Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

પત્નિ-પુત્રને છરી ઝીંકી કડવા પટેલ કારખાનેદારનો આપઘાત

જીવરાજ પાર્કના શાંતિવન પરમમાં બનાવઃ આર્થિક ભીંસ અને મકાન વેંચાતું નહોતું તેના ટેન્શનથી પગલુ ભર્યાનું પ્રાથમિક તારણ : રાજેશભાઇ જીવરાજભાઇ વાછાણી (ઉ.૪૫)એ ઝેરી ટીકડીઓ પીધા બાદ પત્નિ સોનલબેન (ઉ.૪૦)ને છરીનો ઘા ઝીંકયાઃ દેકારો સાંભળી પુત્ર સાહિલ (ઉ.૧૯) બીજા રૂમમાંથી આવતાં તેના ગળા પર પણ છરી ઝીંકીઃ રાજેશભાઇએ દમ તોડ્યોઃ પત્નિ અને પુત્ર સારવારમાં : સોનલબેને કહ્યું-હવે મને પણ તું મારી નાખ...ને પતિએ છરી ઝીંકી દીધી : જ્યાં ઘટના બની એ ઘર ૨૫ દિવસ પહેલા જ ભાડે રાખ્યું છે

જ્યાં ઘટના બની તે અંબિકા ટાઉનશીપમાં આવેલો શાંતિવન પરમ એપાર્ટમેન્ટ, ઘટના સ્થળે પોલીસ સ્ટાફ, રૂમમાં લોહીના ધાબા અને નીચેની તસ્વીરમાં કડવા પટેલ કારખાનેદાર રાજેશભાઇ વાછાણીનો નિષ્પ્રાણ દેહ, તથા તેના હુમલામાં ઘાયલ પત્નિ સોનલબેન અને પુત્ર સાહિલ તથા  પીએસઆઇ મેડમ એસ.આર. સોલંકી, મદદનીશ ફિરોઝભાઇ સહિતનો સ્ટાફ જોઇ શકાય છે(ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૫: શહેરના મોટા મવા નજીક જીવરાજ પાર્કમાં અંબિકા ટાઉનશીપમાં આવેલા શાંતિવન પરમ એપાર્ટમેન્ટ ડી-૧૦૪માં રહેતાં મુળ જામજોધપુરના અને વર્ષોથી રાજકોટ સ્થાયી થયેલા કડવા પટેલ કારખાનેદાર રાજેશભાઇ કાંતિભાઇ વાછાણી (ઉ.૪૫)એ આજે સવારે ઝેરી ટીકડીઓ પીધા બાદ પત્નિ સોનલબેન (ઉ.૪૦)ને ગળા પર છરીનો ઘા ઝીંકી દેતાં દેકારો સાંભળી બીજા રૂમમાંથી પુત્ર સાહિલ (ઉ.૧૯) દોડી આવતાં તેને પણ ગળા પર એક ઘા ઝીંકી દીધો હતો.  ત્રણેયને ં એસ્ટ્રોન ચોક પાસેની લેન્ડમાર્ક હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જેમાં રાજેશભાઇનું મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. તેના માથામાં પણ ઇજા હતી, આ ઇજા તેણે જાતે છરી ભોંકીને પહોંચાડી હતી કે પડી જવાથી થઇ? તે સ્પષ્ટ થયું નથી. આર્થિક ભીંસ અને મકાન વેંચાતું ન હોઇ તેના ટેન્શનથી કંટાળીને રાજેશભાઇએ આ પગલું ભર્યાનું પરિવારજનોનું પ્રાથમિક તારણ છે. માતા-પુત્ર બંનેને ઓપરેશનમાં લઇ જવાયા હતાં. પુત્ર સાહિલ એવું જણાવ્યું હતું કે  મકાન વેંચાતું ન હોઇ તેના ટેન્શનને કારણે આ ઘટના બની છે. જો કે તેના માતા સોનલબેન ભાનમાં આવે તેની પોલીસ રાહ જોઇ રહી છે.

