Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

રાજકોટ શહેર-જીલ્લાની રેશનીંગની ૪૪ દુકાનો ઉપર કલેકટરના દરોડા

પુરવઠા સચિવે આધારકાર્ડ વગરના વેચાયેલ જથ્થા અંગે પત્ર લખી કલેકટરનું ધ્યાન દોર્યું: સરકારની સુચના બાદ હવે દરોડાનો દોર... : કુલ ૧૬ ટીમો ત્રાટકીઃ કાર્ડ ધારકો-દુકાનદારોના નિવેદન લેવા-સ્ટોકમાં વધઘટ હોય તો જથ્થો સીઝ કરવા આદેશોઃ શનિવારે રીપોર્ટ કરવા : ૪૪ શંકાસ્પદ દુકાનોને ત્યાંથી પ થી પ૦ ટકા સુધી જથ્થો આધારકાર્ડ વગર વેંચાયોઃ છૂટ છે પરંતુ કાળા બજારમાં ગયાનો ધડાકો...

રાજકોટ તા. ર૪: રાજય સરકારની સીધી સુચના અને રાજયના અન્ન અને નાગરીક પુરવઠા તંત્રના સચીવ શ્રી સૈયદે રાજકોટ કલેકટરને આધારકાર્ડ રાજકોટ શહેર-જીલ્લાની સંખ્યાબંધભ દુકાનોમાંથી પુરવઠાનો ઘઉં-ચોખા-કેરોસીન કે બીજી વસ્તુનું કાર્ડ હોલ્ડરોને વેચાણ થયાનું અને આવો જથ્થો બારોબાર ખુલ્લા બજારમાં ગયાની કે કાળા બજારમાં ધકેલાઇ ગયાનો લખાયેલ પત્ર બાદ કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ ખાનગી રાહે બે દિ' તપાસ હાથ ધરી હતી અને આખરે આજે એવી રાજકોટ શહેર-જીલ્લાની રેશનીંગની ૪૪ દુકાનો ઉપર તમામ પ્રકારની તપાસનો દરોડાનો દોર શરૂ કરતા ખળભળાટ મચી ગયો છે.

અત્રે એ નોંધનીય છે કે, હુકમો બાદ દરેક દુકાનદારને ર૦ થી રપ ટકા માલ આધારકાર્ડ મેચ ન થતું હોય તો અન્ય પુરાવા લઇ કાર્ડ હોલ્ડરોને જથ્થો આપવા અને વંચિત ન રાખવા સુચના આપી છે.

પરંતુ આ છુટનો ઘણા ખરા દુકાનદારોએ લાભ લીધો, રાજયનું પુરવઠા તંત્ર ઓનલાઇન દ્વારા વોચમાં હતું, અને આખરે પુરવઠા સચિવના પત્ર બાદ કલેકટરે સુચના આપતા જીલ્લા પુરવઠા અધીકારીના માર્ગદર્શન ચીફ સપ્લાય ઇન્સ્પેકટર શ્રી હસમુખ પરસાણીયા, કિરીટસિંહ ઝાલા તથા અન્યો દ્વારા દરોડાનો દોર શરૂ કરાયો છે.

ચોંકાવનારી વિગતો એવી બહાર આવી છે કે, દુકાનદારો દ્વારા અન્ય પુરાવા લઇ પ થી પ૦ ટકા સુધી માલ વેચી નાખ્યો છે. હવે કોઇ દુકાનદારને ત્યાં ૧ હજાર કાર્ડ હોલ્ડરો હોય તો પ૦ ટકા આધારકાર્ડ વિનાના હોય તેવું તો બને જ નહીં, તંત્ર ચોંકી ઉઠયું છે, અને તમામ બાબતો ચકાસવી શરૂ કરી છે.

સાધનોના ઉમેર્યા પ્રમાણે કલેકટરે કૂલ ૧૬ ટીમો બનાવી છે, દરેકમાં નાયબ મામલતદાર રખાયા છે.

રાજકોટ ઉપરાંત જેતપુર, ધોરાજી, ઉપલેટા, પડધરી, વિંછીયા, જસદણ, કોઠારીયામાં દરોડા પડાયા છે, જયારે ગોંડલ-કોટડા સાંગાણીમાં આવેલ રેશનીંગ દુકાનો ઉપરથી ૧૦૦ ટકા માલ આધારકાર્ડ ઉપર અપાતો હોય તેમને ઝપટે લેવાયા નથી.  રાજકોટમાં ઝોન-૧, ર, ૩ અને ૪ ની લગભગ ૧પ થી વધુ દુકાનોમાં આ લખાય છે ત્યારે તપાસ ચાલુ છે.

દરેક તપાસનીશ ટીમને તપાસ દરમિયાન દુકાનના કાર્ડ હોલ્ડરોને અને ૧૦ ટકા એનએફએસ કાર્ડ હોલ્ડરોને બોલાવી નિવેદન લેવા દુકાન ધારકનું નિવેદન લેવા, તથા દરેક દુકાને સ્ટોકની ચકાસણી, ગણતરી કરવા, વધઘટ જણાય તો માલ સીઝ કરી દેવા સુચના અપાઇ છે, આજે અને કાલે એમ બે દિવસ તપાસ ચાલશે, શનિવારે દરેક ટીમ પાસે કલેકટરે રીપોર્ટ મંગાવ્યો છે. કલેકટરના આ પગલાથી રેશનીંગ દુકાન ધારકોમાં ફફડાટ પેસી ગયો છે, અમુકે દુકાનો બંધ કરી દીધાનું   બહાર    આવ્યું છે.

(3:13 pm IST)