Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

નવા મોટર વ્હીકલ એકટની ફેરવિચારણા જરૂરી

કોંગ્રેસનું હલ્લાબોલ

પુરતી પાર્કિંગની વ્યવસ્થા ઉભી કર્યા પહેલા વાહનોને ટોઇંગ કરવાનું બંધ કરોઃ હેલ્મેટમાંથી શહેરને મુકિત આપો સહિતના વિવિધ પ્રજાકિય પ્રશ્ને કાલે પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાની આગેવાનીમાં RTO સમક્ષ મુદાસરની રજૂઆતઃ ધરણાઃ સરકારના છાજીયા લેતા ૮ મહિલા કોર્પોરેટરોની અટકાયત

આર.ટી.ઓ.ના નવા નિયમનો ઉગ્ર વિરોધઃ બહેનોએ તપેલા પહેરી વાહન હંકાર્યા : રાજકોટ : નવા આર. ટી. ઓ. નિયમો સામે પ્રદેશ મહીલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાની આગેવાનીમાં સેંકડો બહેનોએ આર. ટી. ઓ. કચેરીએ હલ્લાબોલ કરી ઉગ્ર વિરોધ દર્શાવેલ તે વખતની તસ્વીરોમાં બહેનોએ તંત્રનાં નામનાં છાજીયા લીધા હતાં. તથા તપેલા પહેરી વાહનો હંકારી આર. ટી. ઓ.નાં અધિકારીને આવેદન પત્ર પાઠવી મુદાસર રજૂઆતો કરી હતી તે દર્શાય છે. છેલ્લી તસ્વીરમાં પોલીસે બહેનોની  અટકાયત કરી હતી તે નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. રપ :.. નવા મોટર વ્હીકલ એકટના અમલથી સમગ્ર રાજયની પ્રજા ત્રાહીમામ પોકારાઇ ગઇ છે. ત્યારે પ્રજાના આ જન આક્રોશને વાચા આપવા કોંગ્રેસ પ્રદેશ મહિલા પ્રમુખ ગાયત્રીબા વાઘેલાની આગેવાનીમાં આજે મહિલા કોંગી કોર્પોરેટર, કોર્પોરેટરો, કાર્યકરો દ્વારા આરટીઓ અધિકારી શ્રી લાઠીયાને રજૂઆત કરવામાં આવી હતી. મહિલા કોંગ્રેસના કાર્યકરો દ્વારા કચેરીમાં સુવિધા આપવા માંગ કરી હતી. આ અંગે મહિલા કોંગ્રેસ દ્વારા પાઠવવામાં આવેલ પત્રમાં જણાવ્યું હતું કે દરેક શહેરમાં પુરતા પ્રમાણમાં વાહન પાર્કીંગની વ્યવસ્થા કરવામાં આવે અને જયાં સુધી વાહન પાર્કીંગની યોગ્ય વ્યવસ્થા ન થાય ત્યાં સુધી 'ટોઇંગ' ના નામે વાહન ચાલકો પાસેથી વસુલાતો દંડ બંધ કરવામાં આવે. શહેરી પ્રજાને હેલ્મેટની ઉપાધિમાંથી સંપૂર્ણ મુકિત આપવામાં આવે.

જુના વાહનોને પીયુસીના નામે થતી હેરાનગતી બંધ કરવામાં આવે અને નવા વાહનોને એડવાન્સ સ્ટાન્ડર્ડ મુજબ જ તૈયાર કરવામાં આવે. પેટ્રોલ અને ડીઝલને વેટના કર માળખામાંથી મુકત કરવામાં આવે. નબળા રોડ, રસ્તાઓ માટે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાકટર સામે આર્થિક અને ફોજદારી દંડની જોગવાઇ કરવામાં આવે. રાજય સરકાર દ્વારા રાજકીય કાર્યક્રમોમાં જે સરકારી વાહનોનો (એસ. ટી. બસો) દુરૂપયોગ થાય છે તેને તાત્કાલીક બંધ કરવો જોઇએ.

