Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

દુનિયામાં કશું જ મફત નથી : મફતિયું ઇન્ટરનેટ આપણો લાખો રૂપિયાનો સમય ખાઇ જાય છે

૨૦૧૬માં ભારતમાં જીઓની મફત કે મફતના ભાવની મોબાઈલ સર્વિસ શરુ થઇ અને ૨ જ વર્ષમાં ભારતીય યુવાનોએ વિશ્વ વિક્રમ સ્થાપી દીધા છે. ભારત દુનિયામાં કેટલાય ક્ષેત્રોમાં પ્રથમ ક્રમે આવી ગયું છે, ચારેકોર ભારતનો જય જયકાર થઇ રહ્યો છે!!  જાણવું છે કે આ કયા ક્ષેત્રો છે જેમાં આ મફતિયા કનેકશન્સએ આવડી પ્રસિદ્ઘિ અપાવી છે?

વોટ્સએપ, ફેસબુક, યુટ્યુબ અને સૌથી મહત્વનું પોર્ન! યસ્સ! ભારતમાં વોટ્સએપ યુઝર્સ ૨૦૧૬ થી ૨૦૧૮ના ૨ વર્ષના ગાળામાં ૧૫ કરોડમાંથી ૩૦ કરોડ થયા, ફેસબુક યુઝર્સ આ ૨ વર્ષોમાં ૧૩ કરોડ ૫૦ લાખથી ૨૭ કરોડ થયા એટલે કે વોટ્સએપ અને ફેસબુક યુઝર્સ ૨ વર્ષમાં ૨ ગણા થયા જેટલો વધારો દુનિયાના બીજા કોઈ દેશમાં નથી થયો!! થયાને આપણે નંબર ૧??

ભારતીય લોકોની હંમેશા હાર્દિક ઈચ્છા રહી છે કે અમેરિકાને પાછળ રાખી દેવું. તો ખુશ થઇ જાવ ફેસબુક યુઝ કરવામાં આપણે દુનિયામાં નંબર ૧ પર છીએ. ૨૦૧૭ના પુરા થવા સુધીમાં અમેરિકાનો ફેસબુક યુઝર્સનો ૨૪ કરોડ ૧૦ લાખનો આંકડો આપણે ૨૭ કરોડ યુઝર્સથી સર કર્યો છે.

આ જ ૨ વર્ષોમાં યુટ્યુબનો વપરાશ ભારતમાં ૧.૮ ગણો વધ્યો છે. ૧૮ વર્ષથી ઉપરના યુઝર્સનો ૮૫% ઈન્ટરનેટ વપરાશ યુટ્યુબનો છે. આ યુવાનો પોતાની સબસક્રાઇબ કરેલી ચેનલ પર વિડીઓ અપલોડ થાય તેના ૪૮ કલાકની અંદર જ જોઈ લે છે. ભારે ઉત્સાહી હો!! ઘરનો ઉડી ગયેલો બલ્બ બદલતા પણ આનાથી વધુ સમય થાય છે આ જ યુવાનોને. અને હા! યુટ્યુબ યુઝ કરવામાં પણ ભારતીયો દુનિયામાં ટોચના ૫ દેશોમાં છે. યુટ્યુબના ચીફ ઓફિસર્સ અને સાઉથ ઇસ્ટ એશિયાના વાઈસ પ્રેસીડેન્ટ આ વાતનો શ્રેય જીઓને આપી ચુકયા છે અને ૨૦૨૦માં ભારતનો યુટ્યુબ યુઝર્સનો આંકડો ૨૨ કરોડ ૫૦ લાખ થી ૫૦ કરોડ પહોંચાડવાની યોજનાઓ ઘડી રહ્યા છે અને પૂરતા આશાવાદી પણ છે.

એપ્સ ડાઉનલોડ કરવાનો આંકડો અમેરિકામાં ૫% ઘટ્યો છે જયારે ભારતમાં ૩ ગણો વધ્યો છે. ભારતીયો સોસીયલ મીડિયા પર રોજના દોઢ થી સાડા ત્રણ કલાક એટલે કે ૨૪ કલાકમાંથી ૯૦ થી ૨૧૦ મિનીટ્સ ગાળે છે. આ સમયમાં લોકો શું કરે છે?? આઈ.એ.એસ, આઈ.પી.એસની પરીક્ષાઓની તયારી? એન્જીનીયરીંગ, મેડીકલ ભણતા વિધાર્થીઓ ગુગલ કરીને પરીક્ષાઓ આપે છે? ઈન્ટરનેટ યુઝ કરીને યુવાનો સાયન્ટીસ્ટ બની ગયા? આંતરરાષ્ટ્રીય કક્ષાનું સાહિત્ય નિર્માણ ઈન્ટરનેટ યુઝ કરીને લોકોએ કરી લીધું?

