Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

સિંચાઇ ખાતાના વર્કચાર્જ-રોજમદાર કર્મચારીઓને સાતમા પગાર પંચનું એરીયર્સ દિવાળી પહેલા ચૂકવો

મુખ્યમંત્રીને રજૂઆત કરતું મહામંડળઃ ર૧ માસનું એરીયર્સ બીલ બાકી છે!!

રાજકોટ તા. રપઃ વર્કચાર્જ-રોજમદાર કર્મચારી મહામંડળ (સિંચાઇ) સૌરાષ્ટ્ર-કચ્છ ઝોન રાજકોટના પ્રમુખ હસમુખભાઇ પાઘડાર અને ઉપપ્રમુખ સી. કે. ગોસ્વામીની અખબાર યાદી જણાવે છે કે તાજેતરમાં રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલને મહામંડળ દ્વારા આવેદનપત્ર પાઠવી જણાવેલ છે કે કેન્દ્રના ધોરણે રાજય સરકાર દ્વારા સિંચાઇ ખાતાના વર્કચાર્જ-રોજમદાર કર્મચારીઓને બે વર્ષ પહેલા સપ્ટેમ્બર-ર૦૧૭માં સાતમા પગાર પંચ આપવામાં આવેલ. જેનું તા. ૧/૧/ર૦૧૬ થી તા. ૧/૯/ર૦૧૭ સુધીના સમયગાળો એટલે ર૧ માસના પીરીયડનું એરીયર્સ બીલની તફાવતની રકમ હજુ સુધી કર્મચારીને મળેલ નથી. જેને કારણે આવા નાના કર્મચારીઓના કુટુંબની છેલ્લી બે સાતમ-આઠમ અને એક દિવાળી જેવા ધાર્મિક તહેવારો બગાડવામાં આવેલ છે.

વિશેષમાં જણાવેલ કે, હાલ સૌરાષ્ટ્ર-કચ્છના તમામ ડેસાઇટ તેમજ ઓફીસમાં નિવૃતિને કારણે કલાસ-૩ અને કલાસ-૪ ના કર્મચારી સ્ટાફની સંખ્યામાં ખૂબ જ ઘટાડો થયેલ હોય પરીણામે ડેમસાઇટ, ઓફીસમાં કર્મચારીઓની ઓછી સંખ્યાને કારણે હૈયાત દરેક કર્મચારીઓને તેને ફરજ ઉપરાંત વધારાના બે થી ત્રણ કર્મચારીઓની વિભાગની કામગીરી જેવી કે ઇરીગેશન, ફલડ, વહીવટી જવાબદારીઓના કામનો બોજ લઇ ડેમો ઉપર જાનના જોખમે કામ કરેલ છે.

અંતમાં સિંચાઇ ખાતાના કર્મચારીઓને તેના કામના પ્રોત્સાહનરૂપે તેના હકકના લાભ સત્વરે મળી રહે તે અંગે સરકારે ત્વરીત પગલા લઇ આવતી દિવાળીના તહેવાર પહેલા સાતમા પગારપંચનું ર૧ માસનું એરીયર્સ બીલની તફાવતની રકમ કર્મચારીનો સત્વરે ચુકવી આપવામાં આવે તેવી મહામંડળની રજુઆત છે.

(4:06 pm IST)