Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

વધુ એક 'રિક્ષાગેંગ' ઝડપાઇ : બે ગુનાના ભેદ ઉકેલાયા : ચાર દેવીપૂજક શખ્સની ધરપકડ

પરમ દિ' પકડાયેલા દંપતિ સહિત ૪ જામીન મુકત થયા ત્યાં બીજા પકડાયાઃ એ-ડીવીઝન પોલીસે બે સુરેશ, રવજી અને ભાદાને પકડી લીધા એએસઆઇ ભરતસિંહ ગોહિલ, જગદીશભાઇ વાંક અને મૌલિકભાઇ પટેલની બાતમી

રાજકોટ, તા. રપ : શહેરમાં ત્રણ અલગ અલગ જગ્યાએ 'રિક્ષાગેંગે' તરખાટ મચાવી પેસેન્જરોને નિશાન બનાવી પૈસા બઠ્ઠાવી લીધા હતા. જેમાં બી-ડીવીઝન પોલીસે ત્રણ દિવસ પહેલા 'રિક્ષાગેંગ' જેમાં એક મહિલા સહિત ચારને ઝડપી લીધા બાદ ચારેય જામીન મુકત થયા ત્યાં એ-ડીવીઝન પોલીસે બીજા ચાર શખ્સોને પકડી લઇ બે ગુન્હાનો ભેદ ઉકેલ્યો છે.

મળતી વિગત મુજબ શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશનર સંદીપ સિંઘ તથા ડીસીપી રવિ મોહન સૈનીની સૂચનાથી એ-ડીવીઝન પોલીસ મથકના પીઆઇ એન.કે. જાડેજાના માર્ગદર્શન હેઠળ  પીએસઆઇ એસ. વી. સાપારા તથા એએસઆઇ ભરતસિંહ, હારૂનભાઇ, ઇન્દ્રજીતસિંહ, નરેશભાઇ, મેરૂભા, જગદીશભાઇ તથા મૌલીકભાઇ, અને વિરેન્દ્રસિંહ સહિત પેટ્રોલીંગમાં હતાં. ત્યારે એએસઆઇ ભરતસિંહ ગોહીલ, જગદીશભાઇ વાંક અને મૌલીકભાઇ પટેલને મળેલી બાતમીના આધારે લોહાનગર અંડરબ્રીજ પાસેથી રીક્ષા ગેંગના ઢેબર કોલોની મફતીયાપરા ઝૂપડપટ્ટીમાં રહેતા સુરેશ ઉર્ફે સુરી હેમાભાઇ દેવીપૂજક (ઉ.૩૦), સુરેશ દુલા સોલંકી (ઉ.૪૦),  રવજી શીવાભાઇ સોલંકી (ઉ.૩૦) અને ભાદા દુલા સોલંકી (ઉ.૪૦) ને પકડી લીધા હતાં. પોલીસે ચારેયની પુછપરછ કરતા પાંચ દિવસ પહેલા હોસ્પિટલ ચોક પાસેથી રીક્ષામાં મુસાફર તરીકે બેઠેલા સીકયુરીટી ગાર્ડ ભરતભાઇ કરણાભાઇ મકવાણા (ઉ.પ૦) ના રૂ. ૧૧,૭૦૦ અને તા. ૧૮-૭ માં રજપૂતપરામાં રીક્ષામાં બેઠેલા પેસેન્જર જીતરાજભાઇ શીવપ્રસાદભાઇ જોષી (ઉ.૩૩) (રહે. ન્યારી ડેમ પાસે લગુન રીસોર્ટ) ના રૂ. ૧૪૦૦૦ રોકડ સાથેનું પાર્કીટ સેરવી લીધાની કબુલાત આપી હતી. પોલીસે ચારેય શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(4:13 pm IST)