Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

છોકરી સાથે ફોનમાં વાત મામલે રાજકોટના રમેશ પર જૂનાગઢમાં તલવાર-ધોકાથી હુમલો

હું ફોનમાં જેની સાથે વાત કરુ છું તેની સાથે તું શું કામ કરે છે? કહી રાકેશે ડખ્ખો કર્યો ને બે મિત્રો રાહુલ તથા મનન સાથે મળી તૂટી પડ્યો

રાજકોટ તા. ૨૬: ગોંડલ રોડ પર એસટી વર્કશોપ પાછળ રહેતાં યુવાનને તે મુળ વતન જુનાગઢમાં ગઇકાલે ગયો હતો ત્યારે ત્યાં રહેતાં ત્રણ શખ્સોએ તલવાર-ધોકાથી હુમલો કરી ઇજા કરતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો છે. હુમલાખોર પૈકીનો એક શખ્સ જે છોકરી સાથે વાતચીત કરે છે તેની સાથે આ યુવાન પણ ફોનમાં ચેટીંગ કરતો હોઇ તેના મનદુઃખમાં આ ડખ્ખો થયાનું બહાર આવ્યું છે.

એસટી વર્કશોપ પાછળ રહેતો અને પ્રાઇવેટ કામ કરતો રમેશ નાનકગીરી મારૂ (ઉ.વ.૨૮) નામનો યુવાન ગઇકાલે જુનાગઢ તેના વતન ગયો હતો. રાતે નવેક વાગ્યે પોતાના જુના ઘર દાતાર રોડ પર સાવનાણી બિલ્ડીંગ પાસે હતો ત્યારે આ વિસ્તારના રાકેશ ચુડાસમા, તેના મિત્ર રાહુલ તેમજ મનને ઝઘડો કરી તલવાર-ધોકાથી હુમલો કરી ઇજા કરતાં જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના રામસિંહભાઇ વરૂએ જુનાગઢ એ-ડિવીઝનમાં જાણ કરી હતી.

રમેશના સગા મધુભાઇ ગઢીયલના કહેવા મુજબ રાકેશ કોઇ છોકરી સાથે ફોનમાં વાતચીત કરે છે. આ છોકરી સાથે રમેશ પણ ફોનમાં ચેટીંગ કરતો હોઇ તેની જાણ રાકેશને થઇ જતાં તેણે ખાર રાખી મિત્રો સાથે મળી હુમલો કર્યો હતો.

(12:53 pm IST)