ચકચાર મચાવતી આ ઘટનાની વિગતો મુજબ અંબિકા ટાઉનશીપ ડી-૧૦૪ શાંતિવન પરમમાં રહેતાં રાજેશભાઇ વાછાણી, તેમના પત્નિ સોનલબેન અને પુત્ર સાહિલને લોહીલુહાણ હાલતમાં રાજેશભાઇના સાઢુભાઇ બેકબોન પાર્ક ડ્રીમલેન્ડ એપાર્ટમેન્ટમાં રહેતાં મનોજભાઇ  ગોરધનભાઇ કટેશીયાએ લેન્ડમાર્ક હોસ્પિટલમાં ખસેડતાં અને અહિના તબિબની પ્રાથમિક પુછતાછમાં રાજેશભાઇએ ઝેરી દવા પીધા બાદ તેમના પત્નિને અને પુત્રને છરીના ઘા ઝીંકી ઇજા કર્યાનું અને બાદમાં પોતાના માથા ઉપર પણ જાતે છરીના ઘા ઝીંકી લીધાનું જણાવાતાં હોસ્પિટલ મારફત પોલીસ કેસ જાહેર કરી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

અહિ રાજેશભાઇ વાછાણીનો નિષ્પ્રાણ દેહ જ પહોંચ્યાનું તબિબે જાહેર કર્યુ હતું. જ્યારે તેમના પત્નિ સોનલબેનને ગંભીર ઇજા હોઇ તાકીદે ઓપરેશનમાં લઇ જવાયા હતાં. જ્યારે પુત્ર સાહિલને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. એસીપી જે. એસ. ગેડમ,  તાલુકાના ઇન્ચાર્જ પી.આઇ. એન.એન. ચુડાસમા, પીએસઆઇ એસ.આર. સોલંકી, ફિરોઝભાઇ, રાઇટર જયંતિભાઇ, ડી. સ્ટાફના હર્ષદસિંહ ચુડાસમા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇસહિતનો સ્ટાફ ઘટના સ્થળે અને હોસ્પિટલે દોડી ગયો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ રાજેશભાઇ વાછાણી મુળ જામજોધપુરના વતની હતાં. પરંતુ વર્ષોથી તે નાના ભાઇ જીજ્ઞેશભાઇ સાથે રાજકોટમાં સ્થાયી થયા હતાં. જીજ્ઞેશભાઇ ગંગા જમુનામાં પરિવાર સાથે રહે છે. તેમના માતા નર્મદાબેન અને પિતા કાંતિલાલ તેમની સાથે જ રહે છે. રાજેશભાઇ અને નાના ભાઇ જીજ્ઞેશભાઇ કોઠારીયા રોડ પર ડાયમંડના વ્હીલનું કારખાનુ ધરાવે છે. નાના એવા ભાડાના કારખાનામાં બંને ભાઇઓ સાથે જ કામ કરે છે.

પોલીસે ઘટનાની જાણ કરતાં મામલતદારશ્રી પિતાના હુમલામાં ઘાયલ પુત્ર સાહિલનું ડીડી નોંધવા આવ્યા હતાં. સાહિલે પ્રાથમિક પુછતાછમાં એવું કહ્યું હતું કે સવારે મારા માતા-પિતા વચ્ચે દેકારો થતો હું રૂમમાં જતા મારા માતાએ મારા પપ્પાને 'હવે મને પણ તું મારી નાંખ' તેમ કહેતાં મારા પપ્પાએ તેને છરી ઝીંકી દીધી હતી, પોતે વચ્ચે પડતાં પોતાને પણ એક ઘા ઝીંકી દીધો હતો.   સાહિલે આ ઘટના પાછળ શું કારણ હોઇ શકે? તે અંગે પુછાતાં એવું કહ્યું હતું કે અગાઉ પોતે ક્રિસ્ટલ મોલ પાછળ ચિત્રકુટધામમાં ઘરના વન બેડ હોલ કિચનવાળા મકાનમાં રહેતાં હતાં. છેલ્લા પચ્ચીસેક દિવસથી તેઓ શાંતિવન પરમમાં  રહેવા આવ્યા હતાં. ચિત્રકુટનું મકાન વેંચાતું ન હોઇ તેનું ટેન્શન હતું. પિતાએ ઝેર કયારે પીધું? એ પહેલા માતા-પિતા વચ્ચે શું ઝઘડો કે બોલાચાલી થઇ? તે બાબતથી પોતે અજાણ હોવાનું સાહિલે કહ્યું હતું.

જો કે સોનલબેન ઓપરેશન બાદ ભાનમાં આવ્યા ન હોઇ તે ભાનમાં આવે તેની પોલીસ રાહ જોઇ રહી છે. ખરેખર ઘટના પાછળ આર્થિક ભીંસ અને મકાન ન વેંચાવાની ચિંતા જ કારણભુત છે કે અન્ય કંઇ? તે અંગે તપાસ એસીપી ગેડમ અને ઇન્ચાર્જ પી.આઇ. એન. એન. ચુડાસમાની રાહબરીમાં થઇ રહી છે.

