Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

ગૌતમ પાર્ક સુચિત સોસાયટીના રહેવાસીઓનું રાષ્ટ્રપતિને આવેદનઃ અમારા મકાનો-પ્લોટો-રેગ્યુલાઇઝ કરો અથવા ઇચ્છા મૃત્યુની પરવાનગી આપો

કલેકટરને સંબોધી રષ્ટ્રપતિને આવેદન મોકલ્યું: ૧૯૯૮ થી વસવાટ છેઃ જમીનનો માલીક કોણ?! મહેસુલ તંત્રને ખબર નથી...

ગૌતમ પાર્ક સુચિત સોસાયટીના રહેવાસીઓએ રાષ્ટ્રપતિને સંબોધી આવેદન મોકલ્યું છે, 'અકિલા' કાર્યાલય ખાતે પણ વિસ્તૃત વિગતો લેખીતમાં આપી હતી. (તસ્વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ર૪ :.. અનુસુચિત જાતિ સમુદાય ગૌતમ પાર્ક સુચિત સોસાયટી, નાના મવા રોડ, મવડી પોલીસ હેડ કવાર્ટર સામે, કોપર એલીગન્સ પાછળ, રાજકોટ ખાતે રહેતા કિશોરભાઇ વોરા, અને અન્યોએ કલેકટરને સંબોધી - ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજીને આવેદન પાઠવી અમારા રહેણાંક મકાનો, પ્લોટો રેગ્યુલાઇઝ કરો અથવા અમોને સામુહિક 'ઇચ્છા મૃત્યુ' ની પરવાનગી આપો તેવુ જણાવતા હલચલ મચી ગઇ છે.

આવેદનમાં ઉમેર્યું હતું કે તા. ૧૧-૯-૧૯૯૮ ના રોજ અમો સૌ સહિ કરનારાઓ સહિત અંદાજે ચાલીસ-પચાસ જેટલા પરિવારોએ રૂ. ર૦,૦૦૦ માં ઉકત સ્થળે અને સરનામે ૬પ વાર ખુલ્લા પ્લોટો માત્ર નોન-જયુડીશીયલ સ્ટેમ્પ પેપર ઉપર ખરીદેલ તે વખતે મુળ માલીકના કુલમુખત્યાર દિવંગત કરશનભાઇ ભીખાભાઇ દાફડા તથા દિવંગત ભગવાનજીભાઇ ચુનીલાલ ટીલાળા તથા પ્રકાશભાઇ ભગવાનજીભાઇ ટીલાળા એ અમોને લખી આપેલ છે. ત્યારબાદ ધીરે ધીરે અમો સૌએ તેના પર રહેવા લાયક સામાન્ય મકાનોના બાંધકામ કરી દીધેલ. ત્યારબાદ ર૦૦૭ માં આ વિસ્તાર પોશ વિસ્તાર તરીકે  સ્થાન પામતા જમીન માલીકો દ્વારા સેશન કોર્ટ (રાજકોટ)ના બેલીફ દ્વારા અને પોલીસ  કાફલા સાથે આ જગ્યાનો કબ્જો લેવા માટે અને જમીન ખાલી કરાવવા માટે ર૮-૦૯-ર૦૧૬ પંચરોજકામ કર્યુ અને પીડીત અનુ. જાતિના મકાન-પ્લોટ ધારકોએ તેની સામે સેશન્સ કોર્ટ રાજકોટમાં દાવો દાખલ કર્યા રાજકોટ સેશન્સ કોર્ટેના આ દાવો ખારીજ કર્યા અમો પીડીતોએ તેની સામે હાઇકોર્ટ ગુજરાત રાજય અમદાવાદ ખાતે દાવો દાખલ કર્યો જે અંદાજે સાત વર્ષ આ કેસ ચાલેલ ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ નામદાર જજશ્રીએ, એવો હુકમ કર્યા કે આ જમીન ઉપર તમો પાર્ટીએ કંઇ જ લેવા - દેવા નથી. ત્યારબાદ ગુજરાત હાઇકોર્ટની ડબલ બેંચે પણ આ કેસ ખારીજ કર્યા ને છેલ્લે અમો પીડીતો નામદાર સુપ્રિમ કોર્ટમાં દાવો દાખલ કર્યા નામદાર સુપ્રિમ કોર્ટ દિલ્હીએ ઓર્ડર કર્યો કે નીચલી કોર્ટ તપાસ કરી વિગતો રજૂ કરે. નીચલી કોર્ટોઓ મૂળ ખાતેદાર-માલીક બચુભાઇ ભુટાભાઇ પીપળીયાના નામે જજમેન્ટ આપી પજેશન માટેનો હુકમ કરી દીધો. ખરા અર્થમાં બચુભાઇ ભુટાભાઇ પીપળીયા આ જમીન તા. ર૮-૯-ર૦૦૬માં વસંતભાઇ ભીમજીભાઇ કોરાટને વહેંચીને વેચાણ દસ્તાવેજ પણ કરી દીધેલ છે, જેના નામે આજની તારીખે આ જમીનના ૭-૧ર/૮-અ સરકારશ્રીના મહેસુલી રેકોર્ડમાં સમાવિષ્ટ છે.

