Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

જામનગર રોડ પર એસટી બસની ઠોકરે એકટીવા ચડતાં બે મહિલાને ઇજાઃ તેણીના સગાઓએ બસ ડ્રાઇવર રાજેન્દ્રસિંહ જાડેજાને બેફામ માર માર્યોઃ અપહરણ કરી ફરીથી ધોલધપાટઃ ખૂનની ધમકી આપી છોડી મુકયા

કરણ ચાવડા, ડાંગરભાઇ અને બોલેરોમાં આવેલા ૮ જેટલા શખ્સો સામે ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટઃ આઠમની સવારે દસેક વાગ્યે જામનગર રોડ પર એસટી બસની ઠોકરે એકટીવા ચડી જતાં તેના પર બેઠેલી બે મહિલાને નજીવી ઇજા થતાં આ મહિલાના સગાઓએ આવી એસટી ડ્રાઇવર જામનગરના ક્ષત્રિય યુવાનને મારકુટ કરી ડખ્ખો કર્યા બાદ થોડીવાર પછી ફરીથી આઠેક શખ્સોએ બોલેરોમાં આવી ફરીથી માર મારી કારમાં એસટી ડ્રાઇવરનું અપહરણ કરી બજરંગવાડી પાસે ધમકી દઇ ઉતારી મુકતાં અને ફરિયાદ કરી તો ઘરે આવીને મારી નાંખશું તેવી ધમકી આપતાં ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હુમલાખોરો તરીકે આહિર શખ્સોના નામ ખુલ્યા છે.

બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે જામનગર નવાગામ ઘેડ મધુરમ્ રેસિડેન્સી બી-૧૮૫/૮ ક્રિષ્ના બંગલોઝમાં રહેતાં અને જામનગર એસટી ડેપોમાં સાડા નવ વર્ષથી ડ્રાઇવર તરીકે ફરજ બજાવતાં રાજેન્દ્રસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા (ઉ.૩૯)ની ફરિયાદ પરથી કરણ ચાવડા, ડાંગરભાઇ અને તેની સાથે બોલેરો જીજે૦૪એટી-૫૬૨૯માં આવેલા ૮ જેટલા અજાણ્યા શખ્સો સામે આઇપીસી ૩૬૫, ૩૩૨, ૧૪૩, ૧૪૭, ૧૪૯, ૫૦૪, ૫૦૬ (૨), ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો છે.

રાજેન્દ્રસિંહના કહેવા મુજબ પોતે હાલમાં જામનગર-રાજકોટ રૂટની એસટી બસમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. આઠમની સવારે પોણા આઠેક વાગ્યે જામનગર ડેપોથી રાજકોટ રૂટની બસ જીજે૧૮ઝેડ-૫૫૨૪ લઇ નીકળ્યા હતાં. આ વખતે ડ્રાઇવર કમ કંડકટરની નોકરી હતી. રાજકોટ પોણા દસેક વાગ્યે મુસાફરોને પહોંચાડી પરત જામનગર જવાનું હોઇ સવારે ત્યાંથી બીજા મુસાફરો ભરીને જામનગર જવા રવાના થયા હતાં. માધાપર ચોકડી પાસે બસ હોલ્ટ કરી મુસાફરોને ટિકીટો આપી ભાડાના પૈસા ૨૫૦૦ શર્ટના ઉપરના ખિસ્સામાં રાખી ત્યાંથી સવા દસેક વાગ્યે રવાના થતાં આશાપુરા હોટેલથી આગળ પહોંચતા એક કાળા રંગનું એકટીવા શેરીમાંથી અચાનક આવી જતાં તેણે બ્રેક કન્ટ્રોલ કરવાની કોશીષ કરી હતી પણ એકટીવા ચાલકનું બેલેન્સ ન રહેતાં તે એકટીવા સહિત બસની આગળના ડાબા ભાગમાં અથડાઇ ગયેલ. તેમાં બે બહેનો સવાર હોઇ તે પડી જતાં સામાન્ય ઇજા થઇ હતી.

આ પછી રાજેન્દ્રસિંહે ૧૦૮ને ફોન કરવા તૈયારી કરી હતી ત્યાં એક ભાઇએ આવીને 'હું પોલીસમાં છું, તમારો મોબાઇલ નંબર અને ગાડી નંબર લખાવો' તેમ કહેતાં રાજેન્દ્રસિંહે મોબાઇલ નંબર અને ગાડી નંબર આપ્યા હતાં. બસમાં મુસાફરો હોઇ તેને બીજી એસટી બસ નીકળતાં તે અટકાવી તેમાં બેસાડ્યા હતાં.

