Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

બોગસ ડિગ્રીના આધારે ડોકટરી વ્યવસાય કરતા પકડાયેલ ડો. શ્યામ રાજાણી જામીન પર

રાજકોટ તા.રપઃ સૌરાષ્ટ્રભરમાં ચકચાર જગાવનાર અને એક પછી એક એજન્સીઓ દ્વારા ગુન્હાઓ દાખલ કરી બોગસ ડોકટર અંગેના સાહિત્ય ભેગુ કરી જેલમં ધકેલવામાં આવેલ શ્યામ રાજાણીને ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીનર પર મુકત કરતો હુકમ ફરમાવવામાં આવેલ છે.

આ કેસની હકકીત જોઇએ તો, આરોપી શ્યામ રાજાણીએ પોતાના નામનો એમ.બી.બી.એસ.નું ખોટું સર્ટિફિકેટ તથા રબર સ્ટેમ્પ બનાવી તે સર્ટિફિકેટ તથા રબર સ્ટેમ્પનો ઠગાઇ કરવાના હેતુથી ખરા તરીકે ઉપયોગ કરી લોકો સાથે ઠગાઇ કરી તેમજ પોતે ડોકટરની માન્ય ડિગ્રી ધરાવતો ન હોવા છતા લાઇફ કેર હોસ્પિટલ કુવાડવા રોડ, રાજકોટ ખાતે ખોટી તબીબી પ્રેકટીસ કરી ગુન્હો આચર્યા સંબંધે રાજકોટ મહાનગરપાલિકાના ડોકટર મનીષ બાબુભાઇ ચુનારા ફરીયાદી બની રાજકોટ બી -ડિવીઝન પોલીસ સ્ટેશનમાં શ્યામ હેમંતભાઇ રાજાણી વિરૂદ્ધ ગુન્હો દાખલ કરાવેલ.

ઉપરોકત ગુન્હાના કામે શ્યામ હેમંતભાઇ રાજાણીએ જામીન પર મુકત થવા નીચેની અદાલત તથા સેશન્સ અદાલતમાં જામીન અરજી કરતા બંને જામીન અરજીઓ રદ થતાં ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરી રજુઆત કરેલ કે ગૂન્હાનો પ્રકાર તથા હકીકત અને આક્ષેપ લક્ષે લેતા તેમજ ગૂન્હાની તપાસ જયારે પૂર્ણ થઇ ગયેલ હોય અને આ સમયે જો અરજદારને જામીન પર મુકત કરવામાં ન આવે તો પીટ્રાયલ પનીશમેન્ટના સંજોગો નિર્માણ થાય તેમ છે, અગાઉના બે ગુન્હામાં અદાલતે જામીન પર મુકત કરેલ છે, વિગેરે જુદા જુદા ચુકાદાઓ સાથે રજુઆત કરવામાં આવેલ.

બંને પક્ષની રજુઆતો તથા રેકર્ડ પરનો દસ્તાવેજી પુરાવો ધ્યાને લેતા તેમજ ગુન્હાના આક્ષેપો અને ગુન્હાની ગંભીરતા તથા ગુન્હાના કામેનો આરોપીનો રોલ વિગેરે લક્ષે લેતા પુરાવામાં ઉંડા ઉતર્યા વગર કે ચર્ચા કર્યા વગર અદાલતે સત્તાનો ઉપયોગ કરી અરજદારને જામીન પર મુકત કરવાનો વ્યાજબી કેસ માની અરજદારને જામીન પર મુકત કરતો હુકમ ફરમાવવામાં આવેલ.

ઉપરોકત કામમાં આરોપી શ્યામ રાજાણી વતી એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા તથા અમદાવાદના એડવોકેટ આશીષ ડગલી રોકાયેલ હતાં.

(3:42 pm IST)