પિતાએ અચાનક છરીના ઘા ઝીંકતા પુત્ર સાહિલ હેબતાઇ ગયોઃ તેણે જ લોહીલુહાણ હાલતમાં

સગાને ફોન કર્યા

. ઘટના અંગે જાણવા મળ્યા મુજબ રાજશેભાઇ વાછાણીએ વહેલી સવારે છએક વાગ્યે કઠોળમાં રાખવાની ટીકડીઓ પી લીધા બાદ પત્નિ સોનલબેનને ગળા પર ઘા ઝીંકી દેતાં તેણે દેકારો મચાવી મુકયો હતો. એ પછી પુત્ર સાહિલ (ઉ.૧૯) અવાજ સાંભળી  બીજા રૂમમાંથી દોડી આવતાં અને વચ્ચે પડતાં તેને પણ  છરીના ઘા ઝીંકતાં તે હેબતાઇ ગયો હતો. પિતાએ ઝેરી દવા પી લીધાનું તેને જાણવા મળ્યું હતું. એ પછી પિતા રાજેશભાઇપડી ગયા હતાં. લોહીલુહાણ હાલતમાં જ સાહિલે પોતાના માસા સહિતના સગાઓને જાણ કરી હતી કે પપ્પાએ દવા પી લીધી છે અને પોતાને તથા મમ્મીને લાગી ગયું છે. આ વાતની જાણ થતાં જ સ્વજનો તેના ઘરે પહોંચ્યા હતાં અને ત્રણેયને હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. પરંતુ અહિ રાજેશભાઇએ દમ તોડી દેતાં કલ્પાંત સર્જાયો હતો.

રાજેશભાઇ બે ભાઇ અને બે બહેનમાં મોટા હતાં: પુત્ર સાહિલ મારવાડી કોલેજનો છાત્ર

. ઝેરી ટીકડીઓ પીધા બાદ પત્નિ અને પુત્રને છરીના ઘા ઝીંકી મારી નાંખવાનો પ્રયાસ કરી બાદમાં પોતાની જાતે પોતાના માથામાં છરીના ઘા ઝીંકી મોત મેળવી લેનારા રાજેશભાઇ વાછાણી બે ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. તે નાના ભાઇ સાથે જ કારખાનામાં કામ કરતાં હતાં. આ કારખાનુ એક જુના રૂમમાં ભાડેથી ચાલુ કર્યુ હતું. અગાઉ રાજેશભાઇ ચિત્રકુટધામમાં ઘરના મકાનમાં રહેતાં હતાં. આ મકાન હાલ વેંચવા કાઢ્યું હતું. પણ તે વેંચાતું નહોતું. આજે જ્યાં ઘટના બની એ અંબિકા ટાઉનશીપના શાંતિવન પરમમાં ૨૫ દિવસ પહેલા જ ભાડેથી રહેવા આવ્યા હતાં. તેમને સંતાનમાં એક જ પુત્ર સાહિલ છે, જે મારવાડી કોલેજમાં અભ્યાસ કરે છે.

રાજેશભાઇ પાસે પુત્રની ફી ભરવાના પૈસા પણ નહોતાં: સાઢુભાઇએ તેમને સાંત્વના પાઠવી હતી

. અરેરાટીભરી આ ઘટના પાછળ એવી વિગતો પણ બહાર આવી છે કે ભાડાનું કારખાનુ ચલાવતાં રાજેશભાઇ કેટલાક સમયથી ધંધો બરાબર ચાલતો ન હોવાથી ભારે આર્થિક ભીંસ અનુભવતાં હતાં. દિકરાની કોલેજની ફી ભરવાના પૈસા પણ તેમની પાસે નહોતાં. આ કારણે તેઓ ભારે ચિંતામાં ગરક થઇ ગયા હતાં અને આજે આ પગલું ભરી લીધું હતું. રાજેશભાઇના સાઢુભાઇ મનોજભાઇ કટેશીયા કે જે બાલાજી હોલ પાછળ ડ્રીમલેન્ડ એપાર્ટમેન્ટમાં રહે છે તેમણે કહ્યું હતું કે રાજેશભાઇ આર્થિક મુંજવણમાં હોવાની પોતાને થોડા દિવસ પહેલા વાત કરી હતી અને દિકરાની ફીની વ્યવસ્થા પણ થઇ શકે તેમ ન હોવાનું કહ્યું હતું. આથી જે તે વખતે તેણે તેમને સાંત્વના પાઠવી બધી વ્યવસ્થા થઇ જશે તેવી વાત કરી હતી. ત્યાં આજે તેણે આવુ પગલુ ભરી લેતાં મનોજભાઇ સહિતના પરિવારજનો પણ શોકમાં ગરક થઇ ગયા હતાં.

(3:25 pm IST)