Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

સુખી થજો વ્હાલા વીર : કાલે સ્નેહભીનું પર્વ 'રક્ષા બંધન'

શુભ મુહુર્તમાં ભુદેવો કાલે નવી યજ્ઞોપવિત ધારણ કરશે : બજારોમાં રાખડીની છેલ્લી ઘડીની ખરીદી : શાળા કોલેજોમાં પૂર્વ ઉજવણી

રાજકોટ તા. ૨૫ : કાલે શ્રાવણ સુદ પૂનમ! ભાઇ બહેન વચ્ચે સ્નેહ વરસાવતુ પર્વ 'રક્ષા બંધન'! હૈયાના આશીર્વાદ સાથે બહેનીએ બાંધેલ રાખડીઓથી ભૈલાઓના કાંડા ઝગમગી ઉઠશે. રાખડીરૂપ સુતરના તાંતણામાં અમાપ શકિત સમાયેલી હોય છે.

ચોમેર રક્ષા બંધન પર્વનો ઉમંગ છવાયો છે. રાખડી બજારોમાં હજુએ છેલ્લી ઘડીની ખરીદીનો ધમધમાટ ચાલુ છે. રાખડી બાંધ્યા બાદ ભાઇ બહેન પરસ્પર મીઠાઇ ખવરાવી મો મીઠા કરતા હોવાની પણ આપણે ત્યાં પ્રણાલી હોય પેંડા, ગુલાબ જાંબુ, થાબડી, કાજુ કતરીની બજારોમાં પણ ખરીદી બરાબરની જામી છે.

શાળા કોલેજોમાં એક દિવસ પુર્વે જ વિદ્યાર્થી ભાઇ બહેનો રાખડી બાંધી આ તહેવારની ઉજવણી કરે છે. અમુક સંસ્થાઓ દ્વારા રાખડી બનાવવાની સ્પર્ધા પણ યોજવામાં આવે છે.

કાલે બળેવના જનોઇ ધારણ કરનાર સાધુ, બ્રાહ્મણ વર્ગ જનોઇ બદલવાની વિધિ પણ શુભ મુહુર્તમાં કરે છે. જેથી રાજકોટમાં અનેક સ્થળોએ જનોઇ બદલવા સમુહમાં આયોજનો પણ થયા છે. જેની સંકલિત યાદીઓ અહીં પ્રસ્તુત છે.

જોહર કાર્ડસનું પ્રેરક કાર્ય

અહીંના ડો. યાજ્ઞીક રોડ પર આવેલ જોહર કાર્ડસના શોરૂમ પર આજે કર્મકાંડી ભુદેવોને વિનામુલ્યે રાખડીનું વિતરણ કરી પ્રેરક કાર્ય કરાયુ હતુ.

કાલે સીટી બસમાં બહેનોને મફત મુસાફરી

રક્ષા બંધન પર્વે મહાનગર પાલીકા સંચાતિ સીટી બસના સંચાલકોએ પણ બહેનો માટે વહાલ વરસાવી કાલે એક દિવસ માટે ભાઇને રાખડી બાંધવા જઇ રહેલ બહેનોને સીટી બસમાં મફત મુસાફરીની સુવિધા અમલમાં મુકી છે.

બહેનોને નિઃશુલ્ક રોપા

ભાઇને રાખડી બાંધવા સાથે જો વૃક્ષ વાવવાનું પર્યાવરણીય કાર્ય પણ કરાય તો આવી બહેનો અને ભાઇઓને ઔષધિય અને ફળાવ વૃક્ષના રોપા વિનામુલ્યે આપવા પર્યાવરણ પ્રેમી દિનેશભાઇ પટેલે સંકલ્પ કર્યો છે. આ માટે ઇન્દ્રઋષિ પેલેસ, ૪-જલારામ કોર્નર, પટેલ કન્યા છાત્રાય પાસે, યુનિ.રોડ ખાતે સંપર્ક કરવા જણાવેલ છે.

એકલવ્ય શાળામાં રાખડી સ્પર્ધા

ગૌરીદડ ખાતે આવેલ એકલવ્ય ડે સ્કુલમાં રક્ષાબંધન પર્વ અંતર્ગત રાખડી સ્પર્ધા યોજવામાં આવી હતી. એકથી પાંચ ક્રમના વિજેતા જાહેર કરાયા હતા.

ચા.મ.મોઢ બ્રાહ્મણ સમાજ

ચા.મ.મોઢ બ્રાહ્મણ સમાજના જ્ઞાતિજનો માટે જનોઇ બદલવાનો સમુહ કાર્યક્રમ જ્ઞાતિની વાડી, મિલપરા ખાતે કાલે તા. ૨૬ ના સવારે ૭.૩૦ વાગ્યે રાખેલ છે.

ગૌડ મેડતવાડ બ્રહ્મસમાજ

શ્રી ગૌડ મેડતવાડ બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા બળેવ પર્વ નિમિતે કાલે રવિવારે સાંજે ૪.૩૦ વાગ્યાથી ભકિતનનગર સર્કલ પાસેના રણછોડદાસજી બાપુ કોમ્યુનીટી હોલ ખાતે જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન, દાતાઓનું સન્માન અને સાંજે ૭.૩૦ વાગ્યે સમુહ ભોજન રાખેલ છે. સમગ્ર આયોજન માટે શ્રી ગૌડ મેતડવાડ બ્રાહ્મણ જ્ઞાતિ વિકાસ મંડળ, શ્રી ગૌડ મેડતવાડ બ્રાહ્મણ જ્ઞાતિ યુવક મંડળ, શ્રી ગૌડ મેડતવાડ બ્રાહ્મણ મહિલા મંડળ જહેમત ઉઠાવી રહેલ હોવાનું મૌલિકભાઇ ભટ્ટ (મો.૯૭૧૪૭ ૯૯૮૭૭) અને ચિંતનભાઇ ઉપાધ્યાય (મો.૯૯૦૪૦ ૨૨૯૨૫) ની યાદીમાં જણાવાયુ છે. (૧૬.૧)

(3:46 pm IST)