નવા લર્નીંગ લાઇસન્સ મેળવવા માટે આરટીઓ.માં બે માસનું વેઇટીંગ છે જયારે આરટીઓ પાસે સરકારની ૧પ ઓકટોબરની ડેડલાઇન મુદતને પહોંચી વળવાનો કોઇ જવાબ નથી. આરટીઓ ઓફીસ અને સરકાર વચ્ચે સંકલનનો અભાવ જે દુર કરવો જોઇએ જેમાં ઓછામાં ઓછા ૬ થી ૧ર માસનો સમયગાળો રાખવો જોઇએ.

હાઇ સીકયોરીટી નંબર પ્લેટ લગાવવા માટે આરટીઓ કચેરી ખાતે દરરોજના ૬૦૦ થી ૮૦૦ માણસો આવે છે જેનો પ્રા. કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. જેમાં તગડી ફી વસુલવા છતા અરજદારોને બેસવા માટે કોઇ વ્યવસ્થા નથી. લાઇટ-પંખા કે પીવાના પાણીની કોઇ જ સુવિધા નથી. લોકો ત્રાહીમામ છે જે વ્યવસ્થા તંત્રે તાકીદ ઉભુ કરવું.

જુની આરસી બુક (મેન્યુઅલી) હોય જેને કોમ્પ્યુટરાઇઝ બેકલોગ કરવુ પડે જેમાં ૪ થી પ કલાકનો સમય લાગે છે ત્યારબાદ બીજા દિવસે અરજદારે પૈસા ભરવા અને ૧પ થી ર૦ દિવસ બાદ નંબર પ્લેટ લગાવવા આર. ટી.ઓ. એ ૩ થી ૪ ધકકા ખાવા પડે છે જે અંગે કોઇ જ વ્યવસ્થા આરટીઓ કચેરી પાસે નથી.

નવા લર્નીંગ લાઇસન્સ મેળવ્યા બાદ ઓછામાં ઓછા ૩ થી ૪ માસમાં નવુ પાકુ લાઇસન્સ મેળવવું શકય બને તેમ છે જે ધ્યાને લઇ ઓછામાં ઓછો ૬ થી ૧ર માસનો સમયગાળો રાખવો જોઇએ.

પ્રજા માટે સાર્વજનિક પબ્લીક ટ્રાન્સપોર્ટની યોગ્ય વ્યવસ્થા ઉભી કરી તેનો વ્યાપ વધારવો જોઇએ.

ટ્રાફીકના નિયમોનું પાલન કરવા માટે જાહેર રસ્તાઓ ઉપર દરેક જગ્યાએ સાઇનબોર્ડ મુકવામાં આવે, સિગ્નલોની પુરતી વ્યવસ્થા કરવામાં આવે, આડેધડ ઉભા થતા બમ્પ પર રોક અને ઇજનેરી ધારાધોરણોનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવે.હાલ રાજયમાં કુલ ર,૪ર,૮૦,૩૭ર વાહનો છે. રાજય સરકાર વાહન ચાલકો પાસે પેટ્રોલના વપરાશ પેટે ૧૦૧૭૯.૬૦ કરોડ, ડીઝલના વપરાશ પેટે દર વર્ષે ૧પ૦૬૭.૪૪ કરોડ અને સી. એન. જી. વપરાશ પેટે ૧૧૦પ.૪૪ કરોડ એમ મળી કુલ રૂ. ર૬૩પર.૪૮ કરોડ જેટલી માતબર રકમ જંગી ટેક્ષ પેટે વસુલ કરી રહી છે ત્યારે નવા મોટર વ્હીકલ એકટ અંતર્ગત તોતીંગ દરો વસુલવા અને પ્રજાને દંડવી તે સંપૂર્ણ પણે અયોગ્ય છે. જેનો સંપૂર્ણ ઉકેલ લાવવાની જવાબદારી રાજય સરકારની છે જે અંગે તાકીદે ઉકેલ લાવશો. અને પ્રજાને તોતીંગ દંડથી મુકિત આપવા અંગે યોગ્ય કરવા માંગ કરી હતી.

આ રજૂઆતમાં કોંગી પ્રદેશ મહિલા પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, કોર્પોરેટર જાગૃતીબેન ડાંગર, મનસુખભાઇ કાલરીયા, ઘનશ્યામસિંહ જાડેજા તથા શહેર મહિલા પ્રમુખ મનિષાબા વાળા, હિરલબેન રાઠોડ સહિતના આગેવાનો, કાર્યકરો જોડાયા હતાં.

(3:46 pm IST)