Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

સોરઠીયાવાડી સર્કલ પાસે લુખ્ખાગીરી કરનારા શખ્સને કાયદાનું ભાન કરાવતી પોલીસઃ જ્યાં ખેલ કર્યા ત્યાં ચાર પગે ચલાવાયો

રાજકોટઃ સોરઠીયા વાડી સર્કલ પાસે પરમ દિવસે રાત્રીના રાજ પાઉભાજી પાસે એક શખ્સે ધમાલ મચાવી હતી. જેમાં પાંઉભાજીના ધંધાર્થી રાહુલ રમેશભાઇ મુલવાણી (ઉ.૨૭) તથા તેના કારીગર સંતોષ યાદવ (ઉ.૨૭)ને ઇજા થઇ હતી. માથાકુટ કરનારા શખ્સે ભારે સીનસપાટા કરી ટોળા ભેગા કર્યા હતાં અને દાદાગીરી કરી હતી. રાહુલ મુલવાણીએ જણાવ્યા મુજબ પોતાના સ્ટોલ ખાતેથી એક શખ્સ રાતે સાડા અગિયારે પાઉભાજી લઇ ગયો હતો અને પૈસા દીધા વગર ભાગી ગયો હતો. એ પછી રાતે સ્ટોલ બંધ થઇ ગયા પછી એ ફરીથી આવ્યો હતો અને કારીગરોને સ્ટોલ ખોલી વધુ નાસ્તો પાર્સલ કરવાનું કહેતાં કારીગરોએ ના પાડતાં તેણે મારામારી કરી ખેલ કર્યા હતાં. આ બનાવના સીસીટીવી ફૂટેજ વહેતા થતાં ભકિતનગરના પી.આઇ. વી. કે.ગઢવી અને ટીમે તપાસ હાથ ધરી હતી. ખેલ કરી ભાગી ગયેલો શખ્સ અરબાઝ રફિકભાઇ રાઉમા (ઉ.૨૩-રહે. નવા થોરાળા) હોવાનું ખુલતાં તેને દબોચી લઇ જ્યાં ડખ્ખો કર્યો હતો એ ચોકમાં લઇ જઇ કાયદાનું ભાન કરાવાયું હતું. તસ્વીરમાં માથાકૂટના ફૂટેજના દ્રશ્યો અને અરબાઝ સામે કરવામાં આવેલી કાર્યવાહીનું દ્રશ્ય જોઇ શકાય છે.

(1:22 pm IST)