Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

મગને ત્રણ ટ્રક ભરીને બારદાન બારોબાર મોકલી દીધા'તા તેના મજબૂત પુરાવા પોલીસને સાંપડ્યા

બારદાન કોૈભાંડમાં ધરપકડનો આંક ૭ થયોઃ વધુ કેટલાકની ધરપકડની અણસારઃ રજીસ્ટરમાં ગોલમાલ થયાનું સ્પષ્ટ થયું: બારદાન ખરીદનારા બે વેપારીની પણ ધરપકડઃ રિમાન્ડ મેળવવા તજવીજઃ એક બારદનનો સરકારી ભાવ રૂ. ૭૧ છે, મગન આણી મંડળીએ બે વેપારીને ૫૦ અને ૫૪ રૂપિયા લેખે ૧૦૮૦૦ તથા ૨૦,૦૦૦ નંગ બારદાન વેંચી દીધા'તા

રાજકોટ તા. ૨૪: રાજ્યભરમાં ચકચારી બનેલા મગફળી કોૈભાંડની તપાસ દરમિયાન સોૈરાષ્ટ્ર ગુજકોટના મેનેજર પડધરીના તરઘડીના મગન નાનજીભાઇ ઝાલાવડીયા (ઉ.૫૫) સહિતની ધરપકડ થઇ હતી. આ કોૈભાંડની તપાસમાં મગને રાજકોટ યાર્ડમાં બારદાન સળગી ગયા ત્યારે પણ બચેલા બારદાનમાંથી લાખોના બારદાન બારોબાર બઠ્ઠાવી લીધાનું પાપ પણ છાપરે ચડીને પોકાર્યુ હતું. આ મામલે નોંધાયેલા ગુનામાં બી-ડિવીઝન પોલીસે પહેલા મગન, બાદમાં તેના કાવત્રામાં સામેલ પાંચ શખ્સો અને હવે બારદાન ખરીદનારા બે વેપારીઓની ધરપકડ કરતાં કુલ આરોપીઓનો આંક ૭ થયો છે. મગને ત્રણ ટ્રક ભરીને બારદાન બારોબાર મોકલ્યા હતાં અને તે અંગેની ખોટી એન્ટ્રી યાર્ડની ગુજકોટની ઓફિસના રજીસ્ટરમાં પડાવી હતી. પોલીસે કબ્જે લીધેલા આ રજીસ્ટરોની તપાસ કરતાં મગને કરેલી ગોલમાલના મજબુત પુરાવા સામે આવ્યા છે. ઝડપાયેલા બે વેપારીઓની વિશેષ પુછતાછ માટે રિમાન્ડ મેળવવા અને અન્યોની ધરપકડ કરવા તપાસનો દોર યથાવત રખાયો છે.

પોલીસ હાલમાં મગન ઝાલાવડીયા ઉપરાંત તેને કોૈભાંડમાં મદદગારી કરનારા પાંચ શખ્સો મનસુખ ભીખાભાઇ ઉર્ફ બાબુભાઇ જેઠાભાઇ લીંબાસીયા (ઉ.૫૧-રહે. તરઘડી), કાનજી દેવજીભાઇ ઢોલરીયા (ઉ.૪૬-રહે. આર્યનગર-૧૭ શાળા નં. ૭૨ પાસે, મુળ ડેરોઇ તા. રાજકોટ), નિરજ મનસુખભાઇ ગજેરા (ઉ.૨૬-રહે. આસ્થા સાલિગ્રા બ્લોક નં. ૧૨૭, અવચર મેંદપરાના મકાનમાં માધાપર-રાજકોટ), પરેશ હંસરાજભાઇ સંખાવરા (ઉ.૩૬-રહે. મોરબી રોડ અર્જુન પાર્ક, મુળ તરઘડી) તથા કાળુ બાબુભાઇ ઝાપડા (ઉ.૩૫-રહે. તરઘડી તા. પડધરી)ની પુછતાછ કરી મજબુત પુરાવા એકઠા કરવા કમર કસી રહી છે. આ છએય શખ્સો રિમાન્ડ પર છે.

એ દરમિયાન પોલીસે ગઇકાલે પોલીસે  મગન આણી મંડળી પાસેથી સસ્તામાં ખરીદેલા બારદાન ખરીદ કરનાર બે વેપારીઓ મહશે પ્રધાનભાઇ મંગે (ભાનુશાળી) (ઉ.૩૬-શ્રહે. ગુ.હા. બોર્ડ કવાર્ટર નં. ૨૧૩, બાલકૃષ્ણ સોસાયટી-૧૭) તથા અરવિંદ પેરાજભાઇ ઠક્કર (ઉ.૫૯-રહે. જસાણી પાર્ક-૩, એરપોર્ટ રોડ)ની પણ ધરપકડ કરી છે. જેમાં મહેશે મગન ઝાલાવડીયા અને મનસુખ લીંબાસીયાનો સંપર્ક કરી રૂ. ૫૦ના એક લેખે કુલ ૧૦૮૦૦ નંગ બારદાન ખરીદ કર્યા હતાં.

જ્યારે અરવિંદ ઠક્કરે મગન ઝાલાવડીયા, મનસુખ લીંબાસીયા અને ટ્રક માલિક કાળુ ઝાપડાનો સંપર્ક કરી રૂ. ૫૪ના એક લેખે ૨૦,૦૦૦ બારદાન ખરીદ કર્યા હતાં. સરકારી ભાવ રૂ. ૭૧ હોય છે. તેને બદલે મગન આણી મંડળીએ ૫૦ અને ૫૪ રૂપિયા લેખે બારદાન વેંચી રોકડ કટકટાવી લીધી હતી. ગુજકોટના અધિકારી સહિત અન્યોની ધરપકડની પણ સંભાવના છે. ઝડપાયેલા બંને વેપારીઓના પણ રિમાન્ડ મેળવવા તજવીજ થઇ રહી છે.

ક્રાઇમ બ્રાંચની ટૂકડીઓ કોલકત્તા અને મહારાષ્ટ્ર તરફ પણ તપાસ કરવા પહોંચી છે. કરોડોના બારદાન ત્યાંથી આવ્યા હોઇ ખરેખર રાજકોટ યાર્ડના ગુજકોટના રજીસ્ટરમાં થયેલી નોંધ મુજબ બારદાન આવ્યા છે કે કેમ? તેની ખરારઇ થઇ રહી છે. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા તથા એસીપી બી. બી. રાઠોડ, પી.આઇ. એચ. એમ. ગઢવી, પી.આઇ. આર. એસ. ઠાકર, પી.આઇ. એસ. એન. ગડુની રાહબરીમાં ચાર ટીમો તપાસ કરી રહી છે. મુખ્ય તપાસમાં બી-ડિવીઝન પી.આઇ. આર. એસ. ઠાકર,  જગેન્દ્રસિંહ જાડેજા, ચંદ્રસિંહ જાડેજા, પીએસઆઇ ડામોર, મહેશગીરી ગોસ્વામી, વિરમભાઇ ધગલ, હિતુભા ઝાલા, એભલભાઇ બરાલીયા, અજીતભાઇ લોખીલ સહિતની ટીમ સામેલ છે. (૧૪.૭)

 

(12:00 pm IST)