Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

૧૦૦૦થી વધુ રિક્ષા - વાહનો ચેક કરાયા : ૮૭ રિક્ષા ડિટેઇનઃ છર - છરા - પાઇપ - ધોકા સાથે ૮ રિક્ષાચાલકો પકડાયા : એસઆરપીમેન 'ડમડમ' થઇ સ્કોર્પિયો હંકારતા ઝપટે : નશાખોર વાહનચાલકો પણ પકડાયા

પોલીસ કમિશનર-જોઇન્ટ પોલીસ કમિશનર-બંને ડીસીપી અને તમામ એસીપીની સુચના હેઠળ તમામ પોલીસ મથકના ઇન્ચાર્જએ ટીમો સાથે ડ્રાઇવ યોજીઃ ગમે ત્યારે અચાનક આ રીતે ડ્રાઇવ યોજી ચેકીંગ કરવામાં આવશેઃ સરાજાહેર હત્યાની ઘટના બાદ પોલીસની આકરી કાર્યવાહી

રાજકોટઃ રિક્ષા ચાલકો વચ્ચે જવાહર રોડ પર સરાજાહેર છરી-રિક્ષાની કીકથી મારામારી થઇ અને એકની લોથ ઢળી ગઇ એ બનાવ પછી ગઇકાલે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશનર અજયકુમાર ચોૈધરી, ડીસીપી રવિકુમાર સૈની અને ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા તમામ એસીપીની સુચના હેઠળ તમામ પોલીસ મથકોના ઇન્ચાર્જને ઠેર-ઠેર ડ્રાઇવ યોજી રિક્ષાઓ તથા શંકાસ્પદ વાહનોના ચેકીંગ કરવા સુચના અપાઇ હતી. તે અંતર્ગત ઝોન-૧ હેઠળના પોલીસ મથકોમાં સાંજે પાંચથી રાતના અગિયાર સુધી ડ્રાઇવ યોજી ત્રિકોણબાગ, એસ્ટ્રોન ચોક, એસટી બસ સ્ટેશન, એસબીઆઇ ચોક, બી-ડિવીઝનના ગ્રીનલેન્ડ ચોકડી, બેડી ચોકડી, સંત કબીર રોડ નાલુ, ભવાનનો પીપળો, ભગવતીપરા મેઇન રોડ, કુવાડવા પોલીસ મથકના માલિયાસણ ચેક પોસ્ટ, કુવાડવા રોડ, ગવરીદડ ચાર રસ્તા, આજીડેમ પોલીસ મથકના આજીડેમ ચોકડી, ગોંડલ ચોકડી, કોઠારીયા ચોકડી, ભકિતનગર પોલીસ મથક હેઠળના સોરઠીયા વાડી સર્કલ, હુડકો ચોકડી, ગુંદાવાડી, કોઠારીયા મેઇન રોડ તેમજ થોરાળા પોલીસ મથક હેઠળના અમુલ ચોકડી, ચુનારાવાડ ચોક, દુધસાગર રોડ પર અલગ-અલગ પોઇન્ટ ગોઠવી ૫૬૨ રિક્ષાઓ ચેક કરવામાં આવી હતી. જેમાંથી ૮૭ રિક્ષાઓ આધાર પુરાવા વગર દોડતી હોઇ ડિટેઇન કરવામાં આવી હતી. રિક્ષા ચેકીંગ દરમિયાન હથીયાર શાસ્ત્રીમેદાન બસ સ્ટેશન પાસે પોપટપરાનો મહેશ લક્ષમણભાઇ સોલંકી (ઉ.૩૫) છરી સાથે, જવાહર રોડ મોમાઇ હોટેલ પાસેથી રિક્ષા નં. જીજે૩બીયુ-૮૯૧૪માં પુનિતનગરનો અયુબશા ઇકબાલશા શાહમદાર (ઉ.૪૩) પાઇપ સાથે, ભાવનગર રોડ વિવેક સાગર પાન પાસે નંબર વગરનું બાઇક દારૂ પીને હંકારીને નીકળેલા વિજય દેવશીભાઇ મકવાણા (ઉ.૩૮-રહે. થોરાળા-૧)ને ઢેબર રોડ ફાટક પાસે જીજે૧૧એએમ-૭૦૧૩ દારૂ પી હંકારીને નીકળેલા વિપુલ મનસુખભાઇ મોરબીયા (ઉ.