Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

શ્રી રોયલ પાર્ક સ્થા.જૈન મોટા સંઘનાં આંગણે

માસક્ષમણના ઉગ્ર તપસ્વી સાધ્વીરત્નાઓના કાલે પારણા

ડુંગર દરબારમાં શ્રી ઉવસગ્ગહરં સ્તોત્ર સંકલ્પ સિધ્ધિ સાધના અને ચતુર્થ યુવા શિબિર સવારે ૯ કલાકે યોજાશે

રાજકોટઃ રાષ્ટ્રસંત પૂજય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના શ્રીમુખેથી દીક્ષામંત્ર સ્વીકારનાર ત્રણ નવદીક્ષિતા મહાસતીજીઓ પૂજય શ્રી પરમ વિરકતાજી મહાસતીજી, પૂજય શ્રી પરમ આમન્યાજી મહાસતીજી, અને પૂજયશ્રી પરમ વિભૂતિજી મહાસતીજીના ઉગ્ર માસક્ષમણ તપસ્યા પારણાનું આયોજન કાલે રવિવારે તા.૨૬ના રોજ  ડુંગર દરબાર, અમિન રોડ માર્ગ, જેડ બ્લુની સામે ખાતે સવારે ૧૧ કલાકે કરવામાં આવ્યું છે .

૬૫ વર્ષની જૈફ વય, જયારે સામાન્ય લોકો અન્ય પાસેથી સેવાની અપેક્ષા રાખતાં હોય છે એ સમયે ૪ વર્ષ પહેલાં શાસન સેવાના લક્ષ્યથી દીક્ષા સ્વીકારનારા પૂજય શ્રી પરમ વિરકતાજી મહાસતીજી, ૨ વર્ષ પહેલા દીક્ષિત થએલા પૂજય શ્રી પરમ આમન્યાજી મહાસતીજી, અને માત્ર ૬ મહિનાની દીક્ષા પર્યાયમાં સળંગ ૭૫ એકાસણા પર માસક્ષમણની ઉગ્ર તપસ્યા કરનાર પરમ વિભૂતિજી મહાસતીજી, આ ત્રણેય તપસ્વી સાધ્વી રત્નાઓની તપ સાધનાથી શ્રીસંઘનો ઉત્સાહ અને થનગનાટ ઉત્કૃષ્ટતાને આંબી રહ્યો છે.

આ ઉગ્ર તપસ્વીઓના પરણાનું આયોજન ડુંગર દરબારમાં રવિવારે ચર્તુવિધ સંઘ, વિશાળ સંખ્યામાં ભાવિકોની હાજરીમાં કરવામાં આવ્યું છે. આ સાથે શ્રી ઉવસગ્ગહરં સ્તોત્ર સંકલ્પ સિદ્ઘિ સાધનાનાં બારમાં તબક્કાના આયોજન સાથે ચતુર્થ યુવાશિબિરનું આયોજન એટલે જ્ઞાન, મંત્રસાધના,  અને  તપના આ ત્રિવેણી સંગમમાં ભાવ સ્નાન કરીને આત્મશુધ્ધિનો અવસર.

રાજકોટનાં પનોતા પુત્રી, માત્ર ૬ મહિના પહેલા સંયમ ધર્મ અંગીકાર કરનાર પૂજય શ્રી પરમ અર્પિતાજી મહાસતીજી પણ આજે ૧૮ ઉપવાસે માસક્ષમણની આરાધનામાં આગળ વધી રહયા છે. આ સાથે અનેક અનેક મહાસતીજીઓ ધર્મચક્ર તપની આરાધનામાં આગળ વધી રહ્યાં છે. શ્રી રોયલપાર્ક ઉપાશ્રયને આંગણે તપસ્વીઓનાં તપને ભકિતના સૂરોથી વધાવવા માટે દરરોજ બપોરે સાંજીમાં અનેક ભાવિકો લાભ લઇ રહયા છે.

આ અવસરે સવારે  ૯  કલાકે  યુવા શિબિર એવમ શ્રી ઉવસગ્ગહરં સ્તોત્ર સંકલ્પ સિદ્ઘિ સાધના તથા ૧૧ કલાકે તપસ્વીઓના પારણાનો  લાભ લેવા ભાવિકોનેે શ્રી સંઘે  આમંત્રણ પાઠવ્યું છે.(૩૦.૩)

(3:45 pm IST)