Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

અંતરધ્વનિ અને રૂમેટોલોજી એસોસિએશન દ્વારા એંકીલોઝીંગ સ્પોન્ડીલાઇટીસના દર્દીઓ માટે રાજકોટમાં સપોર્ટ ગ્રૃપની સ્થાપના

સપોર્ટ ગ્રુપમાં નિષ્ણાંતો અને ડોકટરોનો સમાવેશ કરાયો, જે દર્દીઓ સામાન્ય અને તંદુરસ્ત જીવન જીવી શકે તે માટે વર્કશોપનું આયોજન

પત્રકાર પરીષદમાં જાણીતા રૂમેટોલોજીસ્ટસ ડો. શબ્બીર ચિકાણી, ડો. મનિષ બાવળિયા, ડો. જીજ્ઞેશ ઉસદડિયા ડો. રાકેશ ટાંક, ડો. ઇશિતા શાહ અને ડો. ધવલ તન્ના નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા) 

રાજકોટ, તા. રપ : અંતરધ્વનિ અને રૂમેટોલોજી એસોસિએશન ઓફ ગુજરાત (આરએજી) એ સંયુકત રીતે એંકીલોજીંગ સ્પોન્ડીલાઇટીસના દર્દીઓ માટે રાજકોટમાં સપોર્ટ ગ્રુપની સ્થાપના કરી છે.

આ સપોર્ટ ગ્રુપનો ઉદ્દેશ દર્દીઓ, નિષ્ણાંત ડોકટરો, ફિઝીયોથેરાપિસ્ટ, યોગ ટ્રેનર્સ અને ડાયેટિશ્યન્સને એકત્ર કરીને એંકીલોઝીંગ સ્પોન્ડીલાઇટીંસ સંબંધી સામાન્ય તકલીફોને વાચા આપવાનો અને દર્દીઓને સહાય કરવાનો નવા સંશોધનો અને તારણો તેમજ નવી દવાઓ અંગે માહિતી આપવાનો છે. રાજકોટ ચેપ્ટરની સ્થાપના રૂમેટોલોજી એસોસિએશન ઓફ ગુજરાતના સ્થાપક ડો. શબ્બીર ચિકાણી, અંતરધ્વનિના પ્રોગ્રામ મેનેજર અને હાઇટેક આઇસોલ્યુશન્સ એલએલપીના કોર્પોરેટર એફેર્સના એસોસીએટ ડિરેકટર તપન સંત તથા જાણીતા રૂમેટોલોજીસ્ટસ ડો. મનિષ બાવળિયા, ડો. જીજ્ઞેશ ઉસદડિયા ડો. રાકેશ ટાંક, ડો. ઇશિતા શાહ અને ડો. ધવલ તન્નાની હાજરીમાં કરવામાં આવી છે.

અંતરધ્વનિનો ઉદ્દેશ ડોકટરો અને દર્દીઓને જોડીને એંકીલોઝીંગ સ્પોન્ડીલીટીસ અંગે જાગૃતિ  કરવાનો છે. અંતરધ્વનિ અમદાવાદ, સુરત, વડોદરા અને જયપુરમાં તેનો ચેપ્ટર્સ ધરાવે છે. આ મહિને ઉદેપુરમાં નવું ચેપ્ટર શરૂ થશે. અંતરધ્વનિ આજ સુધીમાં ૩૦૦૦ થી વધુ દર્દીઓ સાથે કામ કરી ચુકયું છે આગામી મહિનાઓમાં વધુ રાજયો તથા શહેરોમાં પેશન્ટસ સપોર્ટ ગ્રૃપ સ્થાપવાનો ઉદ્દેશ ધરાવે છે.

