Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

બેડી યાર્ડમાં મજૂરી કરતાં બિહારી યુવાન સુરેન્દ્રની લાશ પાણીના નાલામાંથી મળી

દોઢ માસ પહેલા જ બિહારથી આવ્યો હતોઃ અકસ્માતે પડી ગયાની શકયતા

રાજકોટ તા. ૨૪: બેડી યાર્ડ પાસે પાણીના નાલામાંથી એક યુવાનની લાશ મળી આવતાં ફાયર બ્રિગેડના જવાનોએ પહોંચી લાશ બહાર કાઢી પોલીસને સોંપી હતી. પ્રારંભે અજાણ્યા રહેલા આ યુવાનની બાદમાં ઓળખ થતાં તે બિહારનો હોવાનું અને બેડી યાર્ડમાં જ મજૂરી કરતો હોવાનું તેમજ અકસ્માતે નાલામાં પડી ગયાનું બહાર આવ્યું હતું.

એક યુવાનની લાશ બેડી યાર્ડ પાસે નાલામાં તરતી હોવાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ પહોંચી હતી. તરવૈયાઓએ મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો. કુવાડવાના પીએસઆઇ એન. આર. વાણીયાએ તપાસ હાથ ધરતાં એકઠા થયેલા લોકોમાંથી કોઇએ આ યુવાન બેડી યાર્ડમાં જ મજૂરી કરતો મુળ બિહારની સોલીંદરકુમાર શ્રીરામચંદ્ર મહતો (ઉ.વ.૨૭) હોવાનું સ્પષ્ટ થયું હતું.

પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ આ યુવાન ત્રણ બહેન અને પાંચ ભાઇમાં વચેટ હતો અને તેને એક પુત્ર છે. તે દોઢ મહિના પહેલા જ બિહારથી મજૂરી કરવા આવ્યો હતો અને બેડી યાર્ડમાં મજૂરી કરી ત્યાં જ રહેતો હતો. રાતે તે નાલા પાસે હાજતે કે લઘુશંકા માટે આવ્યા બાદ અકસ્માતે પડી ગયાની શકયતા છે. આમ છતાં ખરેખર શું બન્યું? તેની તપાસ પોલીસ કરી રહી છે.

(3:43 pm IST)