Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

યુવતિએ ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડ સાથે કોર્ટમેરેજ કર્યા, છુટાછેડા લીધા પણ આ ફ્રેન્ડે પીછો ન છોડ્યોઃ સાયબર ક્રાઇમ પોલીસે સીધો કર્યો

તારા બિભત્સ ફોટા મારી પાસે છે, તારી સગાઇ નહિ થવા દઉ, ફોટા વાયરલ કરીશ...એવા મેસેજ મોકલી ધમકી દીધી : બામણબોરના હસમુખ ઉર્ફ હરદિપ સામે સાયબર ક્રાઇમ હેઠળ ગુનો નોંધી લોકઅપની હવા ખવડાવાઇ

રાજકોટ તા. ૨૪: સોશિયલ મિડીયાનો સારો ઉપયોગ અનેક ફાયદા કરાવે છે. પરંતુ ખોટો ઉપયોગ પોલીસ સ્ટેશનના લોકઅપની હવા પણ ખવડાવી શકે છે. બામણબોરના હસમુખ ઉર્ફ હરદિપ ઘુઘાભાઇ સારદીયા (ઉ.વ.૨૯) નામના દૂધના ધંધાર્થીને આવો જ પરચો રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે આપ્યો છે. એક ૨૫ વર્ષની યુવતિની ઓળખાણ આઠેક વર્ષ પહેલા હસમુખ સાથે ઇન્સ્ટાગ્રામ મારફત થઇ હતી. બંને ફ્રેન્ડ બન્યા હતાં અને વાત આગળ વધતાં બંનેએ કોર્ટમેરેજ કર્યા હતાં. પરંતુ યુવતિ હસમુખ સાથે રહેવા ગઇ નહોતી. તે સતત ફોનમાં બોલાચાલી કરી ઝઘડા કરતો હોઇ તેની સાથે છુટાછેડા લઇ લીધા હતાં. પરંતુ હસમુખને આ ગમ્યું નહોતું અને તેણે પીછો નહિ છોડવાનું નક્કી કરી તેણીને સતત બિભત્સ, ધમકીભર્યા મેસેજ મોકલવાનું ચાલુ કર્યુ હતું. અંતે યુવતિએ સાયબર ક્રાઇમ પોલીસની મદદ લેતાં ગુનો નોંધી તેને પકડી લેવાયો છે.

યુવતિએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે હું બ્યુટી પાર્લરનો કોર્ષ કરુ છું. આઠ મહિના પહેલા બામણબોરના હસમુખ ઉર્ફ હરદિપ સાથે ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડશીપ થઇ હતી. એ પછી મેં તેની સાથે કોર્ટ મેરેજ કર્યા હતાં. પણ તેની સાથે રહેવા ગઇ નહોતી. તે સતત ફોન પર બોલાચાલી કરતો હોઇ જેથી ડાઇવોર્સ લઇ લીધા હતાં.

એ પછી હસમુખે તેના ઇન્સ્ટાગ્રામમાંથી મને ગાળો લખેલા મેસેજ મોકલવાનું ચાલુ કર્યુ હતું. ૫/૪ના રોજ આવા મેસેજ આવ્યા હોઇ તેને આવું નહિ કરવા સમજાવ્યો હતો. પણ ૧૭/૮ના ફરીથી તેણે મેસેજ કરી 'હવે તારી સગાઇ કયાંય નહિ થવા દઉ, તારા બિભત્સ ફોટા મારી પાસે છે જે હું વાયરલ કરી દઇશ, તારા બધા સગા સાથે વાત કરી લીધી છે' આવા મેસેજ કર્યા હતાં. પરંતુ મેં તેનો જવાબ આપ્યો નહોતો. છતાં તે બિભત્સ મેસેજ મોકલતો હોઇ અંતે ફરિયાદ કરી હતી.

 પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી ઝોન-૧  પ્રવીણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજાની સુચના મુજબ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ વી. જે. ફર્નાન્ડીસ, પીએસઆઇ એન. બી. ડોડીયા, એએસઆઇ જે. કે. જાડેજા, હેડકોન્સ. જયદેવભાઇ બોસીયા, દિપકભાઇ પંડિત, કોન્સ. પ્રવિણભાઇ મહિડા અને સંજયભાઇ ચોૈહાણે ગુનો નોંધી આરોપીને પકડી લીધો હતો. તે દૂધની ડેરી ચલાવે છે. 

(11:41 am IST)