Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

મેયર-સેનીટેશન સમિતિના ચેરમેનના વોર્ડમાં કચરાના ઢગલાઃ કોંગ્રેસ

''આંગણવાડી નં.૪૮ની આસપાસ જ નર્કાગાર જેવી સ્થિતિથી ભૂલકાઓના આરોગ્ય સામે ગંભીર ખતરોઃ'' મનસુખ કાલરીયા

રાજકોટ તા.૨૪: શહેરમાં વોર્ડ નં.૧૦માં યુનિ. રોડ, ભગતસિંહ ગાર્ડન પાસે આવેલ મનપાની આંગણવાડી કેન્દ્ર નં.૪૮ની આસપાસ કાયમ કચરાના ઢગલા, ગંદકીના ગંજ અને ગાયોના ટોળા સતત રહેતા હોય અહીં અસહ્ય દુર્ગધ આવતી રહે છે મચ્છરો અને જીવજંતુઓ સતત ઉડયા કરે છે. વરસાદના છાંટા, વપરાશનું પાણી કે ડ્રેનેજના ઉભરાવાથી અહીં કાયમ પાણીના ખાબોચીયા ભરાયેલા રહે છે જેનાથી સ્થિતિ નર્કાગાર જેવી બની જાય છે. જેથી આંગણવાડીના ભુલકાઓના આરોગ્ય સામે સતત ગંભીર ખતરો રહે છે. બાજુમાં આવેલ આસોપાલવ ફલેટની આસપાસ ખૂલ્લા પ્લોટની પણ આજ દશા છે. ફરીયાદોના અંતે અઠવાડીએ એકાદ વખત સફાઇ થતા હોવાનો  આક્ષેપ વિપક્ષી ઉપનેતા મનસુખભાઇ કાલરીયા દ્વારા કરવામાં આવ્યો છે.

યોગીપાર્ક -૨ના ખૂણે, સત્યસાંઇ હોસ્પીટલ રોડ ઉપર કામનાથ મંદિરના ખૂણે, આત્મિય કોલેજની દિવાલ પાસે તથા સામે, આલાપ હેરીટેજ પાસેના પ્લોટની દિવાલ પાસે, મિલાનગર મેઇન રોડ પર ઓડીસી ટાવર સામેના ખૂણે, જલારામ-૨, ગીતાંજલી એપા.ની બાજુના ખૂણે, આફ્રિકા કોલોની શેરી-૩ની સામે, રૈયા રોડ બ્રહ્મસમાજના ખૂણે, તિરૂપતિ સોસા. કેન્સર હોસ્પીટલ પાસે વગેરે જગ્યાઓએ કાયમ કચરાના ઢગલા પડ્યા રહે છે. જેનાથી અસહ્ય ગંદકી થાય છે જેને નાબુદ કરવાની સતત રજુઆતો છતા સ્થિતીઓને જોવા મળી છે.

વધુમાં શ્રીકાલરીયાએ જણાવ્યુ હતુ કે, વોર્ડના ઘણા વિસ્તારોમાં નિયમિત સફાઇ થતી જ નથી  જેવા કે નાનામવા રોડ ઉપર શિવદૃષ્ટિ સોસાયટી, કાલાવડ રોડ ઉપરની વૃન્દાવન સોસાયટી, ઘનશ્યામનગર, જયોતિનગર ચોક, વિમલનગર મેઇન રોડ તથા શેરીએ, રૂડા-૨ની સામેનો ભાગ, મિલાપનગરની શેરી -૧ તથા ૨, રૈયા રોડ પર જીવનગર શેરી ૧-૬, બાલમુકુંદ પ્લોટ-ગગન એપા.પાસે, જલારામ-૧, ઉમિયા ચોક વગેરે વિસ્તારોમાં અઠવાડીએ બે થી ત્રણ દિવસ જ સફાઇ થાય છે. સતત અને ઉગ્ર રજુઆતો છતા સફાઇ કામગીરી થોડા દિવસ થયા પછી ફરી જૈસે થે થઇ જાય છે.

(3:39 pm IST)