સહિતે ૧૪ની અટકાયત કરી હતી. જેમાં દિલીપભાઇ નાનજીભાઇ સખીયા (ઉ.૪૨-રહે. જ્યોતિનગર), દિપક ડાયાભાઇ લીંબાસીયા (ઉ.૪૦-રહે. ડુંગરકા), મનસુખભાઇ ટપુભાઇ ચોવટીયા (ઉ.૫૦-રહે. મોટા ખીજડીયા), રમેશભાઇ ધરમશીભાઇ ચોવટીયા (ઉ.૫૦-રહે. મોટા ખીજડીયા), ભુપતભાઇ રણછોડભાઇ કાકડીયા (ઉ.૬૧-રહે. કુવાડવા રોડ મારૂતિનગર), રમેશભાઇ પરષોત્તમભાઇ સંખાવરા (ઉ.૬૩-રહે. કાગદડી), શૈલેષભાઇ મનસુખભાઇ સીદપરા (ઉ.૫૫-રહે. મોટી મેંગણી), ધીરૂભાઇ નાનજીભાઇ ટોળીયા (ઉ.૬૭-રહે. શ્રીનાથ પાર્ક), બાબુભાઇ રામજીભાઇ શરેડીયા (ઉ.૫૭-રહે. ન્યુ શકિત સોસાયટી), ગોપાલભાઇ ધરમશીભાઇ ચોવટીયા (ઉ.૫૫-રહે. મોટા ખીજડીયા), અશોકભાઇ બચુભાઇ મોલીયા (ઉ.૪૯-રહે. ખેરડી), ધનજીભાઇ રામજીભાઇ ગમઢા (ઉ.૫૨-રહે. નંદી પાર્ક), કિશોરભાઇ માવજીભાઇ લક્કડ (ઉ.૪૮-રહે. ઇશરા તા. ઉપલેટા) તથાબાબુભાઇ થોભણભાઇ વેકરીયા (ઉ.૫૦-રહે. મેખા ટીંબી ઉપલેટા)નો સમાવેશ થાય છે. તમામની કલમ ૬૮-૬૯ મુજબ અટકાયતની કાર્યવાહી થઇ હતી.

(3:17 pm IST)