Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

લાતી પ્લોટની મિલકતમાં ભાડુતી હકક સાબિત નહી થતા અરજદારની અરજી કોર્ટે ફગાવી દીધી

રાજકોટ,તા.૨૪: રાજકોટ રહેતા નરેન્દ્ર ધીરજલાલની બુધ્ધદેવની લાતી પ્લોટ શેરી નં.૧૧માં આવેલ મિલકતના ભાડુઆત તરીકે રજનીકાંત હીરાલાલ ખેતાણી હતા. અને તેનુ અવસાન થતા ભાડુઆતી જગ્યામાં તેઓના પુત્ર ભરતભાઇ રજનીકાંત ખેતાણીનાં કુલ મુખત્યાર જયેન્દ્ર ચંદુલાલ રાઠોડએ રાજકોટ કોર્ટમાં ભાડાવાળી જગ્યાનુ સ્ટાન્ડર્ડ રેન્ટ કરાવવા કોર્ટમાં અરજી કરેલ હતી.

આ કામે રજનીકાંત ખેતાણીના પુત્ર ભરતભાઇ રજનીકાંત ખેતાણીએ કરેલછ સ્ટાન્ડર્ડ રેન્ટની અરજીમાં કોર્ટે એવુ ઠરાવેલ કે અરજદાર આ જગ્યાના ભાડુઆત નથી, તેઓએ કયારેય ગુજરનાર ભાડુઆત સાથે ધંધો કરેલ નથી તેથી કોર્ટમાં નરેન્દ્ર ધીરજલાલ બુધ્ધદેવના એડવોકેટ વિજયભાઇ ભાવસારએ એવી તકરાર ઉપસ્થિત કરેલ કે મુખત્યાર દરજ્જે કોઇપણ મિલકતમાં મુખત્યાર તરીકે કોર્ટમાં  દાવો કરી ના શકે અને  અન્ય તકરાર એવી પણ લીધેલ કે અસલ મૂળ ભાડુઆતનું અવસાન થતા ભાડુઆતના વારસદાર ભાડાવાળી જગ્યામાં તેમાં ભાડુઆત સાથે ધંધો કરેલન હોય ત્યારે કોઇ ભાડુઆતી હક્ક ઉપસ્થિત કરી શકતા નથી આમ વાદ.નો દાવો કોર્ટે માન્ય રાખેલ નહી. તેમજ ગુજ. રજનીકાંત ખેતાણીના વારસદાર એક જ પુત્ર ભરતભાઇ છે જેઓ હાલ અમદાવાદ ખાતે કેડીલા મેડીસીન્સની કંપનીમાં નોકરી કરે છે અને કયારેય ભાડાવાળી જગ્યામાં ધંધો કરેલ નથી.

આવા સંજોગોમાં કોર્ટે સામાવાળા નરેન્દ્ર બુધ્ધદેવના એડવોકેટ વિજય ભાવસારના તમામ પુરાવાઓ અને દલીલો માન્ય રાખેલ અને કોર્ટે ભરતભાઇ રજનીકાંત ખેતાણીના કુલ મુખત્યાર જયેન્દ્ર ચંદુલાલ રાઠોડએ કરેલ અરજી રદ કરેલ અને વિશેષમાં કોર્ટે જણાવેલ કે આ કામના અરજદાર ભરતભાઇ રજનીકાંત ખેતાણી ભાડુઆત ન હોય અને આ કામના અરજદાર ભરતભાઇ રજનીકાંત ખેતાણી તેના ભાડુઆતી હકક સાબિત કરી શકેલ નથી તેથીઁ તેઓને ભાડાવાળી જ્ગ્યાના ભાડુઆતી  હકક પ્રાપ્ત થતા નથી તેથી કોર્ટે અરજદારની  અરજી રદ કરી સામાવાળા નરેન્દ્ર બુધ્ધદેવની તરફેણમાં હુકમ ફરમાવેલ હતો.

આ કામમાં સામાવાળા નરેન્દ્ર બુધ્ધદેવના એડવોકેટ  તરીકે રાજકોટના  એડવોકેટ વિજય સી.ભાવસાર અને એડવોકેટ રાજ વી.ભાવસાર અને  વિષ્ણુ એન.બુધ્ધદેવ રોકાયેલ હતા.

(3:28 pm IST)