Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

નીઓ રાજકોટ ફાઉન્ડેશન દ્વારા સંગીતપ્રેમીઓ માટે વધુ એક કાર્યક્રમ

સપ્ત સંગીતિ-૨૦૨૧: માત્ર ૩ વર્ષની ઉંમરે પોતાની બાંસુરી વાદનથી પ્રેક્ષકોને અચંબીત કરી દેનાર યુવા કલાકાર ષડજ ગોડખિંડીનો રવિવારે પ્રિમિયર શો

શાસ્ત્રીય સંગીતની દુનિયામાં જાણીતા એવા પંડીત વેંકટશ ગોડખિંડીના પૌત્ર અને પંડિત પ્રવિણજીના સુપુત્રનો ૨૭મીએ રાત્રે ૯ વાગ્યાથી બાંસુરી વાદનનો ઓનાલાઈન પ્રિમિયર શોઃ તેઓ ડ્રમ અને ખંજરીના સારા વાદક પણ છે

રાજકોટઃ વર્તમાન કોરોનાની વિષમ પરિસ્થિતિના કારણે આ પાંચમાં વર્ષે નીઓ રાજકોટ ફાઉન્ડેશન દ્વારા શ્રોતાઓ સુરક્ષિતપણે પોતાના ઘરે બેસીને કલાનો રસાસ્વાદ લઈ શકે તે માટ 'સપ્ત સંગીતિ ૨૦૨૧ કલાસિકલ મ્યુઝિક વર્ચ્યૂઅલ્ કોન્સર્ટ સીરિઝ' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. ઉભરતા કલાકારોને પ્રોત્સાહિત કરવા અને તેમની કલાને લોકો સન્નામુખ પ્રસ્તુત કરવા માટે મંચ પ્રદાન કરવાનો નીઓ રાજકોટ ફાઉન્ડેશનનો આ નમ્ર પ્રયાસ છે. આ સીરિઝના પ્રથમ કલાકારા શ્રી પ્રિયા પુરૂષોત્તમનના પ્રથમ પ્રિમિયર શોને અદભુત પ્રતિસાદ સાંપડેલો. દ્વિતીય પ્રિમિયર શો જાણીતા બાંસુરીવાદક પં. પ્રવિણ ગોડખિંડીના સુપુત્ર ષડજ ગોડખિંડીના બાંસુરીવાદનનો રહેશે. અત્રે એ ઉલેખનીય છે, પં. પ્રવિણ ગોડખિંડીને સપ્ત સંગીતિમાં રૂબરૂ સાંભળવાનો લાહવો રાજકોટવાસીઓને અગાઉ મળી ગયો છે. તા. ૨૭ જુનને રવિવારના રોજ રાત્રે ૯ કલાકે ષડજ ગોડખિંડીના બાંસુરીવાદનનો િ-મિયર શો યોજાશે. આ કલાકારનો ટૂંકો પરિચય જાણીએ.

સંગીતકારોના પરિવારમાં જન્મેલા શ્રી ષડજ ગોડખિંડીના પિતા પં. પ્રવિણ ગોડખિંડી અને દાદા પં. વેંકટેશ ગોડખિંડી શાસ્ત્રીય સંગીતમાં જાણીતા નામ રહ્યા છે. જયારે તેમને સરખુ બોલતા પણ આવડતુ ન હતું ત્યારે બે વર્ષની ઉમરથી તેમના દાદા પં. વેંકટેશજી પાસેથી વાંસળી વગાડતા શીખવાનું શરુ કર્યું હતું. ત્રણ વર્ષની ઉમરે બેંગ્લોરના કલાક્ષેત્ર ઓડિટોરીયમમામં દુનિયા સમક્ષ તેમના કલાના કામણ પાથરી લોકોને અચંબીત કરી દીધા હતા. ત્યારબાદ તેઓ પિતા અને દાદા સાથે બાંસુરીવાદનના પરફોર્મન્સ આપતા હતા. તેઓ કદાચ દેશના એકલા પહેલા કલાકાર હશે, જે પિતા અને દાદા સાથે, ત્રણ પેઢી એક સાથે, સ્ટેજ પર પર્ફોમ કરતા હોય.

