Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

રાજકોટની આયુર્વેદિક યુનિવર્સિટીમાં જાદુઇ પ્લાન્ટનો ઉપયોગઃ ડાયાબિટીસના ૧૦૦ દર્દીઓને સર્જરીથી છૂટકારો મળ્યોઃ કટુપીલા નામના છોડ ઉપર રિસર્ચ કરાયુ

રાજકોટઃ ડાયાબિટીસના દર્દીઓ માટે સૌથી મોટો ડર એ હોય છે કે, જો તેમને પગમાં ઈજા થાય તો ક્યાંક ઘામાં ઈન્ફેક્શન ન થાય અને પાકી ન જાય. કારણકે ડાયાબિટીસમાં ઘાને રુઝ આવતા સમય લાગે છે અને ઘણાં દર્દીઓએ પગ કપાવાવનો પણ વારો આવે છે. પરંતુ સુગરના દર્દીઓ માટે એક સારા સમાચાર છે.

રાજકોટમાં આવેલી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં આ જાદુઈ પ્લાન્ટનો ઉપયોગ થઈ રહ્યો છે અને તેનો વૈજ્ઞાનિક અભ્યાસ પણ કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટની મદદથી લગભગ 100 ડાયાબિટીસના દર્દઓને સર્જરીથી છૂટકારો મળ્યો છે.

આ દર્દીઓને ડોક્ટર્સે જણાવ્યુ હતું કે હવે એમ્પ્યુટેશન(જે તે અવયવ કાપી નાખવો તે)જ એકમાત્ર ઉપાય છે. શ્રીલંકના શલ્ય તંત્ર(સર્જરી) સ્ટુડન્ટ એ.એસ.અજમેર 2015માં પોતાના વતનથી ‘કટુપીલા’ નામનો છોડ લઈને આવ્યા હતા, અને ટીમ દ્વારા તેના પર રીસર્ચ કરવામાં આવ્યું. રિસર્ચનું પરિણામ હકારાત્મક આવ્યા પછી તેમણે છોડના પાંદડા પીસીને પેસ્ટ તૈયાર કરી અને ડાયાબિટિસના દર્દીઓના ઘા પર લગાવવામાં આવી.

પહેલા 23 દર્દીઓને આ રીતે સારવાર આપવામાં આવી અને ત્યારપછી વધારે લોકોને આ પ્રકારની સારવાર આપવાની શરુઆત કરવામાં આવી. અમેરિકાની નેશનલ ઈન્સ્ટિટ્યુચ ઓફ હેલ્થની નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસિનમાં આ કેસ સ્ટડી પબ્લિશ કરવામાં આવી હતી.

આ છોડના અસરકારક પરિણામને જોઈને જામનગરની એમ.પી.શાહ સરકારી મેડિકલ કોલેજના એલોપથીના ડોક્ટર્સનો પણ રસ જાગ્યો. હવે તેમણે પણ આ છોડ પર ઉંડાણથી રિસર્ચ કરવાનો પ્લાન તૈયાર કર્યો છે. ડોક્ટર્સના જણાવ્યા અનુસાર, ડાયાબિટીસના 60 ટકા દર્દીઓ ફૂટ અલ્સરથી પીડાય છે અને તેમાંથી 30 ટકા દર્દીઓએ સર્જરી કરાવવી પડે છે.

ડાયાબિટીસના કેસમાં જો પગનું ઈન્ફેક્શન અથવા ઘા 5 સેમી કરતા વધારે ફેલાય તો સર્જરી કરીને પગ કાપવો એકમાત્ર ઈલાજ રહે છે. પરંતુ આ પ્લાન્ટની મદદથી 15 સેમી લાંબા ઘાની સારવાર પણ શક્ય બની છે. શલ્ય તંત્ર ડિપાર્ટમેન્ટા ઈનચાર્જ અને અસોસિએટ પ્રોફેસર ડોક્ટર ટી.એસ.દુધમલ જણાવે છે કે, સર્જરી કરવાની સલાહ આપવામાં આવી હોય તેવા 100 દર્દીઓ પર આ કટુપિલાના પાનની પેસ્ટનો પ્રયોગ કરવામાં આવ્યો. હવે ઘણાં એલોપથી ડોક્ટર્સ પણ આવા પેશન્ટને અહીં મોકલે છે.

જામનગરમાં રહેતા 57 વર્ષીય મુકેશ કંસારા જણાવે છે કે, મારું સુગર લેવલ 400થી વધારે થઈ ગયુ હતું અને પગમાં ઈજા થઈ હતી. જ્યારે લાંબા સમય સુધી ઘા રુઝાયો નહીં તો ડોક્ટરે મને અંગૂઠો કપાવવાની સલાહ આપી. પરંતુ મને આયુર્વેદ યૂનિવર્સિટીનો રેફરન્સ મળ્યો અને હું અહીં સારવાર માટે આવ્યો. લગભગ બે-અઢી મહિના સુધી મારી સારવાર થઈ અને એક વર્ષમાં ઘા રુઝાઈ ગયો.

ઉલ્લેખનીય છે કે માત્ર ડાયાબિટીસ જ નહીં, પોષકતત્વોની કમીને કારણે, દાઝી જવાને કારણે, લેપ્રસીને કારણે થયેલા ઘા પણ આનાથી રૂઝાઈ જાય છે. ઉલ્લેખનીય છે કે, પ્રાથમિક તબક્કામાં ડાયાબિટિસને કારણે ઈજા પામેલા 23 દર્દીઓને બે ગ્રુપમાં વહેંચવામાં આવ્યા. એક ગ્રુપને Katupila છોડની પેસ્ટથી સારવાર કરવામાં આવી અને બીજા ગ્રુપને સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતી એન્ટીસેપ્ટિક દવાથી સારવાર કરવામાં આવી. પેસ્ટથી જેની સારવાર કરવામાં આવી હતી, તેમને 28 દિવસમાં ઘણાં ઓછા જખમ રહ્યા હતા. જ્યારે એન્ટી-સેપ્ટિક વાળા ગ્રુપમાંથી માત્ર બે જ દર્દીઓને સંપૂર્ણપણે ઘામા રૂઝ આવી હતી.

(4:39 pm IST)