Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

'પ્રદ્યુમન પાર્ક' ઝુ નો પ્રવેશ દ્વાર વધુ પહોળો કરાશેઃ નમૂનેદાર પાર્ક બનાવવા માટે વિવિધ પગલાઓ લેતાં ઉદિત અગ્રવાલ

રામનાથપરા સ્મશાનની બંધ પડેલી ભઠ્ઠીનું રીનોવેશન કરી શરૂ કરવા, નદી કાંઠાની દિવાલ રીપેરીંગ કરવા સહીતની કામગીરી હાથ ધરતા મ્યુ.કમિશ્નરઃ સામા કાંઠાનાં વિવિધ વિસ્તારોમાં ફેરણી કરી

રાજકોટ, તા.૨૫: રાજકોટ મહાનગરપાલિકાના કમિશ્નરશ્રી ઉદીત અગ્રવાલે શહેરના પૂર્વ ઝોન અને સેન્ટ્રલ ઝોનના વિવિધ વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. જેમાં ખાસ કરીને પ્રદ્યુમન પાર્ક ઝૂની મુલાકાત લઇ આ સ્થળને વધુ નમૂનેદાર બનાવવા કેવા કેવા ઇનોવેટીવ પગલાંઓ લઇ શકાય અને તેની શકયતાઓ કેટલી છે તે અંગે પ્રાથમિક ચર્ચા કરી હતી.

આ વિઝિટ દરમ્યાન મ્યુનિ. કમિશનરશ્રીએ રામનાથપરા સ્મશાનમાં બંધ પડેલી ઇલેકિટ્રક ભઠ્ઠી રીનોવેટ કરી પૂનૅં ચાલુ કરવા, આજી નદીના પશ્યિમ કાંઠા પરની વરસાદને કારણે ડેમેજ થયેલી રીટેઈનિંગ વોલ સત્વરે રીપેર કરાવવા સૂચના આપી હતી.  આજી નદીમાં બંને કાંઠે ડ્રેનેજ માટેની ઇન્ટરસેપ્ટર લાઈનની કામગીરીની પ્રગતિ પણ નિહાળી હતી. દરમ્યાન બેડીનાકા પાસે આવેલા ડ્રેનેજ મિકેનિકલ વિભાગની મુલાકાત લઈ ડ્રેનેજ કલીનિંગ માટેની વિવિધ મશિનરી જેવી કે, જેટીંગ મશિન, સકશન મશિન વગેરેની જાણકારી મેળવી હતી અને ડ્રેનેજ સંબંધી ફરિયાદોનો સત્વરે નિકાલ થઇ શકે તે માટે આ વાહનોના મેઇન્ટેનન્સ પણ સમયસર થતા રહે તે સુનિશ્યિત કરવા સંબંધિત અધિકારીશ્રીઓને સૂચના આપી હતી. સાથોસાથ વોર્ડ નં.૩માં કમિશનરશ્રી બાલાજી પાર્ક, રાધિકા રેસીડેન્સી, મેરીગોલ્ડ હાઈટ, શ્રધ્ધા સોસાયટી સહિતના વિવિધ વિસ્તારોમાં ફરી રસ્તાઓના કામ બાબતે અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી હતી.

વિશેષમાં મ્યુનિ. કમિશનરશ્રીએ પ્રદ્યુમન પાર્ક ઝૂની મુલાકાત લઇ આ સ્થળને વધુ નમૂનેદાર બનાવવા કેવા પ્રકારના ઇનોવેટીવ પગલાંઓ લઇ શકાય તે વિશે અધિકારીશ્રીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી. સાથોસાથ ઝૂના પ્રવેશ દ્વાર ખાતે સ્થિત ટિકિટ બારીથી અંદર જતા રસ્તાની  પહોળાઈ વધારવા અંગેની ચર્ચા કરી હતી.

ઉપરોકત સ્થળ વિઝિટ દરમ્યાન એડી. સિટી એન્જિનિયર  એમ.આર.કામલિયા, સિટી એન્જિનિયર (સ્પે.)  એચ.યુ.દોઢિયા તેમજ પી.એ.(ટેક) ટુ કમિશનર શ્રી રસિક રૈયાણી તથા જે તે વોર્ડના અધિકારીશ્રીઓ હાજર રહયા હતાં.

(4:17 pm IST)