Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

રાજકોટ જીલ્લામાં બંધ કારખાના તથા વાડીઓમાંથી ર૪ ચોરી કરનાર ગોંડલની તસ્કર ગેંગને રૂરલ એલસીબીએ ઝડપી લીધી

રાત્રીના છકડો રીક્ષામાં જઇ વાયરો, બેટરી, ઇલેકટ્રીક મોટર તથા લોખંડની ચોરી કરતા'તાઃ એલસીબીના પીઆઇ એમ.એન.રાણા તથા ટીમને સફળતા

તસ્વીરમાં પકડાયેલ તસ્કર ગેંગ (નીચે બેઠેલ) સાથે રૂરલ એલસીબીનો કાફલો અને ચોરાઉ મુદામાલ નજરે પડે છે.

રાજકોટ, તા., ર૪:  જીલ્લાના બંધ કારખાના તથા વાડીઓમાંથી  ર૪ ચોરી કરનાર તસ્કર ગેંગને ઝડપી લેવામાં રૂરલ એલસીબીને સફળતા મળી છે.

પ્રાપ્ત વિગતો મુજબ જીલ્લામાં મિલ્કત વિરૂધ્ધના ગુન્હાઓ શોધી કાઢવા અંગે એસપી બલરામ મીણાની સુચના અન્વયે એલસીબીના પીઆઇ એમ.એન.રાણા તથા પીએસઆઇ એચ.એ.જાડેજાની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બે છકડો રીક્ષામાં કોપર વાયર, ૪ બેટરી તથા લોખંડના ભંગાર સાથે નિકળેલ વિજય ઉર્ફે પીન્ટુ કાંતીભાઇ દેવીપુજક (રહે. વોરા કોટડા રોડ ગોંડલ) અનિલ જયંતીભાઇ દેવીપુજક (રહે. વોરા કોટડા રોડ, આવાસ કવાર્ટર ગોંડલ) વિનોદ રમેશભાઇ દેવીપુજક (રહે. વોરા કોટડા રોડ ગોંડલ) તથા જીતેષ ભનુભાઇ દેવીપુજક (રહે. વોરા કોટડા રોડ ગોંડલ)ને પકડી પાડી પુછતાછ કરતા તેના કબ્જામાં રહેલ ઉકત માલ ચોરાઉ હોવાની કેફીયત આપી હતી.

ત્યાર બાદ રૂરલ ક્રાઇમ બ્રાન્ચે ઉકત ચારેય શખ્સોની આકરી સરભરા કરતા જીલ્લામાં ર૪ ચોરી કર્યાની કબુલાત આપી હતી. પકડાયેલ તસ્કર ગેંગે ગોંડલ તાલુકા, વિરપુર, જેતપુર, કોટડા સાંગાણી તથા ધોરાજી પંથકના બંધ કારખાનાઓ અને વાડીઓમાંથી વાયરો, બેટરીઓ, ઇલેકટ્રીક મોટર તથા લોખંડની ચોરી કરતા હતા. ચારેય તસ્કરો રાત્રીના છકડો રીક્ષામાં જઇ જયાં બંધ કારખાના કે વાડીઓમાં કોઇ ન હોય ત્યાંથી માલ-સામાનની ચોરી કરતા હતા. પકડાયેલ તસ્કર ગેંગના કબ્જામાંથી પોલીસે ચોરાઉ બેટરી, કોપર વાયર, લોખંડનો ભંગાર તથા બે છકડો રીક્ષા મળી કુલ ર લાખનો મુદામાલ કબ્જે કરી વધુ પુછતાછ હાથ ધરી છે.

પકડાયેલ તસ્કર ગેગે મોટાભાગે ગોંડલ પંથકના ગામોમાંથી ચોરી કર્યાનું ખુલ્યું છે. તસ્કર ગેંગને ગોંડલ પોલીસને હવાલે કરાઇ છે.

આ કાર્યવાહીમાં રૂરલ એલસીબીના એએસઆઇ પ્રભાતભાઇ બાલાસરા, હેડ કોન્સ. મહીપાલસિંહ ઝાલા, મહેશભાઇ જાની, બ્રિજરાજસિંહ જાડેજા, રવીદેવભાઇ બારડ, અનીલભાઇ ગુજરાતી, પો.કો. દિવ્યેશભાઇ સુવા, જયેન્દ્રસિંહ વાઘેલા, પરાક્રમસિંહ ઝાલા, મેહુલ સોનરાજ, હિતેષ અગ્રાવત, રહીમભાઇ દલ, ભોજાભાઇ ત્રમટા, બાલકૃષ્ણ ત્રિવેદી, ભાવેશ મકવાણા, ભીખુભાઇ ગોહીલ, કુમારભાઇ ચૌહાણ, મનવીરભાઇ અમુભાઇ વીરડા તથા નરેન્દ્ર દવે સહિતનો સ્ટાફ જોડાયો હતો.

(11:53 am IST)