Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

સૂર્યદેવ વધુ આગબબુલા બનશે : રેકોર્ડબ્રેક ગરમી પડશે

ચોમાસા પહેલાની પ્રથમ સિસ્ટમ્સ બની રહી છે : અશોકભાઈ પટેલ : તા.૨૭ થી ૨૯ (શનિથી સોમ) અમુક સેન્ટરોમાં પારો ૪૫ને વટાવશેઃ એકલ - દોકલ સેન્ટરોમાં ગરમી ૧૦ વર્ષનો રેકોર્ડ તોડશે

રાજકોટ, તા. ૨૪ : સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં આકરા તાપ સાથે ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે હજુ આગામી દિવસોમાં પણ ગરમીમાં રાહત મળવાની નથી. આવતા સપ્તાહના પ્રારંભમાં જ રેકોર્ડબ્રેક ગરમી પડશે અને પારો ૪૫ ડિગ્રીને વટાવી જશે તેવી આગાહી વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે કરી છે.

તેઓએ ગત ૧૮મીની આગાહીમાં જણાવ્યુ હતું કે તા.૨૩ થી ૨૫ દરમિયાન મહત્તમ તાપમાન ૪૧ થી ૪૩ ડિગ્રીએ પહોંચી જશે તે મુજબ ગઈકાલે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૩.૪ (નોર્મલથી ૩ ડિગ્રી ઉંચુ), ભુજ - ૪૧.૮ (નોર્મલથી ૨ ડિગ્રી ઉંચુ), રાજકોટ - ૪૨.૫ (નોર્મલથી ૩ ડિગ્રી ઉંચુ) નોંધાયેલ. હાલમાં તમામ મહત્તમ નોર્મલ તાપમાન ૪૦ ડિગ્રી ગણાય. ઉલ્લેખનીય છે કે મહત્તમ નોર્મલ તાપમાન ૪૦ ડિગ્રી હોય અને તેમાં ૫ ડિગ્રીનો વધારો થાય ત્યારે હિટવેવ ગણાય.

વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલ તા.૨૬ થી ૩૦ એપ્રિલ સુધીની આગાહી કરતા જણાવે છે કે આવતા બે દિવસ એટલે કે તા. ૨૫ અને ૨૬ બે દિવસ મહત્તમ તાપમાન ૪૨ થી ૪૫ ડિગ્રી વચ્ચે રહેશે. દરમિયાન તા.૨૭-૨૮-૨૯ના અમુક સેન્ટરોમાં ગરમીનો પારો ૪૫ ડિગ્રીને પણ પાર કરી શકે છે. એકલ - દોકલ સેન્ટરોમાં છેલ્લા ૧૦ વર્ષનો ગરમીનો રેકોર્ડ તૂટે તેવી પૂરેપૂરી શકયતાઓ રહેલી છે. હિટવેવની શકયતા હોય ત્યારે હવામાન ખાતુ અને સરકારી એજન્સીઓની સુચનાઓને અનુસરવુ. આ સમયગાળા દરમિયાન પવનો ઉત્તર અને પશ્ચિમ દિશામાંથી ફૂંકાશે. આવતીકાલ સવારથી ભેજનું પ્રમાણ ઓછું થઈ જશે.

અશોકભાઈ વધુમાં જણાવે છે કે ચોમાસા પહેલાની પ્રથમ સિસ્ટમ્સ બની રહી છે. ઈકિવટોરીયલ ઈન્ડિયન ઓશન અને લાગુ દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં એક અપરએર સાયકલોનીક સરકયુલેશન છવાયેલ છે. જે હાલમાં ૩.૧ કિ.મી.ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે. આજ રાત સુધીમાં આ સિસ્ટમ્સ લો પ્રેસરમાં પરિવર્તિત થાય તેવી પૂરી શકયતા છે. આ સિસ્ટમ્સ આવતા બે - ત્રણ દિવસમાં મજબૂત બની ડિપ્રેશનની માત્રાએ પહોંચી જશે. જે મુખ્યત્વે શ્રીલંકા, તામિલનાડુ તરફ પહેલા બે ત્રણ દિવસ ગતિ કરશે.

(3:32 pm IST)
  • CJI ગોગોઈ જાતીય સતામણી કેસ : સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ શ્રી રંજન ગોગોઈ પર લગાવાયેલા જાતીય સતામણીના કેસ બાબતે ઇન-હાઉસ ઇન્ક્વાયરી પેનલની રચના કરવામાં આવી : શ્રી ગોગોઈ પછી નવા ચીફ જસ્ટિસ બનનાર શ્રી બોબળેની અધ્યક્ષતામાં રચાઈ આ પેનલ : આ પેનલના બીજા બે સભ્યો તરીકે જસ્ટિસ એન.વી. રામના અને શ્રી ઇન્દિરા બેનર્જીની પણ નિમણુંક કરાઈ : CJI ગોગોઈએ આ સમગ્ર મામલનો નિર્ણય આ નવી રચાયેલ પેનલ પર મૂકી દીધો હોવાનું જાણવા મળે છે. access_time 12:26 am IST

  • યુપી- રાજસ્થાનમાં આંધી- તોફાન- ધુળનું વાવાઝોડુ ફુંકાશેઃ ૩૦ થી ૫૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશેઃ તામીલનાડુ- શ્રીલંકાના પૂર્વીય તટો પર ૪૮ કલાકમાં ચક્રાવતી તોફાન ત્રાટકશે :અરબી સમુદ્ર તથા દક્ષીણ- પશ્ચિમ બંગાળાની ખાડી અને દક્ષીણ પૂર્વ શ્રીલંકા ઉપર ભૂમધ્ય લો પ્રેશર કાલે સર્જાઈ શકે છેઃ જે ૩૬ કલાકમાં ડિપ્રેશનમાં ફરે તેવી શકયતા છેઃ હિમાચલ, જમ્મુ- કાશ્મીર, બિહાર, ગંગીય પશ્ચિમ બંગાળ, ઓડીશા, છત્તીસગઢ અને દક્ષીણી આંતરીક કર્ણાટકમાં અલગ- અલગ જગ્યાએ ૩૦ થી ૪૦ કિ.મી. પવનની ગતી સાથે આંધી- તોફાન અને વિજળી પડી શકે છેઃ હવામાન ખાતુ access_time 3:48 pm IST

  • વડાપ્રધાન મોદી સાથે આવતીકાલે સવારે ૯ વાગ્યે અક્ષયકુમાર કરશે કઈક નોખી અનોખી મુલાકાત : અત્યારે ચુંટણીના માહોલમાં જ્યારે આખો દેશ રાજનીતિની વાતો કરી રહ્યો છે ત્યારે અક્ષયકુમાર આ મુલાકાત દરમ્યાન પ્રધાનમંત્રી મોદી સાથે સંપૂર્ણપણે બિન રાજકીય અને કઈક જુદીજ અંતરંગ વાતો કરશે : આ સમગ્ર મુલાકાતનું ટેલીકાસ્ટ ANI સમાચાર સંસ્થાના સોશ્યલ મીડિયા હેન્ડલ્સ પર પ્રદર્શિત કરવામાં આવશે access_time 10:34 pm IST