Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

પ્લીઝ... અમારું એન્કાઉન્ટર થઇ જશે !! અમદાવાદમાં બોંબ વિસ્ફોટો કરનાર સફદર નાગોરીની અરજી ફગાવી દીધી

ઇન્દોરથી ટ્રાન્સફર વોરંટના આધારે ગુજરાત લાવેલ : સાબરમતી જેલમાં ફાવી ગયું ! હવે પાછું જવું નથી

રાજકોટ તા. ૨૫ : વર્ષ ૨૦૦૮માં સમગ્ર અમદાવાદ શહેરને ધ્રુજાવી મુકનારા શ્રેણીબદ્ઘ બોંબ બ્લાસ્ટના આરોપી સફદર નાગોરી સહિતના અન્ય કેટલાક આરોપીઓની મધ્યપ્રદેશની સેન્ટ્રલ જેલમાં ટ્રાન્સફર નહીં કરવાની પિટિશન હાઇકોર્ટના જસ્ટિસ જે.બી. પારડીવાલાએ રદબાતલ ઠેરવી છે. જસ્ટિસ પારડીવાલાએ આ મામલે થયેલી બે જુદીજુદી પિટિશનમાં ચુકાદો આપતાં નોંધ્યું છે કે, 'આ કેસના આરોપીઓ ઇન્દોરના કેસના મુખ્ય આરોપીઓ છે અને તેઓ ટ્રાન્સફર વોરંટ્સના આધારે અમદાવાદ લાવવામાં આવ્યા હતા. તેથી અમદાવાદ જેલમાં જ રહેવા માટે માટેના રાજય સરકારના જાહેરનામા હેઠળ તેઓ આવતાં ન હોવાથી તેમણે રાજયની જેલમાં રાખી શકાય નહીં.'

જો કે હાઇકોર્ટે એવું પણ નોંધ્યું છે કે, 'જો અરજદારોને ઇન્દોરના સ્પેશિયલ જજના આદેશ સામે કોઇ વાંધો કે તકરાર હોય તો તેઓ કાયદાની રાહે તેને સંબંધિત તંત્ર સમક્ષ પડકારી શકે છે.' હાઇકોર્ટના આદેશથી આરોપીઓને ઇન્દોર સેન્ટ્રલ જેલ લઇ જવાનો માર્ગ મોકળો થયો છે.

૨૦૦૮ સિરીયલ બોમ્બ બ્લાસ્ટના સફદર નાગોરી સહિતના કુલ ૧૦ આરોપીઓએ હાઇકોર્ટ સમક્ષ રિટ કરી હતી. જેમાં તેમણે સાબરમતી સેન્ટ્રલ જેલથી મધ્યપ્રદેશ સેન્ટ્રલ જેલમાં ટ્રાન્સફર કરવાના નિર્ણયને રદ કરવાની માગ કરી હતી. નાગોરીએ ગત વર્ષે મે મહિનામાં જેલમાંથી સ્પેશિયલ કોર્ટને એક પત્ર લખી એવી ભીતિ વ્યકત કરી હતી કે, 'તેને જીવનું જોખમ છે અને તેનું એન્કાઉન્ટર થઇ શકે છે.' તેથી તેમની મધ્યપ્રદેશ ટ્રાન્સફર ન કરવામાં આવે.(૨૧.૧૫)

 

(3:44 pm IST)