યસ્સ્સ! પોર્ન સાઈટ્સને તો કેમ ભૂલી જવાય? આનંદો. પોર્ન જોવામાં દુનિયામાં ભારત ૩જા ક્રમે પહોંચી ગયું છે.  સ્ત્રીસશકિતકરણના ભાગરૂપે ભારતીય  સ્ત્રીઓએ અહીં પણ ફાળો નોંધાવ્યો છે. દુનિયામાં પોર્ન જોવામાં  સ્ત્રીઓનો સરેરાશ આંકડો ૨૪% છે જયારે ભારતમાં ૩૦% છે. આમાં પણ ભારતીય  સ્ત્રીઓએ અમેરિકાની  સ્ત્રીઓને પાછળ રાખી છે. આ જોતા કહી શકાય કે ભારતને પોર્ન વ્યુઈંગમાં ૩જા નંબર પર પહોંચાડવામાં ૩૦ – ૭૦ના રેશીઓ સાથે  સ્ત્રીઓનો પુરતો ટેકો રહ્યો છે. કાશ!! ભારતીય  સ્ત્રીઓ આ ૩૦-૭૦% નો રેશિયો આર્થિક ઉપાજનમાં પણ આપે તો આર્થિક સમૃદ્ઘીના દુનિયાના ગ્રાફ-આંકડાઓમાં આપણે ભારતને શોધી શકીએ.

વોટ્સએપ પર ૧૦ થી ૨૦ ગ્રુપમાં ફાંકા ફોજદારી કરવી, વિદેશમાં રૂપિયા ખર્ચીને કોલ કરવા ના પોષતા હોય ત્યાં મફતિયા વોટ્સએપ કોલ કરી જે તે દેશનો સમય જોયા વગર લોકોના મગજના દહીં કરવા, ઘસાઈ ગયેલા જોકસ અને વાહિયાત શાયરીઓ ફોરવર્ડ કરવી, ગુડ મોર્નિંગ – ગુડ નાઈટના મેસેજ વગર તો દિવસ-રાતનું ચક્ર વિખાય જાય!!! ફેસબુક પર દેશ દુનિયાની પંચાત કરવી, નવરા લોકો આપવડાઈ કરે, એક બીજાની પીઠ થાબડતી પોસ્ટ્સ લખે, કયાં ખાધું-પીધું સાથે કયા શૌચાલયમાં વિસર્જન કર્યું તેની જ પોસ્ટ મુકવાની બાકી હોય છે. યુટ્યુબ પર લોકો શું જોવે છે તેની ચર્ચા થઇ શકે તેમ છે? ૫૦ વાનગીઓના વિડીઓ જોતી  સ્ત્રી સાંજ પડીએ બહારથી ખાવાનું મંગાવે છે. સાહસના વિડીઓ જોઇને યુવાનો દુસાહસ કરે છે. દુનિયાના કોઈ દેશમાં સાંભળવા જોવા ના મળે તેવી વાહિયાત વાત ભારતીય પુરુષો કરે કે 'અમારે ધંધાનું કામ વોટ્સએપ પર હોય' તો આવો ધંધો જ બંધ કરી દેવાય.

સોસીયલ મીડિયા મુખ્યત્વે ૨ પ્રકારના લોકો માટે છે. ૧. તદ્દન નવરા જે કંઈ કરવા માંગતા જ નથી અને ૨. નવરા કે જે પોતાના કામ કરીને (ઉમર સાથે) બેઠા છે. ૧૮ વર્ષથી નાના માટે સોસીયલ મીડિયા છે જ નહીં અને ૧૮ થી ૪૦ વર્ષ સુધીના લોકોએ સોસીયલ મીડિયા વાપરવું જ ના જોઈએ. જીવનના સૌથી મહત્વના વર્ષો ૧૮ થી ૪૦ હોય છે, જયાં સુધી જીવનમાં કૈંક મેળવવાનું – કશેક પહોંચવાનું હોય ત્યાં સુધી આ બદ્દીથી તદ્દન દુર રહેવું જોઈએ.

અંબાણીએ જીઓ લોન્ચ કરીને દેશની કુસેવા કરી છે, યુવાનોની બરબાદી કરી છે અને તેની સ્પર્ધામાં ટકવા બીજી કંપનીઓ પણ મફતમાં સેવાઓ આપે છે. સોનાની કટારી હોય તો ય મ્યાનમાં રખાય, ગળે ના મૂકી દેવાય. આ તો અનિષ્ટ છે. લોકો મફતમાંય આપશે પણ આપણે આપણો કરોડ રૂપિયાનો સમય ગુમાવીએ છીએ. આંતરરાષ્ટ્રીય કંપનીઓને તો પોતાનો બીઝનેસ ચલાવવા આવા મુર્ખાઓ જ જોઈએ છે એટલે લલચાવનારી વસ્તુઓ આપ્યા કરશે પણ આપણે ઠેરના ઠેર રહી જઈશું.

સૌથી વધુ નુકશાનકારક પોતાના લોકોથી દુરી છે. સોસીયલ મીડિયાને કારણે ઘરના લોકોને સમય ઓછો અપાય છે, પોતાની જાતને સમય ઓછો અપાય છે. નાની મોટી ખુશીઓ માટે જ પ્રવૃતિઓ થતી તે બંધ થઇ ગઈ છે. ફકત એકવાર તમારા ઘરના સભ્યોને પૂછો કે 'હું સોસીયલ મીડિયા બંધ કરી દઉં તો તમને ગમે?' તેમના ચહેરા પરની ખુશી જ બતાવશે કે તમે એમનો કેટલો સમય સોસીયલ મીડિયામાં વેડફી રહ્યા છો. સોસીયલ મીડિયા/ઈન્ટરનેટના વપરાશમાંથી સમય મળશે તો બીજી ૧૦ હકારાત્મક પ્રવૃત્તિ થઇ શકશે.

મફત મળતું ઈન્ટરનેટ ઝેર છે, મફત છે એટલે ખાઈ ના લેવાય. મહેરબાની કરીને અટકો.

-: આલેખન :-

ડો. ગોરા એન. ત્રિવેદી

(3:36 pm IST)