એ પછી મોબાઇલ નંબર માંગનાર શખ્સ અને બીજા ચાર-પાંચ જણા આવ્યા હતાં અને તમે કેમ અમારા સગાને અકસ્માતમાં ઇજા કરી? તેમ કહી ગાળો દઇ છુટાહાથની મારામારી ચાલુ કરી દીધી હતી. એક ભાઇ પાસે પ્લાસ્ટીકની લાકડી હોઇ તેનાથી માર મારવાનું શરૂ કર્યુ હતું. આ વખતે બીજી એસટી બસના ડ્રાઇવર મીનાઝભાઇ પુપર વચ્ચે પડતાં તેને પણ મારકુટ કરી હતી.

દરમિયાન વધુ માર મારતાં તેઓ એક રિક્ષા નીકળતાં તેમાં બેસી જામનગર રોડ પરર એસઆરપી કેમ્પ સુધી જતાં રહ્યા હતાં. ત્યાં બીજી બસના ડ્રાઇવર મિનાજભાઇએ ફોન કરી કહ્યું હતું કે તમે કયાં છો? જેથી પોતે તરઘડીયા પાટીયા પાસે હોવાનું ખોટુ બોલ્યા હમતાં. થોડીવાર પછી મિનાજભાઇએ ફરીથી ફોન કરી કહ્યું હતું કે માર મારનારા શખ્સો તમને શોધવા નીકળ્યા છે. જેથી રાજેન્દ્રસિંહે બસમાં મુસાફર તરીકે બેઠેલા મિત્ર મોહિતભાઇ જોષીને ઘંટેશ્વર કેમ્પ પાસે આવવા કહેતાં તેઓ સ્વીફટ ગાડી લઇને આવ્યા હતાં. ત્યાંથી બંને જામનગર રોડ શેઠનગર બાપા સ્તિારામ સ્ટોલ પાસે આવ્યા હતાં અને એસટીના એટીઆઇ મનિષભાઇને જાણ કરી હતી. તે આવ્યા બાદ સ્થળ પર તપાસ કરી હતી અને નિવેદન લખાવવા જતા હતાં ત્યારે ઘંટેશ્વર તરફથી બોલેરો જીજે૦૪એટી-૫૬૨૯ આવી હતી અને થોડી વાર પહેલા મારામારી કરનાર સહિતના આઠ-દસ શખ્સો આવ્યા હતાં અને ફરીથી માર મારતાં  રાજેન્દ્રસિંહ મારવા જતાં પીછો કરી પકડી લીધો હતો. ઝપાઝપીમાં ટિકીટના રૂ. ૨૫૦૦ હતાં તે પણ ઉપલા ખિસ્સામાંથી પડી ગયા હતાં.

એ દરમિયાન એક ફોરવ્હીલ આવી હતી. તેમાં રાજેન્દ્રસિહને બળજબરીથી બેસાડી આજે તો આને મારી જ નાંખવો છે તેમ કહી અપહરણ કરી ઘંટેશ્વર કેમ્પથી રાજકોટ તરફ લઇ ગયેલ. સાંઢીયા પુલ સુધી લઇ ગયા બાદ બજરંગવાડીના ખુણે ગાડી ઉભી રાખી હતી. ત્યાં ઝઘડો કરનારા શખ્સો આવીગયા હતાં. આ શખ્સોએ રાજેન્દ્રસિંહનું મોબાઇલ અને આઇકાર્ડ પડાવી લઇ જો પોલીસ ફરિયાદ કરીશ તો ઘરે આવીને મારી નાંખશું...તેમ કહી ત્યાં જ છોડી દઇ ભાગી ગયા હતાં. એ પછી રાજેન્દ્રસિંહ રિક્ષામાં બેસી સિવિલ હોસ્પિટલે પહોંચતા દાખલ કરાયા હતાં.

ગાંધીગ્રામ એેએસઆઇ પી.એન. પરમારે ગુનો નોંધ્યો હતો. પી.આઇ. વી. વી. ઓડેદરા અને સ્ટાફે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

અકસ્માતમાં શાંતિબેન અને વનિતાબેન ડાંગરને ઇજા થઇ હતી

એસટી બસની ઠોકરે એકટીવા ચડતાં એકટીવા પર બેઠેલા પોપટપરાના શાંતિબેન રાજશેભાઇ કુવાડીયા (ઉ.૪૦) તથા દિપ્તીનગરના વનિતાબેન નિર્મલભાઇ ડાંગર (ઉ.૫૦)ને ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

(11:06 am IST)