જાણીતા રૂમોટોલોજીસ્ટ ડો. શબ્બીર ચિકાણીએ આ પ્રસંગે જણાવ્યું હતુ઼ કે સ્પોન્ડીલોઆર્થરાઇટીસ મહદ અંશે પુરૂષોને તેમના યુવા અવસ્થામાં થાય છે. પેશન્ટ અને ડોકટર્સના સપોર્ટ ગ્રુપ જેવા કે અંતરધ્વનિએ સાથે મળીને સમાજમાં આ રોગ અંગે જાગૃતિ લાવવાની જરૂર છે. આનાથી રોગને શરૂઆતના તબક્કે ઓળખવામાં સહાય થશે. દર્દીના પીડા દૂર કરવા ઉપરાંત તેમને યોગ્ય રોજગારી આપવાનું કામ થઇ શકશે. એકીલોઝીંગ સ્પોન્ડીલાઇટીસ એ એવી સ્થિતિ છે કે જેમાં શરીરના તમામ અથવા કેટલાક સાંધાઓ અને હાડકા વાંસની જેમ અક્કડ થઇ જાય છે. તેમાંથી ઘણી વખત પીઠમાં સોજા આવે છે અને કેટલાક કિસ્સાઓમાં આંખના મધ્ય ભાગને પણ અસર થાય છે. દર ૧૦ હજાર વ્યકિતઓમાંથી ૮ વ્યકિતઓ આ રોગનો ભોગ બનતા હોવાનો અંદાજ છે. નિયમિત કસરત અને તબીબી સહાય મારફતે રાહત મળી શકે છે.

પત્રકાર પરિષદમાં આ રોગની પ્રથમ લાક્ષણિકતા એ છે કે પીઠના પાછલા ભાગમાં અને થાપા ઉપર અવારનવાર દર્દ થાય છે. અને ક્રમશઃ ચાલુ રહે છે. આ દર્દનો અનુભવ બંને બાજુએ થાય છે અને તે ત્રણ મહિના સુધી ચાલુ રહે છે. આ પીઠની સ્થિતિ સવારે અને રાત્રે ખુબ જ કપરી બની રહે છે. પણ હળવી કસરત કરવાથી અને હુંફાળો શાવર લેવાથી સ્થિતિમાં સુધારો થવામાં સહાય થાય છે. ર૦ થી ૩૦ વર્ષની વયના પુરૂષો એકીલોઝીંગ સ્પોનડીલાઇટીસનો ભોગ બને છે. તેના લક્ષણોમાં પીઠના પાછલા ભાગમાં દર્દની સાથે દરરોજ સવારે અક્કડતાનો અનુભવ થાય છે. તેનું ચોક્કસ કારણ જાણી શકાયુ નથી, પણ વૈજ્ઞાનિકો માને છે કે જીનેટીક, પર્યાવરણલક્ષી અને ઇસ્યુન સિસ્ટમ્સને કારણે આ પ્રકારના લક્ષણો દેખાતા હોય છે. રૂમેટોલોજીસ્ટસ કેલ્શિયમ અને વિટામીન-ડી થી સમૃધ્ધ આહાર લેવાની પણ ભલામણ કરે છે. જેનાથી શરીરના માળખાને થતું નુકશાન અટકાવવામાં સહાય થાય છે. અન્ય નમૂનારૂપ સારવારમાં દવા, કસરત અને ફિઝીયોથેરાપી તથા  પ્રેકટીસનો સમાવેશ થાય છે. ગરમ કે ઠંડા શેક કરવાથી સ્નાયુઓને રાહત મળે છે અને સાંધામાં થતો દુઃખાવો ઘટે છે.

અંતરધ્વનિ :  અંતરધ્વનિ એ એક એવી સંસ્થા છે કે જે એંકીલોજીંગ સ્પોનડીલાઇટીસથી પિડીત દર્દીઓને સપોર્ટ ગ્રુપ તરીકે સહાય પૂરી પાડે છે. કે જેમાં દર્દીઓ નિયમિત મળતા રહીને તેમના જ્ઞાન અને ક્ષમતા તેમજ પોતાની સ્થિતિમાં સુધારો કરવા પ્રયાસ કરે છે. આ ગ્રુપમાં રૂમેટોલોજીસ્ટસ, ફિઝીયો થેરાપિસ્ટસ અને દર્દીઓનું પ્રતિનિધિત્વ ધરાવતા વિવિધ લોકોનો સમાવેશ થાય છે. આ લોકોના રોગના કારણો અંગે સંશોધનને સહયોગ પુરો પાડે છે અને રોગ અંગે થયેલા સંશોધન બાબતે થતી પ્રગતિ અંગે એંકીલોજીંગ સ્પોન્ડીલાઇટીસના દર્દીઓને માહિતગાર કરે છે. તે મુખ્યત્વે સંશોધન દર્દીઓનું હિત, શિક્ષણ, સહયોગ અને આ રોગ અંગે જાગૃતિ ઉભી કરવામાં સહાય કરે છે.

પત્રકાર પરીષદમાં ડો. ધવલ તન્ના અને ડો. ઇશિતા શાહે વિસ્તૃત માહિતી આપી હતી.

(4:05 pm IST)