Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

ગોંડલ ચોકડીથી માલધારી ફાટક નજીક ગેરકાયદે બાંધકામનો ખડકલોઃ જમીન કોર્પોરેશનની હદમાં: કલેકટરને ફરીયાદ

ગાંધીગ્રામમાં રહેતા ખુમાનસિંહ જાડેજાએ ફરીયાદ અરજી પાઠવીઃ કોઈ અધિકારી દખલગીરી નથી કરતાના આક્ષેપો

રાજકોટ, તા. ૨૫ :. ગાંધીગ્રામમાં રહેતા ખુમાનસિંહ જાડેજાએ કલેકટરને ચોંકાવનારી ફરીયાદ કરી છે કે, રાજકોટ મહાનગરપાલિકાની હદમાં અસામાજીક તત્વો દ્વારા થઈ રહેલ ગેરકાયદેસર બાંધકામ અંગે તાકિદે પગલા ભરી કડક સજા કરવા માંગણી કરી છે.

ફરીયાદમાં ઉમેર્યુ છે કે, અમે ઉપર દર્શાવેલ સરનામે રહીએ છીએ અને વ્યાપાર તથા ખેતીની આવકમાંથી અમારા પરીવારનું ગુજરાન ચલાવીએ છીએ.

થોડા દિવસો પહેલા અમે ગોંડલ રોડથી કોઠારીયા તરફ જઈ રહ્યા હતા ત્યારે રાજકોટથી ગોંડલ તરફ જતા ગોંડલ રોડ ઉપર ડાબી બાજુ ગોંડલ ચોકડીથી આશરે ૫૦૦ મીટર દૂર માલધારી ફાટક તરીકે ઓળખાતા રેલ્વે ક્રોસીંગ પાસે ફાટક બંધ હોવાથી ઉભા હતા ત્યારે રેલ્વે પાટાની તદ્દન નજીક થઈ રહેલા ગેરકાયદેસર બાંધકામ ઉપર અમારી નજર પડતા ત્યાં આવેલ પાનની દુકાન પાસે તપાસ કરતા જાણવા મળેલ કે આ ગેરકાયદેસર બાંધકામ રાજકોટ શહેરના કુખ્યાત ભુમાફીયાનું ચાલી રહ્યુ છે. આ ગેરકાયદેસર બાંધકામ સરકારી જગ્યા ઉપર ચાલતુ હોવા છતાં રાજકોટ મહાનગરપાલિકા, પોલીસ અને કલેકટરશ્રી પણ દખલગીરી કરી શકતા નથી એવી વાતો અમને ગેરકાયદેસર બાંધકામ ચાલુ છે ત્યાં મળતીયાઓ દ્વારા જાણવા મળેલ, આ બાંધકામનું વધુમાં નિરીક્ષણ કરતા જાણવા મળેલ કે આ બાંધકામ એકદમ નબળુ તથા હલકી ગુણવત્તાવાળા મટીરીયલથી થયેલ છે. વધુમાં એવું પણ જાણવા મળેલ કે, વપરાયેલ લોખંડ પણ સરકારી તંત્ર કે કહેવાતી ચોરીનું છે.

ત્યારબાદ અમે ગેરકાયદેસર બાંધકામ વિશે વધુમાં તપાસ કરતા જાણવા મળેલ કે, આ થઈ રહેલુ ગેરકાયદેસર બાંધકામ રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧૮ની હદમાં આવે છે. આ ગેરકાયદેસર બાંધકામ કરાવતી વ્યકિત વિશે વધુ તપાસ ઘણી બધી ચોંકાવનાર હકીકતો સામે આવી હતી. આ શખ્સ સામે અનેક ગુન્હા પણ નોંધાયેલા છે.(૨-૨૦)

(3:39 pm IST)