Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

ગરીબ કલ્યાણ મેળાના તાયફાઓ ક્ષતિજનક સ્થિતીમાં મૂકે છે : ત્રિવેદી-અજૂડીયા

જે સહાય ધરે બેઠા મળતી તેના માટે હવે સ્ટેજ પર બોલાવવા કરાતો દંભ

રાજકોટ,તા.૨૩ :  શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદીપ ત્રિવેદી અને કાર્યકારી પ્રમુખ સંજય અજુડિયા એ  જણાવ્યું છે કે હાલ ગુજરાતમાં બેઠેલી ભાજપ સરકારે પોતાની સત્તા ટકાવી રાખવા સરકારી તંત્રનો બેફામ ઉપયોગ શરુ કર્યો છે ત્યારે ગરીબો અને વંચિતોને ઘરે બેઠા મળતી સહાય જાહેરમાં સ્ટેજ ઉપર બોલાવી ક્ષોભજનક સ્થિતિમાં મૂકી આપવાની ભાજપ સરકારની આ વૃતિથી વંચિતોમાં ભારે દેકારો બોલી રહ્યો છે.

  ગુજરાતની રાજ્ય ભાજપ સરકાર તમામ મોરચે નિષ્ફળ રહી છે તેવું નિવેદન શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદીપ ત્રિવેદીએ કરતા વધુમાં જણાવ્યું હતું કે ટૂંક સમયમાં ભાજપ સરકાર રાજ્યભરમાં ગરીબ કલ્યાણ મેળા યોજવા જઈ રહી છે ગરીબો અને વંચિતોને પોતાના હક્કની મળતી સાધન-સહાય ઘરે બેઠા મળી રહે છે આમ છતાં હવે જયારે વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે ફરી ભાજપ સરકાર ગરીબ કલ્યાણ મેળાના તાયફા કરવાની જાહેરાત કરી રહી છે ભાજપ સરકાર સામાન્ય પ્રજાજનોને સુવિધા આપવામાં તદ્દન નિષ્ફળ રહી છે ત્યારે ચુંટણી આવતા ફરી એક વખત ભાજપને ગરીબો અને વંચિતો યાદ આવ્યા છે ગરીબ કલ્યાણ મેળામાં લાખ્ખો રૂપીયાનો ધુમાડો કરી જે સહાય વંચિતોને ઘરે બેઠા મળતી હતી તેની બદલે હવે જાહેરમાં ભેગા કરી સ્ટેજ ઉપરથી વિતરણ કરવા જઈ રહી છે ત્યારે ભાજપ પોતાના સ્વાર્થ માટે ગરીબ કલ્યાણ મેળામાં સરકારી મશીનરીનો બેફામ દુરુપયોગ કરી રહી છે.

 દરમ્યાન વધુમાં એવું પણ જાણવા મળ્યું છે કે ગરીબ અને વંચિતોને ઘરેબેઠા મળતી સહાય મોટા-સમારોહ કરી ગરીબ કલ્યાણ મેળામાં રાજ્ય સરકાર આપવાની છે આવા તાયફા કરવામાં લાખ્ખો રૂપિયાના ખર્ચની સાથોસાથ ગરીબ અને વંચિતોની કામની કલાકો-રોજ-વેતન પણ ગુમાવવું પડે છે ભાજપ સરકાર આવા તાયફા બંધ કરી લોકોને ઘરેબેઠા મળતી સહાય સમયસર ચુકવે તે જરૂરી છે એક વાત એવી પણ છે કે વિધવા અને ત્યકતા બહેનોને ભાજપ સરકાર દર મહીને મામુલી રકમ પણ સમયસર ચૂકવી શકતી  નથી, ત્રણ-ત્રણ માસની સહાય હજુય બાકી છે ત્યારે ફરી એક વખત આવા ગરીબ કલ્યાણ મેળાના તાયફા કરી ગરીબો અને વંચિતોને સમયસર મળતી સહાય અટકાવી જાહેરમાં આપવાનું નાટક ભાજપ સરકાર બંધ કરે તેવું રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદીપ ત્રિવેદી અને કાર્યકારી પ્રમુખ સંજય અજુડિયા એ જણાવ્યું છે.

(3:42 pm IST)