ત્યારબાદ ગત તા. ર૯-૦૮-ર૦૧૭ના ભર ચોમાસે એક તરફ અનરાધાર વરસાદ વરસી રહ્યો હતો ત્યાંજ વહેલી સવારે ૭ વાગ્યે ૮૦૦ જેટલા પોલીસ મેનો, એ.સી.પી. સહિતના કાફલા સાથે વગર નોટીસ આપ્યે ડીમોલેશન કરેલ હતું. ર૦ વર્ષ પૂર્વ ખરીદેલા આ પ્લોટોની કિંમત આજે ર૦ લાખ રૂ. કરતા પણ વધુ થતી હોય. પ્રાઇમ લોકેશન હોય ભૂમાફિયાનો ડોળો પુનઃ આ જમીન પર પડયો ને સરકારી મશીનરીઓનો ભરપૂર ગેરઉપયોગ કર્યાખરેખર આ જમીનનો મૂળ માલીક કોણ છે ? તે વહીવટ તંત્ર કે કોર્ટ યા મહેસુલ તંત્રને પણ ખબર નથી.

આમ ડીમોલેશન વખતે હાજર તમામ પીડીત પરિવારની વગર વાંકે વગર ગુન્હે ધરપકડ કરી પોલીસ હેડકવાર્ટર ખાતે પૂરી દીધા. નજર કેદ કરી દીધેલ આ ડીમોલેશનમાં અમારા પરિવારના અમુક સદસ્યોને આઘાત લાગતા બેભાન થઇ જતા સીવીલ હોસ્પિટલ, રાજકોટ ખાતે દાખલ કરવા પડયા. ત્યારબાદ પુનઃ ર૯-૯-ર૦૧૭ના રોજ અમો મરજીવા થઇને ગૌતમ પાર્ક ખાતે વસવાટ કરવા ગયેલ અને ત્યારે અમો સૌ પીડીતોએ 'અમો પુનઃ ગૌતમ પાર્કમાં રહેવા જઇએ છીએ.' તે સબબના લેખિત આવેદનપત્રો કલેકટરશ્રી, કમિશનરશ્રી માટે, ઇજનેરશ્રી પશ્ચિમ ગુજ. વિજળી કંપની લી.ને અમો પુનઃ રહેણાંક મકાનો બનાવી વસવાટ કરવાના છીએ તે સબબ લેખિતમાં જાણ કરી હતી. તેમ છતાં ગત તા. ૧૦,૧૧,૧ર,૧૩ જુલાઇ ર૦૧૯ના રોજ પુનઃ તાલુકા પોલીસ સ્ટેશન, રાજકોટના પોલીસમેનો અને મહિલા પોલીસ ગૌતમ પાર્ક ખાતે અહીં ચાર-પાંચ દિવસ રોકાયેલ જે અંતર્ગત અમો પીડીતોએ કમિશનરશ્રીને રજૂઆતો કરી હતી.

અને છેલ્લે હર્વે એવા નિર્ણાયક મોડ પર અમો આવ્યા છીએ કે ગૌતમ પાર્ક સુચિત સોસાયટીના તમામ મકાનો/પ્લોટોને રેગ્યુલાઇઝ સરકારશ્રીના નીતિ નિયમ મુજબ કરી આપો. અથવા તો ગત તા. ૦૯-૦૩-ર૦૧૮ના રોજ ભારત દેશની સુપ્રિમ કોર્ટે 'ઇચ્છા મૃત્યુ'નો અધિકાર દેશના નાગરિકને આપ્યો છે. તો આપ મહામહિમ રાષ્ટ્રપતિ મહોદયજી અમોને 'ઇચ્છા મૃત્યુ'ની પરમીશન આપો.

રજુઆતો કરવામાં સર્વશ્રી અરજણ સોલંકી, જશુબેન સોલંકી, રમેશભાઇ માખેલા, નાગરભાઇ વોરા, પ્રવિણભાઇ પરમાર, ઘનશ્યામભાઇ છાંસીયા વિગેરે જોડાયા હતા.

(3:36 pm IST)