Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

વોર્ડ નં.૧૮માં ડેન્ગ્યુનો હાહાકાર : કોઠારીયા રોડ વિસ્તારમાં ૨૮ કેસનો ધડાકો

છેલ્લા બે થી ત્રણ મહિનામાં કોઠારીયા રોડ વિસ્તારની ૧૦થી વધુ સોસાયટીઓમાં ગંદકીના લીધે ઉપદ્રવ : તંત્રના ચોપડે માત્ર ૧૮ કેસ પણ હકીકત જુદી

રાજકોટ, તા. ૨૫ : શહેરમાં મચ્છરજન્ય રોગચાળાએ છેલ્લા બે મહિનાથી ભારે ઉપાડો લીધો છે. આ દરમિયાન કોર્પોરેશનના આરોગ્યતંત્ર દ્વારા મચ્છરજન્ય મેલેરીયા અને ડેન્ગ્યુના દર્દીઓના આંકડાઓ છુપાવવામાં આવ્યા હોવાની ચર્ચા જાગી છે. જેમ કે, છેલ્લા બે મહિના દરમિયાન શહેરમાં નવા ભેળવાયેલા કોઠારીયા ગામ એટલે કે વોર્ડ નં. ૧૮ના ૧૦ થી ૧૨ વિસ્તારોમાં ડેન્ગ્યુના અત્યાર સુધીમાં ૨૮ જેટલા દર્દીઓ હોવાનો ધડાકો થયો છે.

 

વિસ્તારવાસીઓના જણાવ્યા મુજબ આ વોર્ડમાં સફાઈ પ્રત્યે કોઈપણ જાતનંુ ધ્યાન અપાતુ નથી. જેના લીધે ગંદકીની સમસ્યા અને મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે.

પરિણામે મચ્છરજન્ય મેલેરીયા, ડેન્ગ્યુ સહિતનો રોગચાળો વકરી રહ્યો છે. જો કે આરોગ્ય તંત્રના ચોપડે આ આખા વર્ષ દરમિયાન માત્ર ૧૮ જ કેસ ડેન્ગ્યુના નોંધાતા આશ્ચર્ય સર્જાયુ છે.

દરમિયાન આ વિસ્તારના રહેવાસીઓના જણાવ્યા મુજબ કોઠારીયા રોડ વિસ્તારના હરીદ્વાર, નુરાનીપરા, શીતલ પાર્ક, મચ્છાનગર, સીતારામ, ગામતાલ, શુભમ, ગુલાબનગર, રિદ્ધિ સિદ્ધિ, ખોડીયાર, વેલનાથ, જડેશ્વર, મફતીયાપરા સહિતના વિસ્તારોમાં મચ્છરજન્ય રોગો વધુ હોવાનું જણાવાયુ હતું.(૩૭.૧૮)

(3:36 pm IST)