Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

હાર્દિક પટેલના આંદોલન અંતર્ગત રાજકોટ જીલ્લામાં ૧૪૪મી કલમઃ શહેરમાં પણ ઠેર-ઠેર પોલીસ બંદોબસ્ત

રાજકોટમાં રાત્રે ફૂટ પેટ્રોલીંગ કરાયું: નાના મવા ચોકડી, મવડી ચોકડીએ હથીયારધારી પોલીસ ગોઠવાઇઃ પેટ્રોલીંગ

રાજકોટ તા. ૨૫: અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલે સોલા અમદાવાદ ગ્રીનવૂડ બંગલોઝ છત્રપતિ નિવાસ ખાતે ખેડૂતોના પ્રશ્નો તથા પાટીદારોને શિક્ષણ અને નોકરીમાં અનામત આપવાની માંગણી સાથે આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરી લીધા હોઇ રાજ્યભરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે અને ઠેર-ઠેર ૧૪૪મી કલમ લાગુ કરી દેવામાં આવી છે. રાજકોટમાં પણ અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી પી. બી. પંડ્યાએ ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩ની કલમ-૧૪૪ની મળેલી સત્તાની રૂએ રાજકોટ જીલ્લા વિસ્તારમાં તા. ૨૫ થી તા. ૨૭ સુધી ચારથી વધુ વ્યકિતઓએ એકત્ર થવા પર, કોઇ સભા સરઘસ કાઢવા પર અને રેલી કાઢવા પર કે રસ્તા રોકી ચક્કાજામ જેવા કાર્યક્રમો આપવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. રાજકોટ શહેરમાં પણ ગત મોડી રાતથી જ પોલીસે પેટ્રોલીંગ શરૂ કરી જરૂરિયાત મુજબના વિસ્તારો, મુખ્ય ચેક પોસ્ટ પર બંદોબસ્ત ગોઠવી દીધો છે.

જાહેરનામા મુજબ કાળા વાવટા ફરકાવવા પર, પુતળા દહન કરવા પર, દેખાવો કે ઘેરાવો કરવા પર કે થાળી વાટકા ઝાલર વગાડી વિરોધ પ્રદર્શિત કરવા જેવા કોઇપણ આશ્ચર્યજનક કાર્યક્રમો આપવા સીહતના આંદોલન કરવા સામે પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમજ પૂર્વ મંજુરી વગર લાઉડ સ્પીકર વગાડવા ઉપર પણ પ્રતિબંધ ફરમાવાયો છે. શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની અને મનોહરસિંહ જાડેજાએ પણ હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને પગલે શહેરમાં કોઇપણ સ્થળે શાંતિ ડહોળાય નહિ એ માટે બંદોબસ્ત ગોઠવ્યો છે. પોલીસે રાત્રે જ જુદા-જુદા વિસ્તારોમાં ફૂટ પેટ્રોલીંગ કર્યુ હતું. નાના મવા ચોકડી અને મવડી ચોકડીએ પોલીસે ખાસ બંદોબસ્ત ગોઠવ્યો છે. તેમજ આ વિસ્તારોમાં પેટ્રોલીંગ પણ ચાલુ રાખ્યું છે. તસ્વીરઃ સંદિપ બગથરીયા

(3:34 pm IST)