૩૦-રહે. હસનવાડી-૨)ને, માલિયાસણ ચેક પોસ્ટ પરથી સાધુ વાસવાણી રોડ કવાર્ટરમાં રહેતાં રવિ દિનેશભાઇ ડાંગર (ઉ.૧૯)ને રિક્ષા જીજે૩બીયુ-૮૭૨૩માં પાઇપ સાથે, નવાગામ રંગીલાના હરેશ લાલજીભાઇ મકવાણા (ઉ.૩૦)ને રિક્ષા જીજે૩બીયુ-૭૮૪૩માં પાઇપ સાથે, ગોંડલ રોડ ચોકડીએ સીએનજી રિક્ષા જીજે૩બીયુ-૭૫૮૫માં ધોકો રાખી નીકળતાં જેનુ વશરામ વકાતર (ઉ.૩૦-રહે. કોઠારીયા સોલવન્ટ)ને પકડી લઇ કાયદાનું ભાન કરાવાયું હતું. ઝોન-૨ ડીસીપી મનોહરસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં આ વિભાગના પોલીસ મથકો દ્વારા ડ્રાઇવ યોજાઇ હતી. જેમાં ગાંધીગ્રામના રૈયા રોડ, છોટુનગર, નહેરૂનગર, સુભાષનગર, વૈશાલીનગર, ભોમેશ્વર, બજરંગવાડી, રાજીવનગર, શિતલપાર્ક, માધાપર ચોકડી, ઘંટેશ્વર ૨૫વારીયા સહિતના વિસ્તારોમાં ટીમો બનાવી ચેકીંગ કરવામાં આવ્યું હતું. ૨૩૦ વાહન ચેક કરી ૧૪૩ એનસી કેસ કરી દંડ વસુલાયો હતો. ૧૨૫ને ઇ-મેમો અપાયો હતો. ૧૧ બુટલેગરો, ૧૪ ટપોરીઓને અને ૨૨ એમસીઆર ચેક કરાયા હતાં. ૨૦૭ મુજબ ત્રણ વાહન ડિટેઇન કરાયા હતાં. છરી સાથે એકને પકડી લેવાયો હતો. જ્યારે માલવીયાનગર પોલીસ મથકના પી.આઇ. એન. એન. ચુડાસમા અને ટીમે એસીપી જે. એસ. ગેડમની રાહબરી હેઠળ ઓટો રિક્ષા તથા શંકાસ્પદ વાહનો ચેકીંગ કરવાની ડ્રાઇવ યોજી હતી. જેમાં નવલનગર-૯ કૈલાસનગર-૨માં રહેતો મેહુલ ધનજીભાઇ જેઠવા (ઉ.૨૩) તથા આશિષ ઉર્ફ આશીયો નાનજીભાઇ ભટ્ટી (ઉ.૨૬)ને છરી અને છરા સાથે પકડી લેવાયા હતાં. બી-ડિવીઝનના પીએસઆઇ ડામોર સહિતનો સ્ટાફ સંત કબીર રોડ ટી પોઇન્ટ પાસે રિક્ષા ચેકીંગમાં હતો ત્યારે ચુનારાવાડ તરફથી કાળા રંગની સ્કોર્પિયો સર્પાકાર આવતી હોઇ અટકાવીને તલાશી લેવાતા અને ચાલકનું નામ પુછાતાં શિવરાજસિંહ વિક્રમસિંહ ઝાલા (ઉ.૩૦-રહે. મેઘાણીનગર સુરેન્દ્રનગર) કહ્યું હતું. તેમજ પોતે એસઆરપી ગ્રુપ-૧૭ જામનગર ચેલા પોલીસ મથકમાં કોન્સ્ટેબલ હોવાનું જણાવ્યું હતું. તપાસ દરમિયાન તેણે કેફી પ્રવાહી પીધાનું જણાતાં અને તેની સ્કોર્પિયોમાં નંબર પ્લેટ પણ લગાડેલી ન હોઇ એમવીએકટ ૧૮૫ મુજબ ગુનો નોંધી પંચનામુ કરી કાયદેસરની કાર્યવાહી કરી ૪ લાખની સ્કોર્પિયો કબ્જે કરવામાં આવી હતી. આ રીતે પોલીસ અચાનક જ ડ્રાઇવ યોજી વાહન ચેકીંગની કાર્યવાહી ચાલુ રાખશે. તસ્વીરોમાં અલગ-અલગ સ્થળે ડ્રાઇવના દ્રશ્યો તેમજ ડિટેઇન થયેલી રિક્ષાઓ જોઇ શકાય છે. તમામ પોલીસ મથકો દ્વારા એક હજારથી વધુ રિક્ષા, વાહનો ચેક કરવામાં આવ્યા હતાં. (૧૪.૭)

(1:33 pm IST)