Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

હુડકો ચોકડી પાસેથી ટ્રકમાં કતલખાને લઇ જવાતા નવ ભેંસો અને પાડીનો જીવ બચાવાયો

પશુઓને ટ્રકમાં ખીચોખીચ બાંધી ભરૂચ લઇ જતા હતાઃ માણાવદરના બાવન ભારાઇ, દેવરાજ ભારાઇ અને એમપીના જગદીશ નીકમની ધરપકડ

રાજકોટ તા. ર૪: હુડકો ચોકડી પુલ પરથી ટ્રકમાં પાણી કે ઘાંસ ચારા વગર ખીચોખીચ બાંધી કતલખાને લઇ જવાતી નવ ભેંસો અને એક પાડીને ગૌરક્ષકો અને આજીડેમ પોલીસે મુકત કરાવી ત્રણ શખ્સોની અટકાયત કરી છે.

મળતી વિગત મુજબ શાપર-વેરાવળ કાજવાટીકા સોસાયટી શેરી નં.૪માં રહેતા અને ભગવા સ્વયંસેવક સંઘ ગૌસેવાની પ્રવૃતિ કરતા શૈલેષભાઇ હીરાભાઇ ગોંડલીયા (ઉ.રપ) રાત્રે પોતે તેના મિત્રો જયેન્દ્રભાઇ, ભીમદેવસિંહ, તુષારભાઇ, અને ઝાલાભાઇ ભોરડીયા ગોંડલ ચોકડી પાસે હતા ત્યારે મોડી રાત્રે ત્યાંથી એક જીજે.૧૮ ટી-૯૭રપ નંબરનો ટ્રક ત્યાંથી પસાર થતા તે ટ્રક શંકાસ્પદ જણાતા પોતે મિત્રો સાથે તેનો પીછો કરી ટ્રકને હુડકો ચોકડી પાસે પુલ ઉપર રોકી ટ્રકની પાછળ તાલપતરી હટાવીને જોતા તેમાં૯ ભેંસો અને એક પાડી ઘાંસચારો અને પાણી વગર દોરડાથી ખીચોખીચ બાંધેલી હાલતમાં જોવા મળતા પોલીસને જાણ કરતા આજીડેમ પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ આર.બી. વાઘેલા, ભીખુભાઇ, નિલેશભાઇ સહિતે સ્થળ પર પહોંચી ગયા હતા અને ટ્રકમાં બેઠેલા ત્રણ શખ્સોના નામ પુછતા માણાવદરના બાવન તેજા ભારાઇ (ઉ.૩ર), દેવરાજ મુળુ ભારાઇ (ઉ.૩ર) અને જગદીશ બારકુ નીકમ (ઉ.૩ર) (રહે. મહારાષ્ટ્ર) નામ આપ્યા હતા. ટ્રકમાં રહેલા પશુઓના ત્રણેય પાસે કોઇ આધાર પુરાવા ન હોઇ, અને આ પશુઓને માણાવદરથી ભરૂચ લઇ જતા હોવાનું જણાવ્યું હતું. આ અંગે પોલીસે ગૌસેવક શૈલેષભાઇ ગોંડલીયાની ફરીયાદ પરથી ત્રણેય શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કરી ત્રણેયની ધરપકડ કરી હતી.

(3:23 pm IST)