Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

લોકડાઉનને કારણે જન્મ-મૃત્યુ નોંધનાં દાખલાનો ભરાવોઃ ટુંક સમયમાં શરૂ થશે વિતરણ

બે મહિનામાં અંદાજે પ૦ હજારથી વધુની જન્મ-મૃત્યુનોંધ અટકી પડી છેઃ વહેલી તકે દાખલા આપવાનું શરૂ કરવા આરોગ્ય સમીતી ચેરમેન જયમીન ઠાકરની મ્યુ. કમિશ્નરને રજુઆત

રાજકોટ, તા., ૨૬: લોકડાઉનને કારણે  મ્યુ. કોર્પોરેશનની મુખ્ય કચેરીમાં જન્મ-મૃત્યુનોંધની કામગીરી બંધ હોવાથી શહેરમાં અંદાજે પ૦ હજારથી વધુની જન્મ-મૃત્યુનોંધનો ભરાવો થઇ ગયો છે. ત્યારે હવે વહેલી તકે જન્મ-મૃત્યુનોંધના દાખલા કાઢવાનું શરૂ કરવા આરોગ્ય સમીતી ચેરમેન જયમીન ઠાકરે મ્યુ. કમિશ્નરશ્રીને રજુઆત કરી છે.

આ રજુઆતમાં આરોગ્ય ચેરમેનશ્રીએ જણાવ્યું હતું કે લોકડાઉનને કારણે સેન્ટ્રલ ઝોન કચેરી સિવિક સેન્ટરમાં જન્મ-મૃત્યુનોંધના દાખલા આપવાનું બંધ કરાયેલ છે.

લોકડાઉનનાં બે મહિના  દરમિયાન શહેરમાં જન્મેલા બાળકોની જન્મનોંધ અને મૃત્યુ પામનારા મૃતકોની નોંધની કાર્યવાહી ઠપ્પ હોવાથી પ્રત્યેકના પ-પ દાખલા લેખે અંદાજે પ૦ હજારથી વધુ જન્મ-મૃત્યુનોંધના દાખલાનો ભરાવો થઇ ગયો છે.

બીજી તરફ જન્મ-મૃત્યુનોંધનાં દાખલા નહી મળવાથી અનેક લોકોનાં દસ્તાવેજી કામો પણ અટકી પડયા છે. ત્યારે હવે લોકડાઉન ૪.૦માં સરકારે આંશિક છુટ આપી છે. તેથી વહેલી તકે શહેરીજનોને જન્મ-મૃત્યુનોંધનાં દાખલા કાઢી આપવાનું શરૂ કરવા આરોગ્ય ચેરમેનશ્રીએ કરેલી માંગણી અન્વયે ટુંક સમયમાં જન્મ-મૃત્યુનોંધના દાખલ કાઢવાની કામગીરી શરૂ થનાર છે.

(2:41 pm IST)