Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

કાલે રક્ષાબંધન પર્વ ઉજવાશે : યજ્ઞોપવિત બદલવાના કાર્યક્રમો

સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાઇ બહેનના પવિત્ર તહેવારને આવકારવા ઉત્સાહ

રાજકોટ તા.રપ : કાલે તા.૨૬ને રવિવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવશે. કાલે સમુહમાં યજ્ઞોપવિત બદલવાના કાર્યક્રમ શ્રાવણી પર્વની પણ ઉજવણી ધામધૂમથી કરવામાં આવશે.

રક્ષાબંધન અને શ્રાવણી પર્વને ઉજવવા માટે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં અનેરો ઉત્સાહ છવાયો છે અને બજારોમાં પણ અવનવી રાખડીઓનું વેચાણ થઇ રહ્યું છે.

જૂનાગઢ

જૂનાગઢ : શ્રી ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મસમાજ યુવક મંડળ, જૂનાગઢની યાદી જણાવે છે કે, ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મસમાજના જ્ઞાતિજનો માટે યજ્ઞોપવિત બદલવા શ્રાવણી બળેવનો કાર્યક્રમ તા.૨૬ ને રવિવારે સવારે ૮ કલાકે ખાખ ચોક, દામોદર કુંડ પાસે જૂનાગઢ ખાતે રાખેલ છે તો દરેક જ્ઞાતિજનોએ તરભાણુ, પંચપાત્ર, આચમની અને આસન સાથે લાવવા વિનંતી છે. આ કાર્યક્રમમાં ઔદિચ્ય ઝાલાવાડી પરિવારના તમામને પધારવા અંતઃકરણપુર્વક નિમંત્રણ પાઠવવામાં આવેલ છે. દાતાશ્રી ચંદ્રકાંતભાઇ અધ્યારૂ તરફથી પૂજાપો અને ફરાળનું આયોજન રાખેલ છે તેમ સુમીત ડી.વ્યાસની યાદીમાં જણાવાયુ છે.

ખંભાળીયા

ખંભાળીયામાં બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા રક્ષાબંધન પર્વે વિવિધ પરંપરાગત કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.

ખંભાળીયાનો રાજયપુરોહિત બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બળેવ નિમિતે રવિવારે અત્રે જ્ઞાતિની બ્રહ્મપુરી ખાતે સવારે ૭ થી ૧૧ વાગ્યા સુધી જનોઇ બદલવાનો કાર્યક્રમ તથા ત્યાર પછી બપોરે સાડા બાર વાગ્યે જ્ઞાતિ ભોજન પ્રસંગે સર્વે રાજયપુરોહિત જ્ઞાતિ જનોને ઉપસ્થિચ રહેવા અપીલ કરાઇ છે.

આ ઉપરાંત કાન્ય કુબ્જ (કનેજીયા) બ્રમહ્મણ જ્ઞાતિ દ્વારા તા. ૨૬ ના બળેવ પુનમની ઉજવણી અર્થે અહિંના ખીમનાથ મહાદેવ મંદિર ખાતે સવારે નવ થી બપોરે બાર વાગ્યા સુધી સમુહ યજ્ઞોપવિત ધારણ કાર્યક્રમ તથા ત્યાર બાદ જ્ઞાતિના આર્થીક સહયોગથી યોજાયેલા સમુહ જ્ઞાતિ ભોજનમાં જોડાવવા સર્વે કાન્ય કુબ્જ બ્રાહ્મણ જ્ઞાતિજનોને અપીલ કરવામાં આવી છે.

(11:59 am IST)