શ્રી ષડજ એ નાનપણમાં કર્ણાટકી લયકારીમાં સ્વ. બાબુ સુકુમારજી પાસેથી વેસ્ટર્ન ડ્રમ અને શ્રી વિનોદ શ્યામ અનૂરજી પાસેથી ખંજરીની તાલીમ લીધી હતી. તેઓ ડ્રમ અને ખંજરીના સારા વાદક છે. તેણે પિતા પં. પ્રવિણજી સાથે ઘણા કાર્યક્રમોમાં વાંસળીની સાથે સાથે ડ્રમ પર પણ સંગત કરી છે. તેઓ કદાચ એવા પ્રથમ બાંસુરીવાદક હશે, જે વાંસળી ઉપરાંત ડ્રમ અને ખંજરી વાદનના પણ સારા જાણકાર હોય. તેઓ ઘણા ટીવી શો ઉપરાંત દેશના જાણીતા સંગીત સમારોહમાં પણ પર્ફોર્મ કરી ચુકયા છે. તેઓ ભારત ઉપરાંત હોંગકોંગ, કતાર, દુબઈ, ઓમાન અને અમેરીકા જેવા દેશમાં તેમની કલાનો પરિચય આપી ચુકયા છે. તેમને બંગ્લોરની રામ સેવા મંડળી દ્વારા એવોર્ડ ઓફ એકસલન્સ ઇન મ્યુઝીક એનાયત થયો છે. તેમને મુંબઈ ખાતે યોજાયેલ વીઝ કલાસિકલ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં પ્રથમ પદ પ્રાપ્ત થયેલ. તેણે લંડનની ટ્રીનીટી સ્કૂલ ઓફ મ્યુઝીકમાંથી ડ્રમ વાદનમાં ૭ ગ્રેડની પરીક્ષા ડીસ્ટીંકશન સાથે ઉતીર્ણ કરી છે. તેઓ ઓલ ઇન્ડીયા રેડીયોના આકશવાણીની સ્પર્ધા જીતી, હાલમાં બી ગ્રેડ આર્ટીસ્ટ તરીકે જોડાયેલ છે.

આ વર્ચ્યૂઅલ્ કોન્સર્ટ સીરીઝ અંતર્ગત જુનથી ડિસેમ્બર ૨૦૨૧ સુધી દેશના ખ્યાતમાન કલાકારોને ઘરબેઠા માણવાનો મોકો નીઓ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવી રહ્યો છે. આ સઘળા આયોજનમાં સપ્ત સંગીતિની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. પાછલા ચાર વર્ષની અપ્રતિમ સફળતા પછી આ વર્ષે વર્ચ્યુઅલ ઓનલાઇન પ્રસ્તુતી પણ સંગીતપ્રેમીઓના દિલ જીતી લેશે, તેવો આયોજકોને વિશ્વાસ છે. આ વર્ચ્યૂઅલ્ કોન્સર્ટ સીરીઝ ઉપરાંત અગાઉના વર્ષના કાર્યક્રમોને સપ્ત સંગીતિના ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ પેજ અને યુ-ટયુબ ચેનલના માધ્યમથી માણી શકાશે. યુ-ટયુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાથી ભાવી કાર્યક્રમો અંગે નોટીફીકેશનથી જાણવા મળી શકશે.

નીઓ રાજકોટની ટીમ

નીઓ રાજકોટ ફાઉન્ડેશનના ડિરેકટર શ્રીઓ, શ્રી પરાક્રમસિંહ જાડેજા, શ્રી મુકેશભાઇ શેઠ, શ્રી અરવિંદભાઇ પટેલ, શ્રી દિપકભાઇ રીંડાણી, શ્રી વિક્રમભાઇ સંઘાણી , શ્રી હિરેનભાઇ સોઢા અને શ્રી અતુલભાઇ કાલરીયા

(3:23 pm IST)