Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

વતન જવા ઇચ્છતા મજૂરો માટે શ્રમિક નોડલ ઓફિસર એસીપી રાઠોડે બેઠક યોજીઃ ૧૧ પીએસઆઇની હાજરી

શ્રમિકો પગપાળા જતાં દેખાય તો નામ-સરનામા નોંધી શેલ્ટર હોમમાં મોકલવા સુચન

રાજકોટ તા. ૨૬: લોકડાઉન અંતર્ગત રાજકોટમાં કામ કરતાં હજારો પરપ્રાંતિય મજૂરોને તેના વતન મોકલવા તંત્રોએ વ્યવસ્થા કરી હતી. હજુ પણ કોઇ મજૂરો વતન જવા ઇચ્છતા હોય તો શું કરવું? તે અંગેની ખાસ ચર્ચા કરવા પરપ્રાંતિય શ્રમિક નોડલ ઓફિસર તરીકે ફરજ બજાવી રહેલા એસીપી પૂર્વ એચ.એલ. રાઠોડના અધ્યક્ષ સ્થાને દક્ષિણ મામલતદાર કચેરી ખાતે સાંજે બેઠક યોજવામાં આવી હતી.

જેમાં તમામ પોલીસ મથકોના ડી. સ્ટાફના પીએસઆઇ જે. એમ. ભટ્ટ, એએસઆઇ ડી. બી. ખેર, પીએસઆઇ એમ. એફ. ડામોર, બી. પી. મેઘલાતર, પી. ડી. જાદવ, સી. એસ. પટેલ, જે. એસ. ચંપાવત, એન. ડી. ડામોર, બી. વી. બોરીસાગર, આર. એસ. પટેલ, એમ. ડી. રબારી સહિતના હાજર રહ્યા હતાં. પરપ્રાંતિય શ્રમિકો કે જે હજુ રાજકોટમાં છે અને તેને પોતાના વતન જવાની ઇચ્છા છે તો તેની સ્ટેટ વાઇઝ આંકડાકિય માહિતી એકઠી કરવી અને નોડલ ઓફિસરને પહોંચાડવી તેમજ જો કોઇ શ્રમિકો પગપાળા જતાં જોવા મળે તો તેના નામ સરનામા નોંધી નજીકના શેલ્ટર હોમમાં પહોંચાડવા અને તેની જાણ પણ નોડલ ઓફિસર તરીકે પોતાને કરવા એસીપી શ્રી રાઠોડે સુચનો કર્યા હતાં.

(12:54 pm IST)