Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

થોરાળા વિસ્તારના કસ્તુરબા વાલ્મીકીવાસમાં થયેલ હત્યા કેસના આરોપીની જામીન અરજી રદ

રાજકોટ તા. ર૬: અહીંના થોરાળામાં આવેલ કસ્તુરબા વાલ્મીકીવાસમાં મહેશ ડાયાભાઇ ચૌહાણની છરી, તલવાર, પાઇપ, ધોકા વડે હત્યા કરવાના ગુનામાં પકડાયેલ આરોપી સાગર વિનુભાઇ વાઘેલાએ જામીન પર છુટતા કરેલ અરજીને સેસન્સ જજ શ્રી યુ. ટી. દેસાઇએ નકારી કાઢી હતી.

આ બનાવ અંગે એ.જી. ચોક કવાટર્સના ચાર માળીયામાં રહેતા કાજલબેન ચૌહાણે પોતાના પતિની હત્યા કર્યાની થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે અન્ય આરોપીની પત્નિને ફરીયાદીના દિયર સાથે સંબંધે હોવાની શંકાએ સમાધાન કરવાના બહાને બોલાવીને આરોપી સાગર વાઘેલા સહિતના શખ્સોએ ઘાતક હથિયારો ધારણ કરીને તારીખ ૧૦-૬-૧૭નાં રોજ હત્યા કરી હતી.

આ ગુનામાં જેલહવાલે થયેલા આરોપી સાગર વાઘેલાએ રેગ્યુલર જામીન પર છુટવા અરજી કરતાં સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયાએ રજુઆત કરેલ કે, આરોપી સામેનો કેસ ફાયનાન્સ દલીલ ઉપર છે. ખુન જેવો ગંભીર ગુનો છે, તેથી આરોપીને જામીન આપવા જેવો કેસ ન હોય અરજી રદ કરવી જોઇએ.

ઉપરોકત રજુઆત અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને મુખ્ય સેસન્સ જજ શ્રી યુ. ટી. દેસાઇએ આરોપીની જામીન અરજી ને રદ કરી હતી. આ કામમાં સરકારપક્ષે એ.પી.પી. મુકેશ જી. પીપળીયા રોકાયા હતાં.

(2:41 pm IST)