Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

સગાઇની ના કહેવાતાં ફાયઝે યુવતિના મમ્મીને ફોન કરી ગાળો ભાંડતાં રૈયા રોડ શિવપરામાં બઘડાટીઃ પાંચ ઘવાયા

શિવપરાના નસીમબેન અને પુત્ર ફયાઝ તથા સામા પક્ષે પત્રકાર સોસાયટીના સોયેબ મામટી, નિશાંત ઠેબા અને નહેરૂનગરના મોહિન માકડને ઇજાઃ જસ્મીનબેને પોતાની પુત્રીની સગાઇ બીજે થઇ ગઇ હોઇ ફયાઝ સાથે સગપણની ના પાડી દીધી હોઇ તે કારણે માથાકુટ : તલવાર, છરી, સોડા બોટલથી ધમાલઃ સામસામી ફરિયાદ

રાજકોટ તા. ૨૪: રૈયા રોડ બ્રહ્મસમાજ ચોક પાસે શિવપરામાં રહેતા મેમણ યુવાનના સગપણની વાત પત્રકાર સોસાયટીમાં રહેતાં ઘાંચી પરિવારની દિકરી સાથે ચલાવાઇ હતી. પણ સગાઇની ના પાડી દેવાઇ હોઇ મેમણ યુવાને યુવતિના મમ્મીને ફોન કરી ગાળો ભાંડતા ડખ્ખો થતાં યુવતિના માતા સહિત પાંચ જણાએ તેના ઘરે આવી ઠપકો આપતાં છરી, તલવાર, સોડા બાટલીથી હુમલો કરવામાં આવતાં પાંચને ઇજા થઇ હતી. પોલીસે સામ સામી ફરિયાદ નોંધી છે.

મારામારીમાં ઘવાયેલા સોયેબ  સહિત બે જણા સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ જાણ કરતાં પીએસઆઇ ટી. ડી. બુડાસણાએ હોસ્પિટલે પહોંચી એરપોર્ટ રોડ પત્રકાર સોસાયટી મેઇન રોડ 'મા ફરિદા' ખાતે રહેતાં સોયેબ યુનુસભાઇ મામટી (ઘાંચી) (ઉ.વ.૩૨)ની ફરિયાદ પરથી શિવપરા-૨માં રહેતાં ફાયઝ, ઇરફાન, ફૈઝાન, નવાજ અને નસીમબેન સામે ગુનો નોંધ્યો હતો.

સોયેબના કહેવા મુજબ પોતે અને નહેરૂનગર-૩માં રહેતો મોહીન જયાઉદ્દીન માકડ (ઉ.વ.૨૭) તથા નિશાંત ઠેબા રૈયા રોડ શિવપરા-૨માં રહેતાં ફાયઝે ફોન પર ગાળાગાળી કરી ઝઘડો કર્યો હોઇ તેને સમજાવવા, ઠપકો આપવા જતાં ફયાઝ તથા તેના માતા નસીમબેન સહિત પાંચ જણાએ મળી તલવાર, છરીથી હુમલો કરતાં પોતાને ગળાના ભાગે તલવારનો ઘા લાગી ગયો હતો. મોહીન બચાવવા આવતાં તેને જમણા હાથની આંગળીમાં ઘા લાગતાં ફ્રેકચર થઇ ગયુ હતું. તેમજ મોઢા પર છરીનો એક ઘા લાગી ગયો હતો. ઉપરાંત નિશાંત ઠેબાને પેટના ભાગે છરી મારી દેવાઇ હતી. છુટી કાચની બોટલનો પણ ઘા થતાં નિશાંતને માથામાં પણ ઇજા થઇ હતી.

સામા પક્ષે શિવપરા-૨માં રહેતાં નસીમબેન યાકુબભાઇ મારફાણી (મેમણ) (ઉ.વ.૪૦)ની ફરિયાદ પરથી સોયેબ મામટી, નિશાંત ઠેબા, જસ્મીનબેન મામટી અને મોહિન માકડ સામે ગુનો દાખલ કરાયો હતો.

નસીમબેને ફરિયાદમાં જણાવ્યું છે કે મારે સંતાનમાં ત્રણ પુત્ર અને એક પુત્રી છે. મોટા દિકરાનું નામ ઇફરાન છે અને તેની પત્નિનું નામ મુમતાઝ છે. નાના દિકરાનું નામ નવાઝ અને સોૈથી નાનાનું નામ ફાયઝ છે. ફાયઝની સગાઇની વાત કરવા અમે એરપોર્ટ રોડ પર પત્રકાર સોસાયટીમાં રહેતાં જસ્મીનબેન મામીટીની દિકરી અલજીના (ઉ.૧૮) સાથે ચલાવી હતી. પરંતુ અલજીનાની સગાઇ પાંચેક મહિના પહેલા ભાવનગર નક્કી થઇ ગઇ હોઇ જેથી જસ્મીનબેને અમને સગાઇની ના પાડી હતી.

એ પછી મારા દિકરા ફાયઝે જસ્મીનબેનને ફોન કરી સોમવારે ૨૩મીએ સાંજે સાડા પાંચેક વાગ્યે ગાળો દીધી હતી. ત્યારબાદ અમે રાતે નવેક વાગ્યે ઘરના બધા લોકો જમતા હતાં ત્યારે જસ્મીનબેન, સોયેબ, નિશાંત ઠેબા અને મોહીન માકડ અમારા ઘરની બહાર ઉભા રહી જોર જોરથી ગાળો બોલતાં હોઇ અમે તેને ગાળો નહિ બોલવાનું સમજાવતાં અને મારા દિકરાને ઠપકો નહિ આપવાનું સમજાવતાં જસ્મીનબેન બોલાચાલી કરવા લાગેલા, તેના હાથમાં છરી હોઇ હું ગભરાઇ ગઇ હતી.

એ પછી મારા ત્રણેય દિકરાઓને મેં ઘરમાંથી બોલાવ્યા હતાં. ત્યારબાદ જસ્મીનબેન મારા દિકરા ફાયઝને છરી મારવા આવતાં મેં તેને પાછળ ખેંચી લીધો હતો. જેથી મને હાથના પંજામાં છરી લાગી હતી. ફાયઝ સાથે ઝપાઝપી મારામારી થતાં માણસો ભેગા થઇ ગયા હતાં. આ લોકો મારી નાંખવાની ધમકી આપી ભાગી ગયા હતાં. આ ફરિયાદ પીએસઆઇ પી. એમ. અકવાલીયાએ દાખલ કરાવી હતી. 

(1:08 pm IST)