Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

૧૬ માસની દિકરીને પતાવી દેનારા સિંધી દંપતિને સિવિલ હોસ્પિટલમાંથી રજા અપાઇ, ફરીથી દાખલ

મકાનની લોન નહિ ભરી શકાય તેની ચિંતામાં હંસરાજનગર મહેશ્વરી પાર્કના દંપતિએ દિકરીને મારી નાંખી પોતાના હાથની નસો કાપી સળગીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો : બાળકીની માતા ભાવિકા બર્ન્સ વોર્ડમાંથી રજા અપાયા બાદ માનસિક રોગ વિભાગમાં સારવાર માટે દાખલ થઇઃ પિતા મનિષ રાવતાણીને આજે રજા અપાઇઃ પણ ધરપકડની કાર્યવાહી અટકી

૮મીએ બંનેની સારવાર ચાલુ હતી ત્યારે લેવાયેલી તસ્વીર

રાજકોટ તા. ૨૪: શહેરના પોપટપરા નાલા નજીક હંસરાજનગર મેઇન રોડ પર  મહેશ્વરી પાર્ક-૨માં રહેતાં સિંધી દંપતિએ ધંધામાં ખોટ ગઇ હોઇ તેના કારણે ચાર મહિના પહેલા મકાન માટે લીધેલી ૩૦.૬૦ લાખની લોનના હપ્તા ભરપાઇ નહિ કરી શકાય તેની ચિંતામાં આપઘાત કરવાનો નિર્ણય કરી પોતે મરી ગયા પછી દિકરીનું કોણ? એમ વિચારી પહેલા ૧૬ માસની લાડકવાયી દિકરીનો દૂપટ્ટાથી ગળાટૂંપો દઇ જીવ લઇ લીધા બાદ બંનેએ એક બીજાના હાથની નસો બ્લેડથી કાપી લઇ તેમજ અગ્નિસ્નાન કરી લઇ મરી જવાનો પ્રયાસ કર્યો હતોે. આ બંને સામે હત્યાનો ગુનો નોંધાયો હતો. સિવિલમાં દાખલ પતિ-પત્નિને રજા અપાતાં ધરપકડની તજવીજ હાથ ધરાઇ હતી. પરંતુ ફરીથી દાખલ કરવા પડ્યા હોઇ ધરપકડની કાર્યવાહી અટકી હતી.

 હંસરાજનગર મેઇન રોડ પર મહેશ્વરી પાર્ક-૨માં 'ખુશી વિલા'માં રહેતાં સિંધી યુવાન મનિષ મહેશભાઇ રાવતાણી (ઉ.૨૮) તથા તેની પત્નિ ભાવિકા મનિષ રાવતાણી (ઉ.૨૬)ને ૭/૭ના બપોરે હાથની નસો કાપી નાંખેલી અને દાઝી ગયેલી હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ પોલીસ ચોકીના સ્ટાફની પ્રાથમિક પુછતાછમાં ગેસનો બાટલો લિક થવાથી આગ લાગતાં દાઝી ગયાનું જણાવાયું હતું. પરંતુ પોલીસને શંકા ઉપજતાં પ્ર.નગર પી.આઇ. બી.એમ. કાતરીયા, પીએસઆઇ બી. પી. વેગડા, બાબુલાલ ખરાડી, સંજયભાઇ દવે, વિરભદ્રસિંહ જાડેજા સહિતની ટીમે તપાસ કરતાં આ દંપતિએ પોતાની ૧૬ માસની દિકરી ખુશીની હત્યા કર્યા બાદ આપઘાતનો પ્રયાસ કર્યાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી.

પોલીસે મનિષના પિતા આજીડેમ ચોકડી પાસે અનમોલ પાર્ક-૩માં રહેતાં મહેશભાઇ મોહનદાસ રાવતાણી (ઉ.૫૫)ની ફરિયાદ પરથી પુત્ર મનિષ અને પુત્રવધૂ ભાવિકા સામે આઇપીસી ૩૦૨, ૧૧૪ મુજબ ૧૬ માસની દિકરી ખુશીનું દૂપટ્ટાથી ગળુ દાબી મારી નાંખવા સબબ ગુનો નોંધ્યો હતો. મકાનની લોન નહિ ભરી શકાય તેની ચિંતામાં દિકરીને મારી નાંખી મરી જવાનો પ્રયાસ કર્યાનું પતિ-પત્નિએ જે તે વખતે જણાવ્યું હતું.

બંને બર્ન્સ વોર્ડમાં સારવાર હેઠળ હતી. અહિથી ૨૦મીએ મૃતક બાળકીની માતા ભાવિકાને રજા અપાઇ હતી. પણ તેણીની માનસિક હાલત અસ્વસ્થ જણાતાં માનસિક વિભાગમાં દાખલ કરવામાં આવી હતી. એ પછી આજે તેણીના પતિ મનિષ મહેશભાઇ રાવતાણીને રજા અપાતાં પ્ર.નગર પોલીસ મથકે લાવવામાં આવ્યા હતાં. પરંતુ તેની હાલત પણ અસ્વસ્થ હોઇ સારવારની જરૂર જણાતી હોઇ ફરીથી એડમિટ કરવા તજવીજ કરવામાં આવી હતી.

(3:47 pm IST)