Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

દુકાનો સવારે ૮થી રાતે ૮ સુધી ખુલ્લી રાખવા છુટ આપોઃ અતુલ રાજાણી

આઇસ્ક્રીમ-આઇસ ગોલાની હોમ ડિલિવરીની મંજૂરી આપવા અંગે મ્યુ. કોર્પોરેશનના વિરોધ પક્ષના દંડક દ્વારા કલેકટર અને મ્યુ. કમિશ્નરને રજુઆત

રાજકોટ,તા.૨૬: રાજકોટ મહાપાલિકાના વિરોધ પક્ષના દંડક અને કોર્પોરેટર અતુલ રાજાણીએ રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ અને રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહનને પત્ર પાઠવી રાજકોટમાં દુકાનો સવારે ૮થી રાતે ૮ સુધી ખુલ્લી રાખવા તેમજ આઈસ્ક્રીમ અને આઈસ ગોલાની હોમ ડિલિવરી માટે વેપારીઓને મંજુરી આપવા માંગણી કરી છે.

આ રજુઆતમાં અતુલ રાજાણીએ વધુમાં જણાવ્યું છે કે રાજકોટમાં વર્ષોથી બજારો સવારે ૯ થી ૧૦ કલાક આસપાસ ખુલે તેવી બિઝનેસ પેટર્ન છે.તેથી જો વેપારીઓ સવારે ૮ કલાકે દુકાન ખોલે તો પણ કોઈ ગ્રાહકો આવતા નથી. આ ઉપરાંત હાલમાં ઉનાળામાં કાળઝાળ ગરમી હોય બપોરે ૧૨ થી ૪ના સમય દરમિયાનમાં આકરા તડકાના લીધે ગ્રાહકો આવતા નથી. આ સ્થિતિમાં વેપારીઓને સવારે ૮થી રાતે ૮ સુધી દુકાની ખુલ્લી રાખવા મંજૂરી આપવી જોઈએ.

આ ઉપરાંત ગરમીના કારણે લોકો ઘરમાં રહી શકતા ન હોય રાતે એકાદ બે કલાક બાગ બગીચામાં જવાની પરવાનગી આપવી જોઈએ તેમજ રાત્રે  ૮થી ૧૧ દરમિયાન આઈસ્ક્રીમ અને આઇસ ગોલાના વેપારીઓને હોમ ડિલિવરીની છૂટ આપવી જોઇએ.

(2:39 pm IST)