Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

હાશ... ગુરૂવારથી વોર્ડ ઓફિસે મિલ્કતો વેરો સ્વિકારાશે

શહેરના કુલ ૮૩,૫૧૬ કરદાતાઓ દ્વારા કુલ રૂ.૩૪.૨૭ કરોડની આવકઃ જુન સુધી ૧૦ થી ૧૫ ટકા અને જુલાઇમાં ૧૦ થી ૫ ટકા વળતરઃ બિનાબેન આચાર્ય, ઉદિત અગ્રવાલ, ઉદય કાનગડની સતાવાર જાહેરાત

રાજકોટ,તા.૨૬:  મ્યુ.કોર્પોરેશનની મુખ્ય આવકનો સ્ત્રોત એવી વેરા શાખા દ્વારા તા.૨૮ ગુરૂવારથી શહેરની તમામ વોર્ડ ઓફિસ પર મિલ્કત વેરો સ્વિકારવામાં આવશે. તેમ મેયર બીનાબેન આચાર્ય, મ્યુ.કમિશ્નર ઉદિત અગ્રવાલ તથા સ્ટે.ચેરમેન ઉદય કાનગડ દ્વારા સતાવાર જાહેરાત કરવામાં આવી છે.

હાલની વર્તમાન  સ્થિતિમાં  એપ્રિલમાસનાં પ્રથમ સપ્તાહથી ઓનલાઇનથી વેરો સ્વીકારવાનો પ્રાંરભ થયો હતો. ૩૦ જુન સુધી વેરામાં ૧૦ થી ૧૫ ટકા અને જુલાઇમાં ૫ થી ૧૦ ટકા વળતર મળશે. જયારે ઓનલાઇન વેરો ભરનાર કરદાતાઓને વધુ ૧ ટકા અને રૂ.૫૦નું વળતર આપવામાં આવે છે. દરમિયાન આજદીન સુધીમાં ઓનલાઇનથી અને ૧૪ મે થી મ્યુ.કોર્પોરેશનનાં ૬ સિવિક સેન્ટર મારફત ૮૩,૫૧૬ કરદાતાઓએ તંત્ર તિજોરી કુલ રૂ. ૩૪  કરોડ ઠાલવી દીધા છે.

 આ અંગે મેયર બિનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ એક યાદીમાં જણાવે છે કે, સને ૨૦૨૦-૨૧ના વર્ષમાં તા.૩૧ મે સુધી એડવાન્સ મિલ્કત વેરો ભરનાર મિલ્કતધારકને ૧૦% વળતર તથા મહિલા મિલ્કત ધારકોને વધારાના ૫% વળતર એટલે કે ૧૫% અને તા.૩૦ જુન સુધી એડવાન્સ મિલ્કત વેરો ભરનાર મિલ્કત ધારકને ૫% અને મહિલા મિલ્કત ધારકને ૧૦% વળતર આપવાનું મંજુર કરાયેલ છે. હાલની કોરોના વાઇરસની મહામારીને ધ્યાનમાં રાખી સને ૨૦૨૦-૨૧ના વર્ષમાં એડવાન્સ મિલ્કતવેરો ભરનાર મિલ્કત ધારકોને તા.૩૧ મે ૨૦૨૦ને બદલે વિશેષ એક માસ એટલે કે તા.૩૦ જુન સુધી ૧૦% અને મહિલા મિલ્કત ધારકોને વધારાના ૫% વળતર યોજના લંબાવવામાં આવેલ છે. ઉપરાંત જુન-૨૦૨૦માં ૫% અને મહિલા મિલ્કત ધારકોને વધારાના ૫%ની વળતરની મુદ્દત જુનના બદલે  જુલાઇ સુધી મિલ્કત ધારકો વળતર યોજનાનો લાભ લઇ શકશે. આ બંને યોજનામાં ઓનલાઈન મિલ્કત વેરો ભરનાર મિલ્કત ધારકને વિશેષ ૧% વળતર આપવામાં આવશે.

લોકડાઉનના કારણે ઓનલાઈન મિલકત વેરો સ્વિકારવામાં આવતો ત્યારબાદ તા.૧૪ મે થી જુદા જુદા સિવિક સેન્ટરોમાં રોકડા અથવા ચેક દ્વારા સ્વિકારવાનું શરૂ કરેલ. લોકડાઉન ૦૪માં સરકાર દ્વારા છૂટછાટો મળતા આવતીકાલ તા.૨૮ મે ગુરૂવારથી તમામ વોર્ડ ઓફિસોમાં મિલકત વેરો રોકડ અથવા ચેક દ્વારા સ્વિકારવામાં આવશે. મિલકત  વેરો ભરવા આવનારા લાભાર્થીએ માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે. તમામ સિવિક સેન્ટરો તથા વોર્ડ ઓફીસ માટે સેનેટાઈઝરની વ્યવસ્થા કરવામાં આવેલ છે તેમજ સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ તેની ખાસ તકેદારી રાખવામાં આવશે.

(3:16 pm IST)